યુપી વિધાનસભાની ચૂંટણી મુદ્દે આજે દિલ્હીમાં ૧૧ અશોકા રોડ ખાતે ભાજપની બેઠક મળી હતી. બૂથ અધ્યાક્ષોની બેઠકમાં ભાજપના દિગ્ગજ નેતાઓને ક્ષેત્ર મુજબ પ્રભારી બનાવવાનો નિર્ણય લેવાયો હતો. ગૃહ મંત્રી અમિત શાહને બ્રજ ક્ષેત્ર અને પશ્ચિમના પ્રભારી બનાવવામાં આવ્યા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહને અવધ અને કાશીની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને ગોરખપુર અને કાનપુરના પ્રભારી બનાવવામાં આવ્યા છે.
દિલ્હીમાં લગભગ ત્રણ કલાક સુધી ચાલેલા ભાજપના આ મંથનમાં ચૂંટણી કાર્યક્રમો બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ભાજપમાં આવું પ્રથમ વખત થયું છે કે જ્યારે દિગ્ગજ ચહેરાઓને ક્ષેત્ર અનુસાર પ્રભારી બનાવવામાં આવ્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે જણાવ્યુ હતું કે તેમાં યુપી ચૂંટણીની રણનીતિ અને કાર્યક્રમો બાબતે ચર્ચા થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા રાજનાથ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કાર્યક્રમો બાબતે જોણકારી આપી હતી. બેઠકમાં ભાજપનું સંપૂર્ણ ધ્યાન ‘બૂથ જીત્યું તો ચૂંટણી જીતી’ની ફોર્મ્યુલા પર રહ્યું છે.
બૂથ અધ્યક્ષોની બેઠકમાં વિજય સંકલ્પ યાત્રાઓના રુટ નક્કી કરવામાં આવ્યા છે. તેના પ્રભારીની નિમણૂંક કરવામાં આવી છે. જલ્દી જ તારીખ પણ નક્કી કરવામાં આવશે. બેઠકમાં ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન, યુપીના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, સંગઠન મહામંત્રી સુનિલ બંસલ અને યુપી ભાજપ પ્રભારી રાધા મોહન સિંહ સામેલ થયા હતા.
મિશન ઉત્તર પ્રદેશ ૨૦૨૨ માટે ભાજપ સંપૂર્ણ તૈયારીમાં લાગી ગયું છે. આ અંતર્ગત પાર્ટીના દિગ્ગજ નેતાઓએ રાજ્યની મુલાકાત લેવાની પણ શરૂઆત કરી દીધી છે. ભાજપનું વિશેષ ધ્યાન પૂર્વાંચલ પર છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોતાના યુપી પ્રવાસ દરમિયાન પાર્ટી કાર્યકરોને ૩૦૦ પ્લસનો મંત્ર આપ્યો છે. આગામી ચૂંટણીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં જીત ૨૦૨૪ માટેના દરવાજો ખોલશે.