“રવિના, આજે કેટલા દિવસ પછી શાંતિ છે !” મેથી વીણતા વીણતા રાજેશ્વરીબા બોલ્યા ઃ “આજે અર્જુન પણ ઓફિસે ગયો અને અનિતા ય પણ આટલા દિવસ પછી તેની કોલેજ ગઇ હતી. વળી મોટાનો પણ ફોન આવી ગયો કે તે પણ ગોવાથી આવી ગયો છે. દીકરી જમાઇવાળો કેસ પણ સમાધાનના આરે છે. હાશ ! આજે તો એટલુ સારૂ લાગે છે ને કે- ” “સાચી વાત છે બા!” રસોડામાં રસોઇ કરી રહેલી રવિનાએ કહ્યું ઃ ‘ આજે તો સાહેબે તમને સામે ચાલીને કહ્યું કે તેમને ભાવતું આખા રીંગણાનું શાક ખાવુ છે !”
“હા, રવિના! એજ વાતે મને ખુશી થઇ, નહિંતર તો બે દિ’ કેટલો નખાઇ ગયો હતો.” બોલતા હસી પડયા: ‘ પણ એણે તો કોથળામાંથી બિલાડું કાઢયું. એક આટલી અમથી વાત એણે આપણાંથી તો ઠીક પણ એના બાપુથીય છૂપાવી રાખી. બાકી અમારા કુટુંબમાં તો આ કયાં નવી નવાઇની વાત હતી ?” પણ એટલો શરમાળ છે ને આ છોકરો, કે ન પૂછો વાત ! અરે, ભૈ ! ભૂલ થઇ જાય. ભૂલ નહીં… આ તો લોહીના લક્ષણ છે કયારેક તો ઝળકે ને ?”
“લે, એવું તો શું હતું વળી ? સાહેબે કાંઇ ફોડલો ફોડયો ?” રવિનાના અવાજમાં ઉત્સુકતા ભળી. એટલે રાજેશ્વરીબા હસી પડતા કહે: “હવે નહી જેવી વાત ને ગામ ગાંડુ કર્યું, જાને! ઇવડો ઈ એના ભાઇબંધના ફાર્મ હાઉસમાં જઇને છાંટો પાણી કર્યાે, તે લથડિયાં લેતો લેતો છેક સવારે આવ્યો. પહેલીવાર હતું ને તે ચડેલું ઊતર્યું જ નહી ! ”
“હા, ઇ સાચ્ચું…” રવિનાએ માથું ધૂણાવતા કહ્યું: “સાહેબેય પણ ખરાં છે, અહીં આપણે ચિંતામાં ને ચિંતામાં અડધા થઇ ગયા ઇ કાંઇ નહી.”
“અશ્શે, જવા દેને ?” કરતા રાજેશ્વરીબા ઉઠયા કે રવિનાએ હાથમાં થેલી લીધી. ડબરામાંથી સોની નોટ લઇને રાજેશ્વરીબાને કહે: “બા, ચણાનો લોટ તો જરાય નથી અને મસાલો પણ કંઈ નથી. હું ડુંગળી, દાળિયા, કોથમરી અને ચણાનો લોટ લેતી આવુ છું. આ બધી વસ્તુ લેતા મારે થોડીક વાર લાગશે પણ તમે પાછાં રસોડામાં જઇને ઉધમાત ન કરતા.” જવાબમાં , “હા, ભૈ હા, અર્જુનને તો અમથીય હવે તારા હાથની જ સ્તો રસોઇ ભાવે છે ને ? તેને મન હું કે અનિતા તો સાવ ભાજીમૂળા.!! નિષ્ણાંત તો તું એક જ છો.” “બસ બા, મને ચણાના ઝાડ ઉપર ચડાવો મા. જયાં છું ત્યાં જ બરોબર છું.” એમ કરતી મોબાઇલ લઇ ચપ્પલ પહેરતી ત્વરાથી બહાર નીકળી ગઇ. આઘેરે’ક ગયા પછી એક વળાંકે ઊભા રહીને ઝાડની ઓથે રહીને ડ્રેસના ચોર ખીસ્સામાંથી બીજું સીમકાર્ડ કાઢયું અને ફોન લગાડયો…
—-
“તમારા પપ્પાનો ફોન આવ્યો હતો… કહેતા હતા કે ફાર્મ હાઉસમાં જઇને તમે તમારા ફ્રેન્ડ જાડે વધુ પડતી પી ગયા અને પછી ખબર ન રહી. એટલે તબિયત બગડી…” દતા અર્જુનના ટેબલે જઇને બેઠો અને પછી વાત છેડી. અર્જુન, દત્તાના ચહેરા સામે તાકી રહ્યો. તો સામે દત્તા પણ અર્જુનના ચહેરાને નાણતો રહ્યો. અર્જુનના ચહેરા ઉપર મુંઝવણની આછી આછી રેખાઓ ઉપસી આવી અને દત્તાની સામે મેળવેલી નજર નીચે ઝૂકી ગઇ. દત્તાએ આ વાતની નોંધ લીધી.
સ્કેલને હાથમાં રમાડતો દત્તા હસ્યો: “પહેલીવાર પીધું એટલે એવું થાય જ કશુંય ભાન ન રહે, કરેક્ટ ?”
“જી સર, મને કશી ખબર ન રહી. મેં ફ્રેન્ડને કહ્યુ કે યાર, મારે હેબીટ નથી. તોય વારંવાર આગ્રહ કરતો જ રહ્યો કે ના, આટલું તો લેવું જ પડશે. આટલું તો લેવું જ પડશે અને એમ કરીને…”
“આખી રાત પીવામાં જ કાઢી, પણ પછી તમે મોટર સાયકલ લઇને કેવી રીતે ઘરે પહોંચી શકયા ? આપણો આખો ઇલાકો તો પહાડી છે. તમે કયાંય પડી ન ગયા ? અલબત્ત, ચક્કર તો આવતા જ હતા.”
“હા, તેના ફાર્મ હાઉસથી તો માંડ માંડ પહોંચ્યો બાઇક લઇને ! ચક્કર તો આવતા હતા પણ જેમતેમ કંટ્રોલ કરીને અહીં પહોંચાયું. ”
“ઊડતાં ઊડતાં ?” દત્તાએ પ્રશ્નનો કાંકરો ફેંક્યો એટલે ચમકીને અર્જુને દત્તા સામે જાયું. પળ બે પળ, પછી કહે “મને ન સમજાયું.”
“સમજાયું તો મનેય પણ નથી.” દત્તાના અવાજમાં રૂક્ષતા ભળી. ચહેરા ઉપર કડકાઇ ! તેણે કહ્યું: “કાં તમે ઊડતા ઊડતા આવ્યા હો, અને કાં તમારૂ બાઇક ! બાકી તમને બાઇક સાથે નથી આવ્યા મને આ મુજબ બાઇકે વાત કરી! ”
“તમે શું બોલો છો સર.”
“તમે શું સાંભળો છો ત્યારે” હસીને દત્તાએ કહ્યું: “તમારૂ બાઇક આખી રાત ખંડેર રાજમહેલના અવાવરૂ ગ્રાઉન્ડમાં પડયુ હતું. તેની મને ખબર છે. તો તમે કયા ફ્રેન્ડના ફાર્મહાઉસ ઉપર ગયા હતા એ મને કહો.”
“એ મારી પર્સનલ મેટર છે. પ્લીઝ તમને મને એ બાબતે પૂછવાનો અધિકાર નથી.”
“ઓ.કે. સરસ… બહુ સરસ સાચી વાત કરી તમે.” બેઠક ઉપરથી ઊભાં થઇ જતા દત્તા બોલ્યા: “અર્જુનસિંહ તમને મેં મારા નાના ભાઇની દ્રષ્ટિએ જ જાયા છે નહિં કે અધિકારીની દ્રષ્ટિએ ! તેમ છતાં જા મોટાભાઈ તરીકે મારો આટલુંય પૂછવાનો અધિકાર ન હોય તો ઇટ્સ ઓકે.. ડોન્ટ માઇન્ડ, હું તમારા પપ્પાને આ વાતથી સુવિદિત કરી દઇશ થેન્કયુ ”
“સર…સર…” પોતાની ખુરશી ઉપરથી ઊભા થઇને દત્તા પાછળ પાછળ અર્જુન દોડી આવ્યો. બે હાથ જાડી, નતમસ્તકે ઊભો રહ્યો: “સોરી સર, મારો કહેવાનો મીનીંગ એવો ન હતો પણ..” “કોઇ વાંધો નહીં. મને ખોટું નથી લાગ્યું ઇટ્સ ઓકે પણ હા..” આંખો પહોળી કરી ચેતવણીના સુરે દત્તાએ કહ્યું: “વન્સ અગેઇન્સ ટોલ્ડ યુ. પ્લીઝ બી લીવ કેરફૂલ એન્ડ નેક્ષ્ટ ટાઇમ, ટેક કેર, ડોન્ટ મીસ અન્ડરસ્ટેન્ડિંગ બીટવીન યુ એન્ડ મી. પણ સંભળાજે દોસ્ત.”
દત્તા સાહેબને શું કહેવું ? મૂંઝાઇ ગયેલા અર્જુને પોતાના ટેબલે જઇને જાણે માથુ કૂટયું ઃ કેવી કેવી સમસ્યાના ઘેરામાં પોતે ઘેરાઇને બેઠો છે !! ઓહ માય ગોડ, રસ્તો સૂજાડ..”
—-
“ઊભી રાખ, બાઇક ઊભી રાખ! ” જીમ્મીએ પુરપાટ બાઇક ચલાવતા તેના દોસ્ત સમર પાસે બાઇક થોભાવી. કોલેજ જતા રસ્તા પર એ એક રસ્તાના વળાંકે ઊભી રહીને વાત કરતી રવિનાને જાઇ ગયો. છેલ્લી વખત એ જયારે અનિતાને પાછલા બારણે મૂકવા આવ્યો ત્યારે તેણે પાછળનો દરવાજા ખોલવા આવેલી રવિનાને નજર ભરીને નીરખી લીધી હતી એટલે તેને ખાતરી થઇ ગઇ કે આ જ તો રવિના છે. પણ રવિના વાત કોની સાથે કરે છે ? એણે ગાડી પાછી વળાવી. જાકે સમરના બાઇકની ઝડપ ઘણી હતી એટલે સો મીટર જેટલે આગળ વહી આવ્યા હતા. સમરે બાઇક પાછી વાળી પણ એટલીવારમાં રવિના કયાં ખોવાઇ ગઇ, એ જ ખ્યાલ ન રહ્યો. હકિકતમાં રવિના અહીં આવીને જ વાત કરતી અને પછી છૂપી ગલીમાંથી થઇને બહાર નીકળી જતી. “અરે, એ છોકરી અહીં તો હતી આખરે એ ગઇ કયાં ? ”
જીમ્મીએ સમરને કહ્યુ ઃ ખરી છે… જાદુગરની લાગે છે.” “હવે મૂકને યાર, આજે તારી બેસ્ટી કોલેજ પહેલીવાર આવે છે આટલા ટાઈમે તો સમય બગાડમાં.. એમાં અમથુંય જાવા જેવું હશેય શું ? હા, હમણાં મેં એનું ડાચુ જાઇ લીધુ હતું. પેલી અહી ઊભી હતી. એજને કાળી કદરૂપી, કુબડી… યાર, લેટ ઇટ ગો તારૂં સંભાળ… ચલ, બેસ.. કોલેજ જવાનું મોડું થાય છે !” જવાબમાં તર્કવિતર્ક લડાવતો જીમ્મી ખાખરે સમરની પાછળ બેઠો.
—–
આજે આટલા સમય પછી, અનિતા પહેલીવાર કોલેજ આવી હતી. કલાસમેટસ તેને ઘેરી વળ્યા. અનિતાએ બધાને સાજા થઇ જવાની ખુશીમાં કોલેજ કેન્ટિનમાં જઇને આઇસક્રીમ ખવડાવ્યો. કોલેજ છુટી એટલે જીમ્મીએ તેને રોકી લીધી. “આપણે નિરાંતે જઇશું.”
“અરે પણ આજે મારો ફર્સ્ટ ડે છે અને ભાઇ ઘરે આવશે તો તરત જ પૂછશે કે કેમ મોડું થયું ?”
“અર્જુનભાઇને કોઇ પૂછવાવાળું નથી ?” જીમ્મીએ હસીને કહ્યું: “ મેં તને બાઇકનો ફોટો મોકલ્યો એ તે ડેડીને કે મમ્મીને બતાવ્યો કે નહી ?”
“યાર, મેં તને વાત તો કરી કે મારી કેવી મજબુરી હતી. પછી બધા મને જ સવાલ કરે કે તને કેમ ખબર પડી ?”
“ઓહ…ઇટ્સ રાઇટ વેલ, આપણે કયાંક બેસીએ તને મેં ઘણાં દિવસથી નિરાંતે જાઇ પણ નથી. જીમ્મી આંખ મિંચકારીને હસી પડયો. જવાબમાં અનિતા તેની કમરે ટપલી મારીને કહે: “નોટી, હું તને પગથી માથા લગી જાણું છું લુચ્ચા.”
—
શાકભાજીની થેલી મૂકીને રવિના રસોડાની બહાર તો જાણે માંડ માંડ નીકળી શકી. રાજેશ્વરીબા કંઇ સમજે એ પહેલા ચોકડીમાં બેસીને ઉબકા કરવા લાગી. રાજેશ્વરીબા કામ પડતું મેલીને ચોકડીમાં દોડી આવ્યા. (ક્રમશઃ)