આજે અષાઢી-બીજના શુભ મુહૂર્તમાં શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ ખાતે “મા” કે નામ એક વૃક્ષ થીમ અંતર્ગત એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પુરુષોત્તમભાઈ રૂપાલા, સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા અને ગુજરાતના અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વસંતભાઈ ગજેરાના જન્મદિવસ નિમિત્તે ૧ લાખ વૃક્ષો વાવી તેનું જતન કરવાનો હતો. આ સંકલ્પને શાળાથી ગામ-ગામ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. આજે આ કાર્યક્રમના ભાગ રૂપે ૨૫૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં એસ.એચ ગજેરા પ્રાથમિક, માધ્યમિક, ઉ.મા શાળા તેમજ જ્ઞાન શક્તિ સ્કૂલ અને ડી.એલ.એસ.એસનાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બાળકોએ ખુબ જ ઉત્સાહ સાથે પોતાના હાથે વૃક્ષો વાવ્યા અને તેમના મનમાં પર્યાવરણ પ્રત્યે
જાગૃતિના બીજ રોપાયા. સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરાએ આ પ્રસંગે જાહેરાત કરી હતી કે આગામી સમયમાં વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવશે અને તેનો સંપૂર્ણ ખર્ચ ગજેરા ટ્રસ્ટ દ્વારા ઉઠાવવામાં આવશે. ફક્ત વૃક્ષો વાવવાનું જ નહીં, પરંતુ તેમનું જતન અને સંવર્ધન કરવાની પણ જવાબદારી લેવામાં આવશે. આ કાર્યક્રમમાં શાળા, મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલના સ્ટાફ સહિત અનેક લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સમગ્ર સમાજમાંથી ભારે પ્રતિસાદ મળ્યો છે અને લોકો પણ ખુબ સહકાર આપી રહ્યા છે.