પાટીદાર આંદોલન બાદ ચર્ચામાં આવેલ અને હાલ વિરમગામમાં ધારાસભ્ય હાર્દિક પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. વાસ્તવમાં હાર્દિક પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી વિરમગામમાં ગટરની સમસ્યા સહિતના મુદ્દે રજૂઆત કરી હતી. જોકે આ પત્ર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં અલગ-અલગ પ્રતિભાવ જોવા મળ્યા હતા. જેમાં એક વાત એવી પણ હતી કે, હાર્દિકને હવે મંત્રી બનવું છે એટલે પત્ર લખી પોતાના વિસ્તારની માંગ ઉઠાવી રહ્યા છે. જોકે આ બધાની વચ્ચે હવે ખુદ હાર્દિક પટેલે મોટું નિવેદન આપ્યું છે.

વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની જનતાની સમસ્યાને લઈને મુખ્યમંત્રીને પત્ર લખી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. જેમાં ખાસ કરીને અધિકારીઓ કામ ના કરતા હોવાનો ધારાસભ્ય હાર્દિક પટેલે આરોપ મૂકયો હતો. જોકે હવે સરકારને પત્ર લખ્યા પછી ધારાસભ્ય હાર્દિક પટેલે વાતચીત કરી હતી. જેમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, જનતા માટે આંદોલન કરવા તૈયાર છું.આ સાથે મોટું નિવેદન આપતા કહ્યું કે, રાજ્ય સરકારમાં કોઈ મંત્રી પદ નથી જોઈતું. આ સાથે આક્ષેપ કરતાં કહ્યું કે, સરકાર તો ગ્રાન્ટ આપે છે નગરપાલિકામાં અધિકારીઓ જ નથી. આ સાથે સરકારી કામો ના થતા હોવાનો વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલના આક્ષેપને લઈ મામલો ગરમાયો છે.

વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય હાર્દિક પટેલે શહેરમાં ઉભરાતી ગટરો, ગંદા પાણીને લઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જોકે હવે ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે, મારે કોઈ મંત્રી પદ જાઈતું નથી, એના માટે પત્ર લખ્યો નથી. હું અહીંયા લોકોના કામ કરી રહ્યો છું એ જ મારા માટે બહુ છે. આ સાથે હાર્દિક પટેલે ઉમેર્યું કે, અત્યાર સુધીમાં ૧૮૦૦ કરોડની ગ્રાન્ટ લઈને આવ્યો છું પણ ડ્રેનેજ ની લાઇન ન કારણે કામો જ થઈ નથી રહ્યા. ખાત મુહર્ત થાય છે પણ કામ આગળ વધતા જ નથી.

હાર્દિક પટેલે કહ્યું કે, જનતા હેરાન પરેશાન થઈ ગઈ છે, લોકો કંટાળી ગયા છે એટલે એ પગલું લેવું પડ્યું. જો જનતા વિરોધ કરે તો સરકારમાંથી ઠપકો મળે, તમે શું ધ્યાન આપ્યું તમારા વિસ્તારમાં ? સરકારને ના કહું તો જનતા મને સવાલ કરે એટલે જ પત્ર લખ્યો છે. મારે મંત્રી પદની કોઈ ઈચ્છા નથી હું અહીંયા લોકો નું કામ જ કરી રહ્યો છું. સરકાર તો ગ્રાન્ટ આપે છે નગરપાલિકા માં અધિકારીઓ જ નથી. આ સાથે કહ્યું કે, સેનેટરી ઇન્સ્પેક્ટર, એન્જીનિયર જ નથી એટલે લોકોને હેરાન થવું પડી રહ્યું છે.