પાકિસ્તાનની શાહબાઝ સરકાર માટે ખાલી સરકારી ભંડોળ આફતનું કારણ બની શકે છે. પાક. સરકારના નાણામંત્રી મિફતાહ ઈસ્માઈલે સાઉદી અરબની સરકારને અપીલ કરી હતી કે તે સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાન(એસબીપી)માં જમા કરેલા ૨૩ હજાર કરોડ રૂ.ની ડિપોઝિટ ન ઉપાડે. ખરેખર પાક.નો વિદેશી હૂંડિયામણ રિઝર્વ ઘટીને ૭૮ હજાર કરોડ રૂ. જ રહી ગયો છે.
એવામાં પાક.ને આયાત બિલ ચૂકવવા માટે વિદેશી હૂંડિયામણ રિઝર્વને જાળવી રાખવી પડશે. પાક.ને ખાણી-પીણીની વસ્તુઓ માટે આ વિદેશી હૂંડિયામણ ભંડારની જરૂર છે. નવેમ્બર ૨૦૨૧માં જ્યારે પાકિસ્તાનનો વિદેશી હૂંડિયામણ રિઝર્વ ૫૦ હજાર કરોડની આજુબાજુ હતો ત્યારે ઈમરાન સરકારને સાઉદીએ આ આર્થિક મદદ આપી હતી. પણ તે છ મહિના માટે જ હતી. ખરેખર પાક.ને ચીને વાયદો છતાં ૧૯ હજાર કરોડ રૂ.ની મદદ કરવા ઇનકાર કરી દીધો છે.
પાક.માં મોંઘવારી આકાશને આંબી રહી છે. અહીં ૧૦ કિલો લોટ લગભગ ૯૦૦ રૂ.માં મળી રહ્યો છે. દૂધ ૧૫૦ રૂ. પ્રતિ લિટરના હિસાબે વેચાઈ રહ્યું છે. અહીં ખાદ્ય પદાર્થોનો મોંઘવારી દર ૧૭ ટકાથી વધુ છે. પાક.માં હાલ મોંઘવારી દર લગભગ છેલ્લાં ૭૦ વર્ષમાં સૌથી રેકોર્ડ સ્તરે છે. અહીં મોંઘવારી દર ૧૩.૪ ટકા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધી ગયા છે. પેટ્રો પદાર્થોના ભાવમાં ગત ૬ મહિનામાં ૨૮.૮ ટકાનો વધારો થયો છે. લોકોમાં રોષ વધી રહ્યો છે.
પાક.ની શાહબાઝ સરકારે પૂર્વ પીએમ ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીની મિત્ર ફરાહને દુબઇથી પાછી લાવવા મંજૂરી આપી છે. ફરાહ પર ઈમરાનના પીએમ રહેવા દરમિયાન ટ્રાન્સફર પોસ્ટિંગ જેવી વસ્તુઓ માટે લાંચ લેવાનો આરોપ છે. સૂત્રો મુજબ ફરાહે ૩,૩૦૦ કરોડનો ભ્રષ્ટાચાર કર્યો. પાક. સરકારે ફરાહનાં પાક.નાં બેન્ક એકાઉન્ટને ફ્રીજ કરી દીધાં છે. ઈમરાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યાના આગામી દિવસે ફરાહ પતિ સાથે દુબઈ નાસી ગઈ હતી. દુબઈ જવા વિમાનમાં બેઠેલી ફરાહનો ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.
પાક.ના નવા પીએમ શાહબાઝ તેમની પ્રથમ વિદેશયાત્રા પર સાઉદી અરબ દેવું ચૂકવવાની મુદત વધારવા અને નવી લોનની અપીલ સાથે પહોંચ્યા હતા. હાલ અમેરિકા અને ચીન પાસેથી પાક.ને આર્થિક મદદ મળી રહી નથી.