મધુર વ્યક્તિત્વ ધરાવતા લોકો નિંદા કે કુથલી કરતા નથી. તેઓ કયારેય દ્વેષ કે ધૃણાને જીવનમાં સ્થાન નથી આપતા. ઉષ્માભરી, મૈત્રીભરી, પ્રેમાળ, નિરંકારી, હસમુખી, બીજાને ઉપયોગી અને રમૂજી વ્યક્તિ કયારેય ડંખીલી કે દ્વેષીલી ના હોઇ શકે. તેઓ અત્યંત સ્વમાની અને અન્યોને માફ કરનાર હોય છે. ધૃણામાં રાચતી વ્યક્તિ કયારે’ય ખુશ ના રહી શકે અને નાખુશ વ્યક્તિ કયારેય મધુર ના બની શકે.
તમારે પણ લોકલાડીલા બનવું હોય તો મનમાં ધૃણાને જન્મવા ના દેશો. ધૃણા એ એક એવું વિષ છે જે માણસને અંદરથી ખાઇ જાય છે. કસૂરવારને પણ ક્ષમા આપીને ધૃણાથી બચો. તે જ તમારા હિતમાં છે.
મધુર વ્યક્તિ કયારે વિચિત્ર કે બેડોળ નથી લાગતી. તે જે કાંઇ કરે છે તે વ્યવસ્થિત રીતે વિચારીને કરે છે. તે જે કરે છે તેની તેને સારી જાણકારી હોય છે. લોકો તેને પસંદ કરે છે તેની જાણકારી જ કદાચ તેને પ્રચંડ આત્મવિશ્વાસ આપે છે. પરંતુ આ આત્મવિશ્વાસ કયારેય મિથ્યાભિમાન નથી બનતો. તમારે પણ જો આવું વ્યક્તિત્વ કેળવવું હોય તો આત્મવિશ્વાસભર્યા બનો ઘમંડી નહિ.
આપણો દેખાવ આપણાં મનમાં અનેક જાતની ગ્રંથિઓ અને સંકોચ ઉત્પન્ન કરે છે. જાહેરમાં બોલવાથી ડરીએ છીએ. કોઇની સાથે મિત્રતા કરવામાં આપણને વાર લાગે છે. કારણ કે આપણાં મનમાં આપણાં દેખાવ, વ્યક્તિત્વ કે આવડત માટે ગૌરવ નથી. આ જ રીતે તે બીજા સૌને સમાન ગણે છે. સૌ તરફ તેનું વલણ મૈત્રીભર્યુ હોય છે જે તેઓને આટલાં લોકપ્રિય બનાવે છે. આમ મધુર વ્યક્તિત્વના સ્વામી બનવા માટે તમારે તમારી જાતને ચાહવી જરૂરી છે. મધુર બનવા માટે તમારી જાત તરફ અનુરાગ કેળવો.
પુરૂષો અને સ્ત્રીઓ બંને આવા વ્યક્તિત્વના સ્વામી બની શકે છે. આમ તો મધુરતા એ સ્ત્રીઓનો સ્વભાવ ગણાય છે. પરંતુ બંનેમાં ભિન્ન પ્રકારની મધુરતા હોય છે જે તેઓને લોકોમાં પ્રિય બનાવે છે.
સમાજમાં સ્ત્રીઓના આકર્ષણને વ્યાજબી કે સ્વીકાર્ય ગણવામાં આવે છે. પરંતુ આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા પુરૂષ પર વિશ્વાસ મૂકવામાં આવતો નથી. એક પુરૂષ બીજા પુરૂષના આકર્ષક વ્યક્તિત્વને સાંખી શકતો નથી. આકર્ષક પુરૂષ પર તેને શક પણ વધારે જાય છે. સ્ત્રીઓ આકર્ષક પુરૂષોથી ખૂબ પ્રભાવિત થાય છે. કેટલીકવાર તેઓ આવા પુરૂષોની ફસામણીનો ભોગ પણ બને છે. ઘણીવાર પુરૂષો પોતાની મધુરતાનો દૂરૂપયોગ પણ કરે છે. પોતાની મધુરતાનો જાદુ પોતાની પ્રેમિકા કે અન્ય સ્ત્રીઓ પર ચલાવીને તેઓ પોતાના કામ કઢાવી લે છે. શું આનો અર્થ એ છે કે મધુરતા હંમેશા નિર્દોષ નથી હોતી ? હા, કેટલાંક લોકો પોતાની લોકપ્રિયતાનો દૂરૂપયોગ કરે છે. તેથી જ આવા લોકોના મોહમાં ના આવવાની સલાહ આપવામાં આવે છે. માર્કેટીંગના વ્યવસાયમાં મધુર વ્યક્તિત્વવાળા લોકોને પસંદ કરવામાં આવે છે. તેવા લોકોની મોહજાળમાં આવીને વસ્તુ ખરીદવાથી દૂર રહેવું જાઇએ. આપણાં કુટુંબમાં પણ આવા વ્યક્તિત્વના સ્વામી સભ્યો હોઇ શકે છે. તેઓ પોતાની મધુરતાનો ઉપયોગ કરીને આપણી પાસેથી ધાર્યું કામ કરાવી શકે છે. આપણાં બાળકો પણ આમ કરતાં હોય છે. તેઓની સામે આપણે દ્રઢ રહેવું જરૂરી છે. બાળકોએ પણ એ શીખવું જરૂરી છે કે બધું સહેલાઇથી મળતું નથી. બીજું એ કે કામ કઢાવવા માટે પોતાના મધુર વ્યક્તિત્વનો દૂરૂપયોગ ના કરવો જોઇએ. તેના બદલે તેઓએ ધીરજ, મહેનત, નિષ્ઠા, ભાવનાત્મક પરિપકવતા જેવા ગુણો વિકસાવવા જોઇએ.
મધુર અને મોહક વ્યક્તિત્વવાળા લોકોમાં આમ તો આત્મવિશ્વાસની કોઇ કમી નથી હોતી. પરંતુ આવી વ્યક્તિઓ બધાને ખુશ કરવા પ્રયત્ન કરતી હોય છે. બધાને ખુશ કરીને બધાનો સદ્‌ભાવ જીતવાનો પ્રયત્ન કરતી વ્યક્તિઓમાં અસુરક્ષિતતા અને આત્મબળનો અભાવ હોય છે. જાણકાર વ્યક્તિ તેની મોહિનીમાં આવ્યા વગર તેના આ પ્રયત્નો માટે દુઃખ અનુભવે છે. એક નિષ્ણાંત કહે છે કે મધુર વ્યક્તિત્વવાળા લોકોમાં પણ કોઇક ખામી હોય છે. કેટલાંક લોકો લોકપ્રિયતાના ભૂખ્યા હોય છે. જા કે દરેક વ્યક્તિમાં આવી ખામી નથી હોતી. જા તમે પણ આ પ્રકારનો પ્રયત્ન કરતાં હોય અને તમને આ વાતની જાણકારી હોય તો તમે શું કરશો ? તમારી જાતને પૂછો કે સૌને વ્હાલા થવા તમે આટલો પ્રયત્ન શા માટે કરી રહયા છો ? સૌના માનીતા બનવાની શું જરૂર છે ? શું તમારાથી તમને કોઇ અસંતોષ છે ? શું તમે કોઇના પ્રેમના લાયક નથી ?
કોઇપણ વ્યક્તિ માટે કાયમ માટે હસતા રહેવું સહેલું નથી. બહાર હસમુખા અને મળતાવડા દેખાતા લોકો પોતાના ઘરમાં એટલા હસમુખ હોતા નથી. દરેક માણસ પોતાનો ગુસ્સો, નિરાશા કે નારાજગી વગેરે ભિન્ન રીતે વ્યક્ત કરે છે. મધુર વાણી – વર્તન માંગી લેતા વ્યવસાયમાં કાયમ હસતાં રહેતાં લોકો કયારેક પોતાની મધુરતાથી જીવનમાં ખુશી લાવે છે એ વાતમાં કોઇ બેમત નથી. નેતાઓ યેનકેન પ્રકારે પોતાનું વર્ચસ્વ જાળવી રાખતા હોય છે. પરંતુ કયારેક તેમની સામે આક્રોશ જાગે છે. પરંતુ પોતાના મિત્રો, સહકર્મચારીઓ, ગ્રાહકો વગેરેને મોહ પમાડતા મધુર વ્યક્તિત્વધારીઓ પોતાના ચાહકોને વધારે પ્રભાવિત કરી શકે છે. આપણામાં પણ લોકોને આકર્ષિત કરવાની, પ્રભાવિત કરવાની ક્ષમતા રહેલી છે. પરંતુ શરમ-સંકોચ, આત્મવિશ્વાસની કમી, પૂર્વગ્રહો વગેરે આપણી આ ક્ષમતાનો બહાર આવતા રોકે છે. આ કમીઓને નિયંત્રિત કરવામાં આવે તો આપણી આ ક્ષમતા બહાર આવી શકે છે.
આટલું જાણ્યા પછી આપણે નક્કી કરી શકીશું કે હવે પછી આપણે હસતા રહીશું. લોકોને મળતા રહીશું, હૃદયપૂર્વક વર્તીશું, રસપૂર્વક લોકો સાથે વાત કરીશું, તેઓની વાત સાંભળીશું જેથી આપણી ઉષ્મા અને પ્રેમ છલકાય અને લોકોના હૃદયને સ્પર્શે.
આજના સમયમાં દેખાવનું મહત્વ ખૂબ વધી ગયુ છે. તેથી આપણે સુઘડ, સુવ્યવસ્થિત રહેવું જરૂરી બની ગયું છે. વ્યવસ્થિત રહેવાથી આપણાં દેખાવ બાબતનો આત્મવિશ્વાસ વધી જાય છે. લોકોને પણ સુઘડ સુરૂચિપૂર્ણ વ્યક્તિઓ ગમે છે. સામેની વ્યક્તિને તમે જે બતાવવા માંગશો તે તે જાશે, જે મનાવવા માંગશો તે તે માનશે. તમારામાં તે માટેની જાણકારી અને આત્મવિશ્વાસ હોવા જાઇએ તો જ તમે અન્ય લોકો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. અન્ય એક કવિ – લેખક કહે છે, “મોહિની વગરનું સૌદર્ય નકામું છે. મોહિની કે મધુરતા શક્તિશાળી સાધન છે.”