૨૦૧૮માં થયેલ બોલ ટેમ્પરિંગ કાંડ ડેવિડ વોર્નરની ક્રિકેટ કારકિર્દી પર એક કુખ્યાત દાગ સમાન છે. ૨૦૧૮માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમે એવું શરમજનક કૃત્ય કર્યું હતું કે જેણે સમગ્ર ક્રિકેટ જગતને શરમમાં મૂકી દીધું હતું. ડેવિડ વોર્નરે સ્ટીવ સ્મિથ અને કેમેરોન બેનક્રોફ્ટ સાથે મળીને બોલ સાથે છેડછાડ કરી હતી. તેમની એક્શન કેમેરામાં કેદ થઈ ગઈ, ત્યારબાદ ત્રણેય ખેલાડીઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. સ્મિથ અને વોર્નર પર એક-એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જ્યારે બેનક્રોફ્ટ પર ૯ મહિના માટે ક્રિકેટ રમવાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સિવાય ડેવિડ વોર્નર પર સુકાની પદ પરથી આજીવન પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો હતો. જા કે, બોલ ટેમ્પરિંગની ઘટનાના છ વર્ષ પછી, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વોર્નરને રાહત આપી અને તેના પર સુકાનીપદ પરથી આજીવન પ્રતિબંધ હટાવવાનો નિર્ણય કર્યો.
આ પ્રતિબંધ હટાવ્યા બાદ હવે ડેવિડ વોર્નર વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ડેવિડ વોર્નરને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વોર્નરને બિગ બેશ લીગની ૧૪મી સીઝન માટે સિડની થંડર ટીમની કમાન સોંપવામાં આવી છે. વોર્નર સિડની થંડરમાં ક્રિસ ગ્રીનનું સ્થાન લેશે. જાકે, ગ્રીન એક ખેલાડી તરીકે ટીમનો એક ભાગ છે. થોડા દિવસો પહેલા વોર્નર પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખુદ ડેવિડ વોર્નરે પોતાના કેપ્ટન બનવાની માહિતી ફેન્સ સાથે શેર કરી છે.
સિડની થંડરને આશા છે કે વોર્નરની કેપ્ટનશીપ તેમને સફળતા તરફ આગળ ધપાવશે કારણ કે તેઓ ગત સિઝનમાં તળિયે રહ્યા હતા. બિગ બેશ લીગ એટલે કે બીબીએલ ૧૪ ૧૫ ડિસેમ્બરથી શરૂ થશે. થંડરની પ્રથમ મેચ ૧૭ ડિસેમ્બરે કેનબેરામાં એડિલેડ સ્ટ્રાઈકર્સ સામે થશે.
બિગ બેશ લીગની ૧૪મી સીઝન માટે સિડની થંડર ટીમઃ ડેવિડ વોર્નર (કેપ્ટન), વેસ અગર, કેમેરોન બેંક્રોફ્ટ, સેમ બિલિંગ્સ, ઓલિવર ડેવિસ, લોકી ફર્ગ્યુસન, મેટ ગિલકેસ, ક્રિસ ગ્રીન, લિયામ હેચર, સેમ કોન્સ્ટાસ, નિક મેડિન્સન, નાથન મેકએન્ડ‰, શેરફેન રધરફોર્ડ, વિલિયમ સાલ્ઝમેન, ડેનિયલ સેમ્સ, જેસન સંઘા, તનવીર સંઘા.