અમેરિકા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને વૈશ્વીક અર્થવ્યવસ્થામાં તેનું યોગદાન વધી રહ્યું છે.આઇએમએફ અનુસાર યુએસનો હિસ્સો ૨૬% સુધી પહોંચવાની સંભાવના છે, જે પાછલા બે દાયકામાં સૌથી વધુ છે. એક દાયકા પહેલાં અમેરિકાનું યોગદાન યુરોપિયન યુનિયન અને બ્રિટન કરતાં વધુ હતું, પરંતુ હવે અમેરિકાનું યોગદાન તેમના સંયુક્ત યોગદાન કરતાં વધુ થઈ ગયું છે.
આ દરમિયાન ચીનનો હિસ્સો ઘટી રહ્યો છે અને ૨૦૨૪માં ઘટીને ૧૭% થવાની સંભાવના છે. અમેરિકા અને ચીન વચ્ચેનું અંતર વધી રહ્યું છે અને તે અમેરિકાની ગતિશીલતા અને સ્થિરરતાનો પુરાવો છે. લગભગ બે દાયકા સુધી ચીને વિશ્વની ફેક્ટરીની ભૂમિકા ભજવી હતી, પરંતુ આજે તે ઘણા આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું છે. ચીનના રિયલ એસ્ટેટ સેક્ટરનો લગભગ ત્રીજા ભાગનો હિસ્સો ગહન સંકટમાં છે અને તેના પતનથી ત્યાંના બેન્કિંગ સેક્ટરને પણ અસર થઈ રહી છે.
વિદેશી કંપનીઓ અને રોકાણકારો હવે ચીન તરફ પીઠ ફેરવી રહ્યા છે, જ્યારે ઘણી વિદેશી કંપનીઓ “ચાઈના પ્લસ વન”ની નીતિ અપનાવી રહી છે. ત્યાં બેરોજગારીની સમસ્યા ઝડપથી વધી રહી છે અને ચીન-અમેરિકા તણાવ પણ ઓછો થઈ રહ્યો નથી. ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે સંખ્યાબંધ મુદ્દાઓ પર તણાવ છે અને ચીની સરકારે રાષ્ટ્રીય સુરક્ષાના નામે કડક નિયમોને પ્રોત્સાહન આપ્યું છે.
વર્ષ ૨૦૦૬માં વૈશ્વીક અર્થતંત્રમાં યુરોપિયન યુનિયન અને બ્રિટનનું યોગદાન ૩૦% હતું, જે હવે ઘટીને લગભગ ૨૧% થઈ ગયું છે. ૨૦૦૬માં પણ ચીનનો હિસ્સો પાંચ ટકા હતો, જે ૨૦૨૦માં વધીને લગભગ ૧૯% થયો હતો, પરંતુ ૨૦૨૧થી તે સતત ઘટાડાનો સામનો કરી રહ્યું છે અને આ વર્ષે તેનો હિસ્સો ૧૭% સુધી રહેવાનો અંદાજ છે. આ સમયગાળા દરમિયાન જાપાનનો હિસ્સો પણ ઘટીને લગભગ ૪% થવાની ધારણા છે.
૨૦૦૬માં જાપાનનો હિસ્સો લગભગ આઠ ટકા હતો. વૈશ્વીક અર્થતંત્રમાં ભારતનો હિસ્સો સતત વધી રહ્યો છે અને આ વર્ષે તે જાપાનની બરાબર ચાર ટકા સુધી પહોંચવાની ધારણા છે. ભારત હાલમાં વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને ટૂંક સમયમાં જાપાનને પાછળ છોડી દેશે તેવી અપેક્ષા છે. હાલમાં ભારતમાં લગભગ તમામ ક્ષેત્રોમાં વૃદ્ધિ જોવા મળી રહી છે, પરંતુ કેટલાક ક્ષેત્રો એવા છે જે ટોપ પર્ફોર્મર્સની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમાંથી પ્રથમ નંબર આઇટી છે, ત્યારબાદ હેલ્થકેર, એફએમસીજી રિન્યુએબલ એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવે છે. આઇટી સેક્ટર વિશે વાત કરતાં સ્ટેટિસ્ટાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હાલમાં તે ઇં૨૬.૭૩ બિલિયનનું માર્કેટ સાઈઝ ધરાવતું સેક્ટર છે, જે ૨૦૨૯ સુધીમાં ઇં૪૪ બિલિયનનું સેક્ટર બની જશે.
આ અંગે જ્યારે અમે એમિટી સોફ્ટવેરમાં કામ કરતા એક સિનિયપ ટેક એક્સપર્ટને પૂછ્યું કે, તેઓ શું માને છે કે હાલમાં આઇટી સેક્ટરમાં વિકાસની ગતિ જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે, હાલમાં માર્કેટમાં સોફ્ટવેરની ઘણી માગ જોવા મળી રહી છે. ભારતીય કંપનીઓને અમેરિકા, કેનેડા અને અન્ય દેશોમાંથી પણ પ્રોજેક્ટ મળી રહ્યા છે. તેનું એક કારણ એ છે કે ઓછી કિંમતે બેસ્ટ સર્વિસ આપવી. તેમનું કહેવું છે કે તેમની કંપની પણ આના પર ફોકસ કરે છે.