રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં પહેલેથી જ મોટો વધારો થયો છે, પરંતુ રશિયા દ્વારા લેવાનારા એક પગલાથી આ કિંમતો વધુ વધશે. વાસ્તવમાં, વૈશ્વિક વિશ્લેષક ફર્મ જેપી મોર્ગન ચેઝ એન્ડ કંપનીના વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ ૩૮૦ ડોલર સુધી પહોંચી શકે છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, જેપી મોર્ગનના વિશ્લેષકોનું કહેવું છે કે, અમેરિકા અને યુરોપિયન દેશોના દંડને કારણે રશિયા ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં ઘટાડો કરી શકે છે. આ કારણે વૈશ્વિક સ્તરે તેલની કિંમત પ્રતિ બેરલ ૩૮૦ ડાલર સુધી પહોંચી શકે છે.
જી-૭ દેશોએ તાજેતરમાં રશિયાથી ક્રૂડ ઓઈલની આયાતને લઈને નવી નીતિ અંગે વાત કરી હતી, જેના આધારે નક્કી કરવામાં આવ્યું હતું કે તેઓ રશિયન તેલની આયાતને શરતી મંજૂરી આપશે. શરત એ હશે કે બદલામાં રશિયાને જે કિંમત ચૂકવવામાં આવશે તે અગાઉથી નક્કી કરવામાં આવશે. જેપી મોર્ગનના વિશ્લેષકોનું કહેવું છે કે જી-૭ દેશોનો આ નિર્ણય યુક્રેન યુદ્ધને લઈને પુતિનની આર્થિક સ્થિતિને નુકસાન પહોંચાડવાનો હતો, પરંતુ હાલના સમયે રશિયાની આર્થિક સ્થિતિ મજબૂત છે.
જેપી મોર્ગનના નતાશા કેનેવા સહિતના કેટલાક વિશ્લેષકોએ તેમના ગ્રાહકોને આપેલી એક નોંધમાં જણાવ્યું છે કે રશિયા ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં પ્રતિદિન ૫૦ લાખ બેરલનો ઘટાડો કરી શકે છે અને તેનાથી તેની અર્થવ્યવસ્થા પર કોઈ અસર થશે નહીં.
જો કે, રિપોર્ટ અનુસાર રશિયાના આ નિર્ણયનું પરિણામ બાકીના વિશ્વ માટે ખળભળાટ મચાવી શકે તેવું હોઈ શકે છે. ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં દરરોજ ૩૦ લાખ બેરલના ઘટાડાથી લંડન બેન્ચમાર્ક પર તેલની કિંમત ૧૯૦ ડાલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં પ્રતિદિન ૫૦ લાખ બેરલના ઘટાડાને કારણે તેની કિંમત પ્રતિ બેરલ ૩૮૦ ડાલર સુધી જઈ શકે છે.
રિપોર્ટ અનુસાર, અમેરિકા અને યુરોપિયન દેશોના આ નિર્ણયથી એવી પૂરી સંભાવના છે કે, રશિયા ચૂપ નહીં રહે અને તેલની નિકાસ ઘટાડીને બદલો લેશે. જો રશિયા માત્ર તેલની નિકાસ ઘટાડવા માટે ઉત્પાદન ઘટાડશે તો તેનાથી ગભરાટ ફેલાઈ જશે. હાલમાં તેલ બજોરનો ટ્રેન્ડ રશિયાની તરફેણમાં છે.
એક સર્વે અનુસાર, ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપો‹ટગ કન્ટ્રીઝએ સાથી દેશો સાથે થયેલા કરાર હેઠળ જૂનમાં તેલનું ઉત્પાદન વધાર્યું ન હતું. સર્વે અનુસાર ઓપેકે જૂનમાં પ્રતિ દિવસ ૨.૮૫૨ લાખ બેરલ તેલનું ઉત્પાદન કર્યું હતું. જો કે, મે મહિનાની સરખામણીએ આ ઉત્પાદન ૧૦૦,૦૦૦ બેરલ પ્રતિદિવસ ઓછું રહ્યું ઓપેકે જૂનમાં લગભગ ૨૭૫,૦૦૦ બેરલ પ્રતિ દિવસ તેલ ઉત્પાદન વધારવાની યોજના બનાવી હતી.