અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ખાતે કાર્યરત વૈવાહિક તકરાર નિવારણ પ્રિલીટીગેશન લોક અદાલત ખાતે બેન્ચ મેમ્બરોના કુનેહપૂર્વકના પ્રયત્નોથી કોર્ટ કેસ થતાં પહેલાં જ એક સાથે પાંચ દંપતીઓ વચ્ચેની તકરારમાં સુખદ સમાધાન થયું છે. આ દંપતીઓએ તેમના દાંપત્યજીવનની નાવ નવેસરથી આગળ ધપાવવા નિર્ણય કર્યો છે. વૈવાહિક તકરાર નિવારણ લોક અદાલતમાં સમગ્ર જિલ્લામાંથી પતિ-પત્નીના ઝઘડામાં સમાધાન કરાવવા અર્થે અરજીઓ આવે છે. તા.૧૬.૧૧.૨૦૨૪ના રોજ લોક અદાલતમાં ૧૦૦ થી વધુ કેસો સમાધાનની પ્રક્રિયામાં રાખવામાં આવ્યા હતા અને બહોળી સંખ્યામાં પક્ષકારો ઉપસ્થિત રહ્યા હતા. વૈવાહિક સમાધાનની શૃંખલામાં સિનિયર સિટીઝન દંપતી સહિત પાંચ દંપતીઓ વચ્ચે તકરાર હતી.