આયુષ મ્હાત્રેની કેપ્ટનશીપ હેઠળ ભારતીય અંડર-૧૯ ટીમ ૫ મેચની યુથ વનડે શ્રેણી રમવા માટે ઇંગ્લેન્ડ પહોંચી ગઈ છે. અત્યાર સુધી આ શ્રેણીની ત્રણ મેચ રમાઈ છે, જેમાં ૧૪ વર્ષીય વૈભવ સૂર્યવંશીનું બેટ જે રીતે બોલે છે, તેનાથી ઈંગ્લેન્ડના અંડર-૧૯ બોલરોમાં તેનો ડર સ્પષ્ટપણે જાવા મળી રહ્યો છે. ૨ જુલાઈના રોજ નોર્થમ્પ્ટન મેદાન પર રમાયેલી આ શ્રેણીની ત્રીજી મેચમાં ટીમ ઈન્ડીયાને ૨૬૯ રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જેમાં વૈભવની ૩૧ બોલમાં ૮૬ રનની વિસ્ફોટક ઇનિંગના આધારે, ભારતીય ટીમે માત્ર ૩૪.૩ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કર્યો હતો. આ ઇનિંગના આધારે, વૈભવે ઋષભ પંત સાથે એક ખાસ ક્લબમાં પણ સ્થાન મેળવ્યું છે.
વરસાદને કારણે ૪૦ ઓવરની આ ત્રીજી યુથ વનડે મેચમાં પ્રથમ રમતી ઈંગ્લેન્ડની અંડર-૧૯ ટીમે ૬ વિકેટ ગુમાવીને ૨૬૮ રન બનાવ્યા હતા. જ્યારે ટીમ ઈન્ડીયા આ લક્ષ્યનો પીછો કરવા ઉતરી ત્યારે વૈભવ સૂર્યવંશી અને અભિજ્ઞાન કુંડુ, જે આ મેચમાં ભારતીય અંડર-૧૯ ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા, તેઓ પ્રથમ વિકેટ માટે ફક્ત ૩૮ રનની ભાગીદારી કરી શક્યા. અહીંથી, વૈભવને વિહાન મલ્હોત્રાનો ટેકો મળ્યો, જેમાં બંને વચ્ચે બીજી વિકેટ માટે ૭૩ રનની ઝડપી ભાગીદારી જાવા મળી. આ દરમિયાન, વૈભવે માત્ર ૨૦ બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. આ સાથે, વૈભવ ભારત તરફથી યુથ વનડે મેચમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર બીજા ભારતીય ખેલાડી બન્યો, આ યાદીમાં પ્રથમ ઋષભ પંત છે, જેણે ૨૦૧૬ માં નેપાળ સામેની મેચમાં ૧૮ બોલમાં ફિફ્ટી ફટકારી હતી. વૈભવે આ મેચમાં પોતાની ૮૬ રનની ઇનિંગમાં ૬ ચોગ્ગા અને ૯ છગ્ગા ફટકાર્યા હતા, જેમાં તેનો સ્ટ્રાઇક રેટ ૨૭૭.૪૧ હતો.
અત્યાર સુધી, આ શ્રેણીમાં કુલ ત્રણ મેચ રમાઈ છે, જેમાં વૈભવના બેટમાંથી ૧૭ છગ્ગા જોવા મળ્યા છે. વૈભવ હાલમાં ઇંગ્લેન્ડ સામેની યુથ વનડે શ્રેણીમાં બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે, જેમાં તેણે ત્રણ મેચમાં ૫૯.૬૬ ની સરેરાશથી ૧૭૯ રન બનાવ્યા છે, જેમાં એક અડધી સદીની ઇનિંગ પણ શામેલ છે, જ્યારે તેનો સ્ટ્રાઇક રેટ ૨૧૩.૦૯ રહ્યો છે. તમને જણાવી દઈએ કે હવે આ શ્રેણીનો ચોથો મેચ ૫ જુલાઈએ રમાશે, જેમાં ટીમ ઇન્ડીયા પાસે પણ અજેય લીડ મેળવવાની તક હશે.