માનવીની જીંદગી ઘડવામાં વિચારો મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે વિચારોને મનની સાથે સીધો સંબંધ છે. સારા વિચારો ગ્રહણ થઈ જાય તો મનુષ્ય એ સારા વિચારોની સીડી બનાવી એ વિચારોનુસાર પોતાની પ્રકૃતિદત્ત કાર્યોત્પાદક શક્તિને ખીલવી જીવનના એક ચોક્કસ ધ્યેય સુધી અવશ્ય પહોંચે છે. માણસની શક્તિ, પ્રગતિ, કીર્તિ, બળ અને ઉત્સાહ, હર્ષ, આનંદ આદિના મૂલ્યમાં વિચારો જ રહેલા છે.
ભાગવત, રામાયણ, મહાભારત, બાઈબલ, કુરાન વગેરે વાંચી કથા કહેનારાઓ સમાજને બદલાવી શકયા નથી પરંતુ કોઈ જગ્યાએ લખેલા નાનકડા સુંદર સુવિચારે ઘણાના જીવનમાં પરિવર્તન લાવ્યુ છે.
આવા એક વિચારક છે. અમરેલીના યોગેશભાઈ એન.ભટ્ટ. કઠોર પરિશ્રમ,ધ્યેય પ્રતિ સતત લગન અને ઈશ્વરકૃપાથી તેણે પોતાના સદવિચારો વહેંચી કૈંકની જીંદગીમાં ઉમંગ, ઉલાસ અને આદર્શના લીંપણ કર્યા છે. યોગેશભાઈએ જીંદગીમાં ઘણા તડકા છાંયડા જાયા છે. યોગેશભાઈ આર્થિક રીતે સાધારણ પરિવારના હોય જેથી પરિવારને મદદરૂપ બનવા બાલ્યકાળ-કુમારકાળમાં અખબાર એજન્ટના છાપાં ઘરે ઘરે પહોંચાડતા ને ફૂટપાથ બેસી પિપરમેન્ટ, ગોળી-બિસ્કિટો વેચતા હતા. જીવનની એરણ પર ચડીને ટીપાતા ટીપાતા તે ઉમદા સર્જક બન્યા. પોતાના લેખો દ્વારા સમાજમાં વૈચારિક ક્રાન્તિ લાવવા કોલમો લખતા ગયા.
મોરના ઈંડાને ચીતરવા ન પડે. યોગેશભાઈનો પરિવાર સુસંસ્કૃત ને આદર્શવાદી એટલે પરિવારના સંસ્કારો તેમના હાડોહાડમાં ઉતર્યા. તેમના પિતાજી હાઈસ્કૂલમાં શિક્ષક હતા ને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મેળવી સન્માનિત થયા હતા. પિતાજીએ નાનપણથી જ પુત્રને આદર્શ સિદ્ધાંત અને કૃતિભક્તિ ના પાઠ તથા માતાએ નીડરતા, અડગતાના પાઠો ભણાવ્યા હતા. દાદીમાએ ધર્મ અને ભાવજગત વિસ્તારેલું. પિતાજીના ફઈબાએ સેવા, સમર્પણ, ત્યાગ, નિષ્ઠા, ખુમારી-ખંતનું આરોપણ કરેલું. આમ પરિવારના સુસંસ્કૃત ઘડતરે યોગેશભાઈ આજે માનવ મસીહા બનીને ઉભરી આવ્યા છે ને તેમનું સમગ્ર જીવન સેવા સાધનામય અને પરોપકારી બન્યુ છે. યોગેશભાઈ એક શેરમાં કહે છેઃ
બે રંગ થાઉં એવુ નથી પોત, ઓ સમય;
નીરખી લે ગર્વથી કે પટોળાની ભાત છું.
પટોળાની ભાત ફાટે પણ ફિટે નહિ. અર્થાત પટોળે ચડાવેલ રંગ ઝાંખો ન થાય. એમાં ચીતરેલી ભાત ફાટી જાય તો પણ રંગ બેરંગી થતો નથી.(ક્રમશઃ)