ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝને તેમના હોમ ગ્રાઉન્ડ પર ૨-૦થી વ્હાઇટવોશ કર્યો. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી  બીજી ટેસ્ટ મેચમાં, વેસ્ટ ઇન્ડીઝ તેની બીજી ઇનિંગમાં ૩૯૦ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું, જેના કારણે ટીમ ઇન્ડિયાને ૧૨૧ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ટીમ ઇન્ડિયાએ બીજી ટેસ્ટના છેલ્લા દિવસે માત્ર ત્રણ વિકેટ ગુમાવીને આ નાનો લક્ષ્યાંક હાંસલ કર્યો. કેએલ રાહુલ અડધી સદી ફટકાર્યા બાદ અણનમ રહ્યો. તેણે ૧૦૮ બોલનો સામનો કર્યો, જેમાં છ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. આ પહેલા, ટીમ ઇન્ડિયાએ અમદાવાદ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝને એક ઇનિંગ અને ૧૪૦ રનથી હરાવ્યું હતું.ટોસ જીત્યા બાદ, ભારતે ૫૧૮/૨ પર પોતાનો પહેલો દાવ જાહેર કર્યો. ટીમ ઇન્ડિયા માટે યશસ્વી જયસ્વાલે ૧૭૫ રન અને શુભમન ગિલે ૧૨૯ રન બનાવ્યા. ભારતના પ્રથમ દાવના વિશાળ સ્કોરના જવાબમાં, વેસ્ટ ઇન્ડીઝ પ્રથમ દાવમાં ૨૪૮ રનમાં ઓલઆઉટ થઈ ગયું, જેના કારણે મુલાકાતીઓને ફોલોઓન કરવાની ફરજ પડી. બીજા દાવમાં, વેસ્ટ ઇન્ડીઝ વધુ સારું પ્રદર્શન કર્યું, બે બેટ્‌સમેનોની સદીઓના કારણે બોર્ડ પર ૩૯૦ રન બનાવ્યા, જેનાથી ભારતને જીત માટે ૧૨૧ રનનો લક્ષ્યાંક મળ્યો. આ લક્ષ્ય સુધી પહોંચવા માટે ટીમ ઇન્ડિયાને અંતિમ દિવસ સુધી રાહ જાવી પડી. પહેલા સત્રમાં જ ટીમ ઇન્ડિયાએ સાત વિકેટે મેચ જીતી લીધી. કેએલ રાહુલે અણનમ ૫૮ રન બનાવ્યા, જ્યારે સાઈ સુદર્શને ૩૯ રન બનાવ્યા.ધ્યાન આપવા જેવી વાત એ છે કે શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયાનો આ પહેલો શ્રેણી વિજય છે. ભારતીય ધરતી પર વેસ્ટ ઇન્ડીઝનો આ છઠ્ઠો ટેસ્ટ શ્રેણી પરાજય છે. તમને જાણીને નવાઈ લાગશે કે વેસ્ટ ઇન્ડીઝ ૧૯૮૩-૮૪ પછી ભારતમાં કોઈ ટેસ્ટ શ્રેણી જીતી નથી. દરમિયાન, કેરેબિયન ટીમ ૧૯૯૩-૯૪ પછી ભારતમાં ટેસ્ટ જીત માટે ઝંખી રહી છે.