કોડીનાર-ડોળાસા વચ્ચે છ વર્ષથી ફોરટ્રેક રોડનું કામ ગોકળ ગાયની ગતિથી ચાલી રહ્યું છે. હજુ સુધી અડધું કામ પણ થયું નથી. ત્યારે વેળવા-માલગામ વચ્ચે રોડના કામ દરમિયાન ઉત્તર દિશામાં આવેલી જમીનમાંથી ચોમાસાનાં પાણીના નિકાલની વ્યવસ્થા નહિ કરતા જમીનના માલિક-ખેડૂતો રોષે ભરાયાં હતા અને જ્યાં સુધી આ ખેતરોમાંથી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી કામ બંધ કરાવ્યું હતું. આ જમીનના માલિક-ખેડૂતોએ જણાવ્યું હતું કે, આ પહેલા જૂનો રોડ નીચો હતો ત્યારે પણ ભારે વરસાદના સંજાગોમાં ખેતરોમાં પાંચ-પાંચ ફૂટ પાણી ભરાતા હતા. ત્યારે હવે તો આ નવો રોડ વધુ ચાર ફૂટ ઊંચો થતા અને ચોમાસાના પાણીનાં નિકાલની કોઈ વ્યવસ્થા નહિ કરાતા ચોમાસામાં ખેતરોમાં આઠથી દસ ફૂટ પાણી ભરાવાની દહેશત રહેલી છે. જેને લઈ આ કામના કોન્ટ્રાક્ટરનું ધ્યાન દોરવા છતાં પાણીનાં નિકાલની કોઈ કામગીરી હાથ નહિ ધરતાં ખેડૂતો રોષે ભરાયા હતા અને રોડનું માટી કામ બંધ કરાવ્યું હતું. ચોમાસુ વહેલું થવાની આગાહી કરાઈ છે. ત્યારે ખેડૂતોની વ્યાજબી માગણીનો તુરંત નિકાલ થાય તે જરૂરી છે.