અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામની સીમમાં વાડીએ સૂતેલા વૃદ્ધાનું અપહરણ કરી તેમના પર સામુહિક દુષ્કર્મ ની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. સંબંધોને લજવી દેનાર આ ઘટના જાણીને પોલીસનું દિલ પણ ઉકળી ઉઠ્‌યુ હતું.
તારીખ ૧૧ ડિસેમ્બર ૨૦૨૧ ના રાત્રિના ૯ કલાકે ૫૦ વર્ષીય વૃદ્ધા લીખાળા ગામને આવેલી પોતાની વાડીએ સૂતા હતા. તે સમય દરમિયાન ચાર નરાધમોએ તેમના ઘરનો દરવાજા ખખડાવ્યો હતો. આ નરાધમો મહિલાને ઘરની બહાર ખેંચીને લઈ ગયા હતા. તેથી વિક્રમ નામના એક યુવકે વૃદ્ધાની વાડીની બાજુમાં જ પોતે ભાગવી રાખેલ વાડીએ તેમને લઈ ગયો હતો. જ્યાં તેમને માર માર્યો હતો. બાદમાં બળજબરીથી ચારેય આરોપીઓએ વારાફરતી વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું હતું. બીજા દિવસે ભોગ બનનાર પરપ્રાંતીય મહિલાએ સાવરકુંડલા રૂલર પોલીસ સ્ટેશનમાં આવી પોતાની હકીકત કહી સંભળાવી હતી અને ફરિયાદ લખાવી હતી. જે ફરિયાદના આધારે સાવરકુંડલા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી તમામની આકરી પૂછપરછ હાથ ધરી હતી. તેમના મેડિકલ ટેસ્ટ કરાવ્યા અને ચારેય આરોપીને કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, આરોપી વિક્રમે પારિવારિક દ્વેષમાં વૃદ્ધા સાથે આ કૃત્ય કર્યુ હતું. પારિવારિક ઝઘડામાં આરોપી વિક્રમ એટલો આંધળો થયો હતો કે તે વય મર્યાદા પણ ભૂલ્યો હતો, અને વેર વાળવા માટે માતા સમાન વૃદ્ધા સાથે દુષ્કર્મ કર્યુ હતું.