બગસરા પાલિકા દ્વારા વેરો વધારવામાં આવેલ છે જેના વિરોધમાં આજે બગસરા બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જેને લઈને આજે શહેરમાં તમામ નાના-મોટા વેપારીઓ દ્વારા સદંતર બંધ રાખીને પાલિકાના વેરા વધારાનો વિરોધ કર્યો હતો. તમામ સંસ્થાઓએ સાથે મળીને વિજય ચોક ખાતેથી શહેરના મુખ્ય માર્ગો પર ફરી નગરપાલિકા અને ત્યાર બાદ મામલદાર ઓફિસ સુધી રેલી કાઢી હતી. આ રેલી દરમિયાન રામધૂન તેમજ નગરપાલિકાના વિરોધમાં સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. જ્યારે નગરપાલિકા ખાતે આવેદન દેવા પહોંચતા પાલિકાના ચીફ ઓફિસર હાજર ના રહેતા મામલો બીચક્યો હતો. અને તમામ વેપારીઓ અને સામાજિક સંસ્થાઓના આગેવાનોએ સાથે મળીને નગરપાલિકાનો ઘેરાવ કર્યો હતો. જ્યારે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશભાઈ હડીયલે જ્યાં સુધી ચીફ ઓફિસર હાજર રહીને આવેદન ના સ્વીકારે ત્યાં સુધી પાણીનો પણ ત્યાગ કરેલ હતો. ત્યારબાદ ચીફ ઓફિસર આવતા સમગ્ર મામલો થાળે પડી ગયો હતો અને ચીફ ઓફિસરને આવેદન આપી જણાવ્યું કે જ્યાં સુધી અમારા પ્રશ્નનું નિરાકરણ નહિ થાય ત્યાં સુધી વેપારીઓ પોતાની દુકાન ઉપર કાળા વાવટા ફરકાવી વેરા વધારાનો વિરોધ કરશે. ત્યાર બાદ તમામ લોકોએ મામલદાર તેમજ પ્રાંત અધિકારીને પણ આવેદન આપ્યું હતું. સમસ્ત ગામ લોકોએ તેમને ખુબ સહકાર આપીને આ બંધને સફળ બનાવ્યો હતો.