વેરાવળ શહેરમાં નગરપાલિકાની માલિકીની આશરે ૫૨૫ દુકાનોના ભાડૂતોને અચાનક જ ભારે ભાડા વધારાના બિલ મળતા વ્યાપારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. પાટણ દરવાજા, રામ ભરોસા ચોક, ત્રિકોણીયા બિલ્ડીંગ, મોટી શાકમાર્કેટ, રેલવે સ્ટેશન સામે અને નગરપાલિકા કચેરી બિલ્ડીંગ સહિતના વિસ્તારોની દુકાનોના ભાડામાં કોઈ પૂર્વ સૂચના વિના આશરે ૨૦૦ ગણો વધારો કરવામાં આવ્યો છે. વેપારી આગેવાન મુકેશભાઈ ચોલેરાના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે ચીફ ઓફિસર પારસ મકવાણાને લેખિત વાંધા અરજી કરી હતી. વેપારીઓએ દાવો કર્યો કે ભાડા ચિઠ્ઠીમાં વધારો કરવાની કોઈ શરત ન હોવા છતાં અચાનક વધારેલા બિલ અપાયા છે, જેનાથી નાના વેપારીઓ પર પડ્‌યા પર પાટુ જેવી સ્થિતિ ઊભી થઈ છે. હાલની નાજુક ધંધાકીય પરિસ્થિતિમાં જૂના ભાડા જ ચાલુ રાખવાની માગણી સાથે, અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તથા કોર્ટમાં દાવા દાખલ કરવાની ચેતવણી આપવામાં આવી છે.