વેરાવળ-જૂનાગઢ હાઇવે પર આવેલા ટોલનાકાપર થયેલી બબાલ હવે ચર્ચાનો વિષય બની છે. ટ્રાફિકની ભારે ભીડ અને વીઆઇપી લાઇનમાંથી વાહન પસાર કરવાના મુદ્દે મોરબી ભાજપના મહામંત્રી તપન દવે અને ટોલનાકાના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાની માહિતી સામે આવી છે.
મળતી માહિતી મુજબ, ટોલનાકા પર ફાસ્ટેગ સિસ્ટમમાં સર્જાયેલી ટેકનિકલ ખામીના કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી. વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ દરમિયાન વીઆઇપી લાઇનમાંથી પસાર થવાના મુદ્દે તપન દવે અને ટોલકર્મીઓ વચ્ચે વિવાદ શરૂ થયો હતો.
વિવાદ વધતા મામલો ગરમાયો હતો અને બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. ઘટનાના અનુસંધાને મોરબી ભાજપના મહામંત્રી તપન દવે દ્વારા ૧૨ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર ઘટના ટોલનાકા પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસ હવે સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓના આધારે ઘટનાક્રમની તપાસ કરી રહી છે. વિવાદની વાસ્તવિક હકીકત અને જવાબદારી નક્કી કરવા માટે સંબંધિત લોકોના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે.
ફાસ્ટેગની ટેકનિકલ ખામીના કારણે ટોલનાકા પર ટ્રાફિક વ્યવસ્થામાં અવરોધ સર્જાયો હતો, જેના કારણે
મુસાફરોમાં પણ રોષ જોવા મળ્યો હતો. હાલ સમગ્ર મામલો પોલીસ તપાસ હેઠળ છે અને આગામી દિવસોમાં વધુ વિગતો સામે આવી શકે છે.