વેરાવળની હરસિદ્ધિ સોસાયટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવક અને યુવતીએ સજોડે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આ ઘટના વહેલી સવારે સ્થાનિક લોકોના ધ્યાને આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બંને મૃતદેહને પી.એમ. અર્થે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક અને યુવતી બંને ખારવા સમુદાયના હોવાનું સામે આવ્યું છે. યુવકનું નામ ભારાવાલા કમલેશ કિશનભાઈ (ઉ.વ. ૩૧) અને યુવતીનું નામ નંદની વેળજીભાઈ કુહાડા (ઉ.વ. ૨૧) હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બંનેના પરિવારજનોને જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, સ્થાનિક કક્ષાએ આ ઘટના પ્રેમ પ્રકરણને કારણે બની હોવાની ચર્ચા ચાલી રહી છે.










































