ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના પોશ વિસ્તાર વિઠલવાડીમાં ગેરકાયદેસર દારૂની હેરહેરી અને વેચાણ અંગેની ચર્ચાઓ વચ્ચે પોલીસે દરોડો કરી વિદેશી દારૂનો મોટી માત્રામાં જથ્થો ઝડપી બે બૂટલેગરો સામે કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર વેરાવળ શહેરના વિઠલવાડી વિસ્તારમાં સ્થાનિક બૂટલેગરો દ્વારા મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાનો શંકાસ્પદ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ તંત્ર સફાળે જાગ્યું હતું.વેરાવળ પીઆઇ એચ.આર.ગોસ્વામી સર્વેલન્સના પીએસઆઇ આર.આર.રાયજાદા સહિતની ટીમે દારૂના જથ્થાના વાયરલ થયેલા વીડિયો વાળા વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને ઘાસમાં છુપાવેલ ૧૩૩૯ વિદેશી દારૂની બોટલ મળી હતી. આ દારૂની કિંમત ૨ લાખ ૮ હજાર ૪૨૦ ની થાય છે. વિદેશી દારૂના જથ્થા સાથે ભોલો ઉર્ફે કરણ વિજયભાઈ કડેવાલ સોલંકી, સની મનુભાઈ ચારીયા નામના બે બૂટલેગરોને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ કે, આ દારૂનો જથ્થો વેરાવળ શહેરમાં વિતરણ કરવા માટે લાવવામાં આવ્યો હતો. હાલ પોલીસે આટલી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો કોની પાસેથી લીધો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.નોંધનીય છે કે, બે દિવસ પહેલા જ ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વાવડી ગામના સ્મશાન પાસે પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે શંકાના દાયરામાં ટાટા હેરિયર કાર જાવા મળતા તેની તપાસ કરી અને તેના ચાલકની પૂછપરછ કરી હતી. આ તપાસ દરમિયાન પોલીસને કારમાંથી રૂ. ૨,૫૧,૦૦૦ ની કિંમતની ૨૦૧ દારૂની મળી આવી હતી. જેથી પોલીસે મૂળ રાજકોટના રેલનગરમાં રહેતા ૨૧ વર્ષીય યશરાજ મનસુખભાઈ ચૌહાણને દારૂ અને કાર સહિતના મુદ્દામાલ સાથે ઝડપી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.







































