ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના ખારવાવાડ વિસ્તારમાં મોડી રાત્રે ગમખ્વાર દુર્ઘટના સર્જાતા સમગ્ર શહેરમા શોકનું મોજુ ફરી વળ્યું હતું. વેરાવળના ખારવાવાડ વિસ્તારમાં અંદાજિત ૮૦ વર્ષ જૂનું જર્જરિત ત્રણ માળનું રહેણાંક મકાન અચાનક ધરાશાયી થતાં કાટમાળ નીચે માતા-પુત્રી અને એક બાઈક ચાલક સહિત ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.મોડી રાત્રીના સમયે આ ઘટના બની હતી. હાલ નવરાત્રિનો માહોલ હોવાથી જે શેરીમાં મકાન આવ્યું છે ત્યાંથી લોકોની અવર જવર શરૂ હોય ત્યારે આ ૮૦ વર્ષ જૂનું મકાન અચાનક ધરાશાયી થતાં વિસ્તારમાં અફરા તફરી મચી ગઇ હતી. જે ઘટનામાં નીચે ઉભેલા બાઇક સવાર વ્યક્તિ પણ કાટમાળ નીચે દબાઈ જતા તેનું પણ મોત થયું હતું.ખારવાવાડ વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની જાણ ફાયર વિભાગ,પોલીસ અને નગર પાલિકા ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતાં અને વહેલી સવાર સુધી બચાવ કામગીરી ચાલી હતી. તંત્રની મહા મહેનત બાદ મકાનનો કાટમાળ દૂર કરી બચાવ ટીમે બાઇક સવાર દિનેશ પ્રેમજીભાઈ જુંગી, દેવકી બેન શંકર ભાઈ યાણી(માતા), જશોદાબેન શંકરભાઇ સુયાણી(પુત્રી) સહિત ત્રણ જેટલા મૃતદેહોને બહાર કાઢ્યા હતા.જ્યારે મકાનમાં રહેતા શંકરભાઇ સુયાણી અને એક મહિલા સહિત બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. આ અતિ જર્જરિત મકાન અચાનક ધરાશાયી થવાની દુર્ઘટનાના પગલે હાલ વેરાવળ સમગ્ર ખારવા સમાજ તેમજ વેરાવળ શહેરમાં શોકનું વાતાવરણ જાવા મળી રહ્યું છે.આ બાબતે વેરાવળ સિટી પી.આઇ એચ.આર ગોસ્વામીએ ઈ્ફ ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ખારવાવાડ વિસ્તારમાં જૂનું મકાન ધરાશાઈ થવાની ઘટના મોડી રાત્રીના ૧ઃ૩૦ વાગ્યે બની હતી. જેની જાણ થતા પોલીસ સ્ટાફ, ફાયર વિભાગ, નગર પાલિકા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને રાત્રિના સમયે કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. જેમ મૃતદેહ મળતા ગયા હતા તેઓને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની ઘટનામાં માતા-પુત્રી સહિત ત્રણ લોકોના કરૂણ મોત નીપજ્યા હતા અને બે લોકોનો આબાદ બચાવ થયો હતો.










































