કેરળ હાઈકોર્ટેએ એ અરજીને ફગાવી દીધી છે જેમાં કોવિડ વેક્સીનના સર્ટિફિકેટમાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફોટો હટાવવાની માંગ કરવામાં આવી હતી. અદાલતે અરજીકર્તા પીટર મ્યાલીપરમ્પિલ પર એક લાખનો દંડ પણ લગાવ્યો છે. મંગળવારે પોતાના આદેશમાં કોર્ટે કહ્યુ છે કે એવુ લાગે છે કે આ અરજી રાજકીય ઉદ્દેશો સાથે દાખલ કરવામાં આવી છે. એવામાં તેને રદ કરવામાં આવે છે અને અરજીકર્તાને એક લાખનો દંડ આપવાનો આદેશ આપવામાં આવે છે. જસ્ટીસ પીવી કુન્હીકૃષ્ણને આ આદેશ પાસ કર્યો છે.
પીટર માયલીપરમ્પિલે કેરળ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી પોતાની અરજીમાં કહ્યુ હતુ કે કોરોનાની વેક્સીન લીધા બાદ કોવિન પોર્ટલથી રસીકરણને જે પ્રમાણપત્ર જોહેર કરવામાં આવે છે. એ પ્રમાણપત્ર પર પીએમ નરેન્દ્ર મોદીના ફોટાને ન હટાવવો જોઈએ. અરજીકર્તા તરફથી કહેવામાં આવ્યુ હતુ કે અન્ય દેશોમાં સર્ટિફિકેટ પર પીએમના ફોટા જેવી કોઈ પરંપરા નથી. પ્રમાણપત્ર એક ખાનગી દસ્તાવેજ છે જેમાં વ્યક્તિગત વિવરણ નોંધવામાં આવે છે. માટે કોઈ વ્યક્તિની ગોપનીયતામાં દખલ દેવી અયોગ્ય છે. એવામાં ફોટો હટાવવા માટે કોર્ટ આદેશ જોહેર કરે. કોર્ટે આજે અરજીને ફગાવી દીધી.
જજે પોતાના આદેશમાં કહ્યુ કે મારા વિચારથી આ હલકા ઉદ્દેશથી દાખલ કરવામાં આવેલી એક તુચ્છ અરજી છે. એવુ લાગે છે કે આની પાછળ રાજકીય હેતુ છે. એવામાં આ ફગાવી દેવી જ યોગ્ય છે. અરજીકર્તા પર ૧ લાખના દંડ સાથે તેને ફગાવી દેવામાં આવે છે. અરજીકર્તાને ૧ લાખ રુપિયાની ચૂકવણી કેરળ કાનૂની સેવા પ્રાધિકરણને ૬ સપ્તાહની અંદર કરવાની રહેશે.
કોર્ટે ગઈ સુનાવણી પર અરજીકર્તાને પૂછ્યુ હતુ કે પ્રધાનમંત્રીને દેશની જનતાએ ચૂંટ્યા છે. એવામાં વેક્સીન સર્ટિફિકેટ પર તેમનો ફોટો લગાવવામાં ખોટુ શું છે. શું તમને પ્રધાનમંત્રી પર શરમ આવે છે? લોકોના અલગ-અલગ રાજકીય વિચાર હોઈ શકે છે પરંતુ તે આપણા સહુના પ્રધાનમંત્રી છે.