દેશની રાજધાની દિલ્હીમાં એક ખુબ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે અહીં એક વૃદ્ધને મૃત સમજીને પરિવારજનો તેમના અંતિમ સંસ્કાર કરવા માટે મૃતદેહને સ્મશાન ઘાટ પર લઈ ગયા. પરંતુ અંતિમ સંસ્કારની બરાબર પહેલા વૃદ્ધને હોશ આવ્યા અને ત્યારબાદ તો જાણે હડકંપ મચી ગયો.

અત્રે જણાવવાનું કે વૃદ્ધ હોસ્પિટલમાં દાખલ હતા. તેમના પરિજનોએ ડોક્ટરની સલાહ વગર જ વૃદ્ધને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાવ્યા હતા. હોસ્પિટલે વૃદ્ધને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરતી વખતે ડિસ્ચાર્જ પેપર પર એલએએમએ લખેલું હતું.

અત્રે જણાવવાનું કે વૃદ્ધ દ્વારકાની વેંકટેશ્વર હોસ્પિટલમાં દાખલ હતા. વૃદ્ધ કેન્સર પેશન્ટ છે. વેન્ટીલેટરનો ખર્ચો વધુ હોવાથી પરિજનો તેમને ઘરે લઈ ગયા હતા. વેન્ટીલેટર પરથી હટાવ્યા બાદ વૃદ્ધના શ્વાસ બંધ થઈ ગયા અને પરિજનોએ વિચાર્યું કે તેમનું મોત થઈ ગયું. ત્યારબાદ અંતિમ સંસ્કાર માટે સ્મશાન ઘાટ લઈ જવાયા. પરંતુ જ્યારે ચિતા પર મૃતદેહ મૂકવાનો સમય આવ્યો તો તેમના શ્વાસ ચાલવા લાગ્યા.

વૃદ્ધને હોશ આવ્યા બાદ ૧૦૦ નંબર પર પીસીઆર કોલ કરાયો અને ત્યારબાદ તરત જ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી તથા વૃદ્ધને હોસ્પિટલ લઈ જવાયા. દિલ્હી પોલીસનું કહેવું છે કે અત્યાર સુધીની તપાસમાં હોસ્પિટલની બેદરકારી સામે આવી નથી. હોસ્પિટલે કોઈ એમએલસી બનાવી ન હતી. આ મામલે તપાસ ચાલુ છે.