વીર સાવરકર એવોર્ડની આસપાસ ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે, એક મુખ્ય સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના સાંસદ શશી થરૂરે વીર સાવરકર પુરસ્કાર સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા થરૂરે કહ્યું કે તેમને ગઈકાલે (મંગળવારે) આ પુરસ્કાર વિશે જાણ થઈ હતી અને તેઓ સમારોહમાં હાજરી આપશે નહીં. “મેં ગઈકાલે જ તેના વિશે સાંભળ્યું હતું. હું ત્યાં જવાનો નથી,” તેમણે કહ્યું.
શશી થરૂરે સ્પષ્ટતા કરી કે તેઓ વી.ડી. સાવરકરના નામ પરથી કોઈ પણ પુરસ્કાર સ્વીકારશે નહીં, કે તેઓ કોઈપણ સંબંધિત કાર્યક્રમોમાં હાજરી આપશે નહીં. તિરુવનંતપુરમના સાંસદ થરૂરે એમ પણ કહ્યું કે તેમની સંમતિ વિના તેમનું નામ જાહેર કરવું આયોજકો તરફથી બેજવાબદારીભર્યું હતું.
થરૂરના નિવેદન બાદ, એવોર્ડ આપતી હાઈ રેન્જ રૂરલ ડેવલપમેન્ટ સોસાયટી ઈન્ડિયાના સેક્રેટરી અજી કૃષ્ણને એક ટીવી ચેનલને જણાવ્યું કે કોંગ્રેસના સાંસદને આ બાબતની જાણ પહેલાથી જ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે એચઆરડીએસ ઈન્ડિયાના પ્રતિનિધિઓ અને એવોર્ડ જ્યુરીના ચેરમેન થરૂરને આમંત્રણ આપવા માટે તેમના નિવાસસ્થાને મળ્યા હતા, અને સાંસદે અન્ય એવોર્ડ મેળવનારાઓની યાદી માંગી હતી. તેમણે દાવો કર્યો હતો કે, “અમે તેમને યાદી આપી છે. તેમણે હજુ સુધી અમને જાણ કરી નથી કે તેઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે નહીં. કદાચ તેઓ ડરી ગયા છે કારણ કે કોંગ્રેસ પાર્ટીએ તેને મુદ્દો બનાવ્યો છે.”
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એકસ’ પર એક પોસ્ટમાં, કોંગ્રેસના સાંસદે કહ્યું, “પુરસ્કારની પ્રકૃતિ, તેને રજૂ કરતી સંસ્થા અથવા અન્ય કોઈ સંબંધિત વિગતો વિશે સ્પષ્ટતાના અભાવે, આજે કાર્યક્રમમાં હાજરી આપવાનો કે એવોર્ડ સ્વીકારવાનો કોઈ પ્રશ્ન જ નથી.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે મંગળવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરવા માટે કેરળ ગયા ત્યારે તેમને મીડિયા રિપોર્ટ્‌સમાંથી જાણવા મળ્યું હતું કે તેમને આ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.
બીજી તરફ, કોંગ્રેસના નેતા કે. મુરલીધરને બુધવારે જણાવ્યું હતું કે કોંગ્રેસના કોઈપણ સભ્ય, સાંસદ શશી થરૂરે પણ વીર સાવરકરના નામ પરથી કોઈ પણ પુરસ્કાર સ્વીકારવો જાઈએ નહીં. મુરલીધરને સાવરકરના અંગ્રેજા સમક્ષ શરણાગતિને કારણ તરીકે ગણાવ્યું હતું. મુરલીધરને જણાવ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે શશી થરૂર આ પુરસ્કાર સ્વીકારશે નહીં, કારણ કે આમ કરવાથી કોંગ્રેસ પાર્ટીને અપમાન અને શરમ થશે.