કોલસાની તંગીને કારણે દેશના વિવિધ રાજ્યોમાં તોળાતુ વીજ સંકટ અટકાવવા માટે રેલવેથી માંડીને રાજ્યો અને કેન્દ્ર સરકારો પણ ઉંધા માથે છે તેવા સમયે હવે નમકનું સંકટ સર્જાવાના ભણકારા ઉભા થયા છે. કોલસાની હેરફેર માટે રેલવે દ્વારા વધુને વધુ રેક ફાળવવામાં આવતી હોવાથી નમકના પરિવહન માટેની રેક ઓછી થઇ ગઇ છે અને તેના કારણે નમકની તંગી ઉભી થવાની શક્યતા છે.
વીજ સંકટ રોકવા માટે રેલવે દ્વારા કોલસાના પરિવહન માટે વધુ રેક ફાળવવાની સાથોસાથ મુસાફરી ટ્રેનો પણ રદ કરી નાખવામાં આવી છે તેવા સમયે ઔદ્યોગિક અને ખાદ્ય નમક માટે દરરોજ માત્ર ૫ જ રેક આપવામાં આવી રહી છે. હજુ તેમાં કાપ મૂકવાની હીલચાલ છે. નમક ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું છે કે અગાઉ મીઠાના પરિવહન માટે દરરોજ ૮ રેક આપવામાં આવતી હતી. રેલવે મંત્રાલયે હવે કચ્છનાં અધિકારીઓને એવી સૂચના આપી છે કે ઉત્તર ભારતના છ વીજ મથકો માટે કોલસા પહોંચાડવાને પ્રાથમિકતા આપવામાં આવે છે.
વાસ્તવમાં ૭૫ ટકા ઔદ્યોગિક અને ખાદ્ય નમક કચ્છથી જ સપ્લાય થાય છે. એક માલગાડીની એક રેકમાં ૨૭૦૦ ટન નમક સપ્લાય કરવામાં આવે છે. ઔદ્યોગિક નમકની ક્ષમતા ૩૮૦૦ થી ૪૦૦૦ ટનની હોય છે. કચ્છમાંથી વર્ષે ૨.૮૬ કરોડ ટન નમકનું ઉત્પાદન થાય છે જેમાંથી ૨ કરોડ ટન નમકની સપ્લાય ખાદ્ય અને ઔદ્યોગિક વપરાશ માટે થતી હોય છે.
ઇન્ડીયન સોલ્ટ મેન્યુફેકચરર એસોસિએશનનાં ઉપાધ્યક્ષ શામજી કંગડે જણાવ્યું હતું કે દરરોજ રેલવે તરફથી ૮ રેક મળતી હતી પરંતુ છેલ્લા એક પખવાડીયાથી કોલસાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું હોવાથી ૪ થી ૫ રેક જ મળી રહી છે. ઔદ્યોગિક અને ખાદ્ય ઉપયોગમાં લેવામાં આવતા ૭૦ ટકા નમકની સપ્લાય ટ્રેન દ્વારા જ કરવામાં આવે છે.
એકાદ મહિનામાં ચોમાસાનું આગમન થઇ જશે અને ત્યારે નમકનું પરિવહન મુશ્કેલ બનશે. ચોમાસા પૂર્વે મે મહિનામાં જ નમક ઉત્પાદકો સ્ટોક કરતાં હોય છે. રેકની ફાળવણી વધારવામાં ન આવે અને વર્તમાન હાલત યથાવત રહેવાના સંજાગોમાં આવતા સમયમાં નમકની અછત ઉભી થઇ શકે છે. એક વખત મીઠાની ખેંચ સર્જાવાના સંજાગોમાં પરિસ્થિતિ નોર્મલ કરવામાં ઓછામાં ઓછો એક મહિનો લાગી જતો હોય છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને સરકાર અને રેલવે મંત્રાલયે તાત્કાલીક અસરથી નમક પરિવહનને કોઇ અસર ન થાય તે પ્રકારના કદમ ઉઠાવવાની જરુર છે.