ગુજરાતમાં વીજ લાઈન અને વીજ પોલ માટે જમીન વળતર મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીના નિવેદનનો જવાબ આપતા તેમણે આરોપ લગાવ્યો કે ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવાનું વિરોધ પક્ષનું કર્તવ્ય છે, જ્યારે ખેડૂતો સાથે રાજકારણ તો સરકાર છેલ્લા કેટલાક મહિનાથી કરી રહી છે.
પાલ આંબલિયાના જણાવ્યા મુજબ, સરકાર ડિસેમ્બર-૨૦૨૫થી વીજ લાઈન માટે લાંબા ગાળાની પોલિસી બનાવવાની વાત કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર પોલિસી જાહેર કરવામાં આવી નથી. તેમણે યાદ અપાવ્યું કે માર્ચ-૨૦૨૬માં ઊર્જા મંત્રીએ પણ ટૂંક સમયમાં નવી પોલિસી જાહેર કરવાની ખાતરી આપી હતી. તેમ છતાં, ઘણા મહિના વીતી ગયા બાદ પણ ખેડૂતો માટે કોઈ સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો નથી.
કિસાન કોંગ્રેસે માંગ કરી છે કે રાજ્યભરમાં વીજ કંપનીઓ દ્વારા ચાલી રહેલા વીજ લાઈનના કામો તાત્કાલિક સ્થગિત કરવામાં આવે. ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને નવી વળતર પોલિસી જાહેર કરવામાં આવે અને ત્યારબાદ જ નવા પ્રોજેક્ટનું કામ શરૂ કરવામાં આવે.
પાલ આંબલિયાએ સરકાર પર આરોપ લગાવ્યો કે ઉદ્યોગકારોને લગતી નીતિઓ ઝડપથી જાહેર કરવામાં આવે છે, પરંતુ ખેડૂતોને અસર કરતા મુદ્દાઓ પર લાંબા સમય સુધી નિર્ણય લેવામાં વિલંબ થાય છે. તેમના મતે આ જ કારણસર ખેડૂતોમાં અસંતોષ વધી રહ્યો છે.
વીજ લાઈન વળતર મુદ્દે સરકાર અને ખેડૂતો વચ્ચેનો વિવાદ હજુ યથાવત છે. હવે સરકાર નવી પોલિસી જાહેર કરે છે કે હાલની વ્યવસ્થા જ ચાલુ રાખે છે, તેના પર ખેડૂતો અને રાજકીય વર્તુળોની નજર છે.








































