વીજળીના ચમકારા વધ્યા. દિવસ આથમી ચૂકયો હતો. હવે થોડુ થોડુ અસ્પષ્ટ દેખાતુ હતું. વળી વરસાદના ફોરાને લીધે બધુ જ ધ્રુજતુ હોય તેમ દેખાતુ હતું.
ત્યારે ચાલી જતી પરીની નજર તો પેલા સફેદ જટાધારી, સફેદ દાઢીવાળા, કાળો ઝભ્ભો ને કાળો લેંઘો ધારણ કરેલ, ગળામાં મોટી રૂદ્રાક્ષની માળા પહેરેલ દિવ્ય તેજામય પુરુષ તરફ જ હતી. ડર્યા વગર તદન મારી નજીક આવ. આપણે મળવાનો સમય થઈ ગયો છે. મને તો તું જ સમજી શકીશ. તારા સિવાય મને સમજનાર આ દુનિયામાં કોઈ જ નથી. આવ….નજીક આવ.’’ ને આ અવાજની જાદુઈ અસર થકી પરી ધીમે પગલે ચાલી પેલા તેજામય પુરુષ પાસે ઉભી રહી. ને એ ક્ષણે પેલી તેજામય
આકૃતિ બોલવા લાગીઃ
‘‘પરી…., મારી સામે જા. મારી આંખોમાં આંખો ભરી તું જા…’’ પરીએ તેજામય પુરુષે કહ્યું તેમ કર્યુ. નજર સામે નજર મળી ને…વીજળીનો ચમકાર થયો. પરીના મગજમાં જે કંઈ હતું તે શૂન્ય જાણે! પરી …પરી જ ન રહી. ત્યાં તો ફરી પેલા પુરુષે કહ્યુઃ
‘‘પરી, તું પરી નથી. પરી મટી જઈ તું અત્યારે બંસી થઈ છે. થોડીવાર તારી આંખો બંધ કર. હવે સાંભળઃ તું પરી નથી હવે તું બંસી છે. હા.., મારી બંસી!”
આજે જે ચૂડી તે તારા હાથમાં પહેરી છે તે મેં તને મેળામાંથી લઈ આપેલ છે. યાદ કર…બંસી! તું અને હું..અલગ નથી, એક જ છીએ. તને આવતા સપના સાચા કેમ પડે? વિચારી જા. તારી આંખો ખોલ ને મારી સામે જા. એકવાર થોડા સમય માટે મારી દાઢી ને જટા દૂર કરી મારા ચહેરાને ઓળખ. તને તારો અમર પ્રેમ નજરે દેખાશે. હા…તને તારો પ્રેમ..દર્શનસિંહ જાડેજા જ દેખાશે….’’
એ પળે, એ ઘડીએ પરીએ તેની આંખોની પાંપણ ધીમે ધીમે ઉંચી કરી. એક વીજળીનો ચમકાર થયો. મેઘગર્જના પણ થઈ. આવુ થતા હવે પરી ધ્રુજી નહી. એકીટશે તે પેલા પૂરુષના ચહેરાને કયાંય સુધી તાકી રહી. આંખનું એક પણ મટકુ માર્યુ નહિ. બસ તે જાતી રહી.
‘‘પરી…, મારો ચહેરો જા. તું પરી નથી પણ આ દર્શનની બંસી છે. હું તારો દર્શનસિંહ જાડેજા. સોળ વર્ષ થયા તારી પ્રતીક્ષા કરી રહ્યો છું. આ હું ઉભો છું તે ટેકરીઓ પાછળ જ મારુ ખેતર છે. યાદ છે તને….? ત્યાં એક ભમ્મરિયો કૂવો છે. આપણે ગામ છોડી ભાગી જવાનાં હતા. એ રાતે મારી રાહ જાઈ અંતે તુ ભમ્મરીયામાં સમાઈ ગઈ. પણ,મારે શું કરવુ?! બસ, તારી પ્રતીક્ષા કરતો રહ્યો. ને તે…….નવો જન્મ લીધો. યાદ કર તું. તારુ રૂપ, તારો ચહેરો, તારા ચહેરા પરની નિશાની એ…બધુ જ બંસી સાથે સરખામણી કર. બંસી તું મને ભૂલી ન શકે ને હું તને જન્મોજન્મ સુધી ભૂલી ન શકુ. આપણો પ્રેમ જ એવો છે. એકવાર તું મારા ચહેરાને પ્રેમ નીતરતી આંખે જા….’’
ને એ સાથે જ તડાક….તડાક કરતા એકીસાથે અનેક ઝટકા પરીના મગજને જાણે લાગવા લાગ્યા. બધુ જ જાણે કે છિન્નભિન્ન, વેરણછેરણ.. પછી અસ્તિત્વની કોઈ ભીની ભીની મર્યાદાની બહાર અગોચર વિશ્વમાં પરી પહોંચી જઈને જાર જારથી રડી પડી. એ સાથે જ એ દિવ્ય પ્રેમી પુરુષની લગોલગ આવી બોલીઃ
‘‘દર્શન.., મારા દર્શન ..હું?! મારી જૂની સ્મૃતિમાં ઉંડો ઉંડો ઝાંખો ઝાંખો તું હંમેશા દેખાઈ રહ્યો હતો. પણ મને શું ખબર તુંં જ મારો પ્રેમ છે. હા, સાચે જ હું પરી નથી… હું તો બંસી ! મારા દર્શનની બંસી. કર્મોના કે પ્રેમના બંધનથી બંધાયેલી. હું બંસી તારી જ છું..દર્શન! મને પામવા માટે તે તારી દરબારીપણાની જાત સાથે કેવુ ભયંકર તપ આદર્યુ. રંગ છે તને દર્શન કે, એક બ્રાહ્મણ કન્યા માટે, તેના પ્રેમ માટે સોળ વર્ષ સુધી પ્રતીક્ષા કરી લે…., હવે તારી પ્રતીક્ષાનો અંત તારી સામે છે.’’ પરીના રૂપમાં બંસી બોલતી હતી ને આ બોલવાનું પૂરુ થતાની સાથે જ પેલા સંતપુરુષને ભેટી પડી. એ આલિંગન અલૌલિક રહ્યુ.
દૂર ઉભેલા યશ-રમ્યા કે દાદા-વત્સલની નજરે પરી ને પેલો પુરુષ સાવ ચોખ્ખા દેખાતા ન હતા. વળી વરસાદ પણ ધોધમાર વરસી રહ્યો હતો.
આ તો અઢળક શક્તિઓનો પિંડ આત્મા અને તેના આશ્રયે જ આવી અલૌકિક શક્તિ રહે છે. ને બે મન, બે આત્મા જયારે એકાકાર થાય ત્યારે જ સાક્ષાત્કાર થયો કહેવાય. આવો સાક્ષાત્કાર પ્રેમમાં પણ હોય ને ભક્તિમાં પણ હોય. તન મરવા માટે છે, આત્મા સનાતન છે.
પરીના મગજમાં સંગ્રહાયેલી ભીની ભીની ભાતીગળ સ્મૃતિઓના પડ એક પછી એક ઉખળવા લાગ્યા. પૂર્વજન્મની સ્મૃતિઓના કમાડ પૂરેપૂરા ખૂલ્યા. ઘડી બે ઘડીમાં તો તે પરી મટી જઈ બંસી બની ગઈ. હા, દર્શનસિંહ જાડેજાની બંસી. આ પણ પ્રેમની મહાન મહાનતા છે. બન્ને સજીવ દેહ ને આવો અમૂલ્ય સાક્ષાત્કાર થયો.
આમ જાઈએ તો બે મન અને બે આત્મા જયારે એકાકાર થાય ત્યારે સાક્ષાત્કાર થયો કહેવાય. એ સાક્ષાત્કાર પ્રેમનો પણ હોય ને ભક્તિનો પણ હોય. જે હોય તે, પણ આવો જ સાક્ષાત્કાર બંસી દર્શનને થયો.
ત્યારે વરસતા વરસાદમાં શિવાલય પાસે ઉભેલા યશ, રમ્યા, વિશ્વંભરદાદા ને વત્સલ, પરી કયારે પાછી ફરે તેની રાહ જાઈ રહ્યા હતા.
પરંતુ……,
એ ક્ષણે, દર્શન-બંસી (પરી) એકબીજાની બાથમાં મજબુતાઈથી ઝકડાયા હતા. એ બંધન એવુ હતું કે કયારેય છૂટી ન શકે ને બેઉંના હોઠ એકબીજા સાથે અને આવેગથી એવા ચીપકી ગયા હતા કે એ પ્યાસ જન્મો સુધી જાણે કે અધૂરી જ રહે. હા, બંસી-દર્શન બન્ને એકરૂપ થયા.
અંતે, વિદ્વાન લેખક શ્રી ક.મા. મુનશી સાહેબ કૃષ્ણાવતાર ભાગ-૧માં લખે છે.
‘‘અદમ્ય ભાવા વેગથી કૃષ્ણે રાધા તરફ ઝૂકીને પોતાના હોઠ એના હોઠ સાથે ચાંપ્યા.
એકનો આત્મા બીજાના આત્મામાં ભળી ગયો અને બન્ને એક થઈ ગયા ત્યાં સુધી એ હોઠ એક-બીજાથી અલગ ન થયા.’’ (સમાપ્ત)

 

“બંસી દર્શન”ની વિદાય વેળાએ…
____________________
અંદાજે ૭૫ અઠવાડિયા એટલે કે, દોઢ વર્ષથી ચાલતી મારી ધારાવાહિક નવલકથા : બંસી દર્શન સંજોગ ન્યૂઝ દૈનિક અખબારની રવિપૂર્તિ “રસધાર”માં પ્રકટ થતી રહી. વાંચકોએ ઉમળકાથી વધાવી. વાંચકો જ લેખકને પ્રોત્સાહિત કરે છે. સુજ્ઞ મિત્રો, આપના પ્રતિભાવ આવકાર્ય છે.

આ તકે સંજોગ ન્યૂઝ પરિવારનો હું હૃદયથી આભાર માનું છું.

ફરી મળીશું…નવી નવલકથાના માધ્યમે…

– અમૃત પરમાર 9427218686
E – amrutparmar28@yahoo.com