સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે જયોતિગ્રામમાં ચાલુ વીજલાઈનમાં અસામાજિક તત્વો દ્વારા લોખંડનો તાર લઈ બંને છેડે પથ્થર બાંધી વાયર ઉપર નાખવામાં આવતા વારંવાર વીજ ફોલ્ટ સર્જાય છે. જેથી કરીને પાવર ફોલ્ટમાં જતો રહેતો હોય છે અને કર્મચારીઓ વધારે પરેશાનીમાં મુકાતા હોય છે. ગ્રાહકો દ્વારા ફરિયાદો કરવામાં આવતી હોય ત્યારે વીજ કર્મચારીને ફોલ્ટ શોધવો ખુબ જ મુશ્કેલ થાય છે. હજુ બે દિવસ પહેલા ખડસલી જ્યોતિગ્રામ ઉપર કોઈ અસામાજિક તત્વો દ્વારા લંગરીયા નાખવામાં આવતા સતત એક કલાક સુધી કર્મચારીઓ ફોલ્ટ શોધતા રહ્યા અને ગ્રાહકો પરેશાનીમાં મુકાયા હતા. આ બાબતે વીજ અધિકારીને જાણ કરવામાં આવેલ કે પાવર જતો રહેલ છે તેથી વીજ કર્મચારીઓ ફોલ્ટ શોધવા માટે ધંધે લાગ્યા હતા. અસામાજિક તત્વોના ત્રાસને કારણે વીજ કર્મચારીઓને ફોલ્ટ મળતો નથી અને ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી હવે કોઈ તત્વો લંગરીયા નાખતા ઝડપાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવાના વીજ અધિકારીએ સંકેત આપ્યા છે.