સામે વીકી ઊભો હતો તેના સાગરીતોને લઇને ! વીકીને જોઇને જીગર ગભરાઇ ગયો. જીમ્મીએ પલકવારમાં વિચારી લીધું કે આજે વીકી સામે ફાઈટ આપવી અઘરી છે. એમાંય સસલા જેવો જીગર સાથે છે. પોતાનું તો જે થવાનું હોય એ થાય, પણ જીગરને જો કંઇ થશે તો તેના પિતાને પોતે શું જવાબ આપશે ? એટલે જીગરના કાનમાં કહ્યું: ‘જીગર સામે વીકી તેના માણસોને લઇને ઊભો છે અને આજે જે ફાઇટીંગ થવાની એ ફાઇટીંગ લોહિયાળ હશે. હું એકલો છું અને સામે ચાર જણાની ચંડાળ ચોકડી ઊભી છે. પણ મને મારી ચિંતા નથી, ચિંતા તો તારી છે. એટલે મહેરબાની કરીને અહીથી જ ભાગ. રાજમહેલની ડાબી તરફ જતો રસ્તો તને અનુકૂળ પડશે. તું આ બાઈક લઇને જો ભાગ, મારી ચિંતા ન કરતો.’ જવાબમાં જીગરે દલીલ કરવા માંડી ત્યારે જીમ્મીએ કહ્યું કે ‘મારૂં કહેવું માન સમય ઓછો છે. મારી ચિંતા ન કર, તને બે હાથ જાડીને વિનંતી કરૂ છું કે તું ભાગ, તને મારી આપણી દોસ્તીની કસમ છે.’
‘પણ ભાગવું હોય તો આપણે બન્ને ભાગી જઇએ.’ “વેળા નથી, આ લોકો જો આગળ આવે છે. હું ધ્યાન ચૂકવાડુ છું નહિંતર, આપણે ભાગીશું તોય એમના હાથમાં આવી જઇશું. આતો હું અહીં રહીશ તો તું નીકળી શકીશ, જા, ભાગ…”
વીજળીક ગતિએ જીમ્મીએ બાઇક ઊપરથી ઠેકડો માર્યો અને જીગર નાસી છૂટ્યો, વીક્કી અટ્ટહાસ્ય કરતો સામે આવ્યો. જીમ્મીએ તો સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ એ પહેલા તો વીક્કીની એક જ ફેંટ તેની છાતીમાં લાગી ચૂકી હતી. જીમ્મી કંઇ પણ પ્રતિકાર કરે એ પહેલા તો પેલા ત્રણેયે હોકી અને લાઠીની બોછાર બોલાવી દીધી બરાબર એજ વેળાએ… જીગર, ‘પોલીસ.. પોલીસ…’ બુમો પાડતો સામે છેડેથી બાઇક લઇને આવ્યો અને વીક્કી અને તેના સાગરીતો ગભરાયા અને જીમ્મીને પડતો મૂકીને ભાગ્યા. જીગરનો આ એક સ્ટંટ હતો. પણ સફળ થયો. આડેધડ હોકીના પ્રહારોથી મૂંઢમાર તો લાગ્યો હતો પણ, જીવ બચાવવા માટે જીમ્મી લંગડાતો, ઘસડાતો જીગર સુધી પહોંચી ગયો અને જીગર તેને પાછળ બેસાડીને ભાગ્યો. જીમ્મી આજે બાલ-બાલ બચી ગયો નહિંતર….
—-
ઇન્સ્પેકટર અજય હાથ ઘસતો રહી ગયો. જીમ્મીએ જા જરા જેટલું ઇન્ડિકેટ કર્યું હોત તો આ આખો કેસ ખૂલી જાત પણ એવું તે શું ફેકટર છે કે, આ બીજી વારેય અર્જુનને એ જીપમાં બેસીને લઇ ગયા છે ? કંઇક તો છે જ. જે અર્જુનની નબળી કડી છે. દત્તાને એણે આ બાબતે વળી વળીને પૂછયું છે પણ દતાનેય કશી ખબર નથી. આખરે આ કેસ છે શેનો ? ઇન્સ્પેકટર અજય વિચારી રહ્યો. કીડનેપીંગનો હોય તો કીડનેપર્સ અર્જુનને ગોંધી રાખે અને ખંડણી માંગે પણ આ તો ફરી વખત બન્યુ છે. બીજું કે, જે ઘરેણાં હતા એ પણ ગૂમ છે. એનો સીધો સાદો અર્થ એ થયો કે ઘરેણાં અર્જુન પાસે જ હોય. પણ તો એ ઘરેણાંની શી જરૂર પડી ?…‘હા…’ તેના મનમાં એક તાળો મળ્યો: જીમ્મી અને જીગર, બન્ને મિત્રો એમ કહેતા હતા કે અર્જુનભાઇ અંધારૂં થયે આઝમગઢ જતા રસ્તા ઉતરી આવ્યા અને અહી ઊભા રહ્યાં.
તો એનો મતલબ એ થયો કે અર્જુન આજે સવારનો જ આઝમગઢ ગયો હોવો જોઇએ. અને એ પણ ઘરેણાં લઇને તો પછી સાંજે સીધો અહીંયા આવીને કેમ ઊભો રહ્યો ?
ઇન્સ્પેકટર અજયે માથું ધૂણાવ્યું: સાલ્લુ, કશું સમજમાં નથી આવતું. એમની દ્રષ્ટિ ટેબલ ઉપર પડેલા ગીતાજીના પુસ્તક ઉપર ગઇ અને એમના મગજમાં આશાનો આગિયો ઝબૂક્યો. અજયને એવી ઘણીવાર અનુભૂતિ થઇ હતી કે જયારે જયારે વિચાર કરતું મગજ થાકી જાય, કોઇ કરતા કોઇ ઉકેલ ન મળે ત્યારે એ એક જ ધર્મગ્રંથ હાથમાં લેતો જે ખૂદ નારાયણ ભગવાન શ્રીકૃષ્ણની વાણી હતી. અર્જુનને કુરૂક્ષેત્રના મેદાનમાં પોતાનાં જ સગાં વ્હાલાની સામે લડવાનું આવ્યું અને એ નાસીપાસ થયો ત્યારે ભગવાન કૃષ્ણએ જ તેને બળ આપ્યું હતુને ! ઇન્સ્પેકટર અજયે ગીતાજીનું પુસ્તક હાથમાં લીધું.
—-
જીપ ખખડ ખખડ કરતી ચાલી જતી હતી કે, આંખે પાટા બાંધીને બેઠેલા અર્જુને અડખે પડખે બેઠેલા બેયને કહ્યું, મારે પેશાબ કરવા જવું પડશે મને પથરીની તકલીફ છે ખુબ જ પ્રેશર આવ્યું છે.’ ‘ભાઇ…, ગાડી રોકો…’ આજુ બાજુ બેઠેલા બન્ને બાઉન્સરોએ ગાડી રોકવા માટે કહ્યું.
‘અબ ઓ ઓફિસર… જરા સી નહીં રોક પાતા…’ આગળ બેઠેલા મુખિયાએ કહ્યું: ‘ હમ પહુંચ હી ગયે હૈ.’
‘મુઝે પતા હૈ ભાઇ…’ અર્જુને કહ્યું: “તકરીબન દો, તીન ઘંટા લગતા હૈ. ઔર મુજે તકલીફ હૈ. મુઝે આધે આધે ઘંટે મેં પેશાબ લગતી હૈ મેં કયા કરૂ ? જવાબમાં એ એક ભૂંડી ભખ ગાળ બોલ્યો અને ડ્રાઇવરને કહ્યું:‘દગડુ, રખ’
જીપ ઊભી રહી. પેલા બન્ને અર્જુનને દોરીને બહાર નીકળ્યા. આંખે પાટા બાંધેલા હતા પણ આજ હાથ છુટ્ટા હતા. રાતના દસ જેવું થયું હતું. ચંદ્રમાનું અજવાળુ ફેલાયેલું હતું. અર્જુને થોડે દૂર જઇને આંખની પટ્ટી ઊંચી નીચી કરી તો પટ્ટી થોડીક ફસકી ગઇ… અર્જુને આખો પટ જોઇ લીધો. ‘અજવાળામાં! અબે ઓ ચાલસી કછૂઆ… જલદી કરો. ઇસ મેં ઇતની દેરી કયા ?’ પેલાએ બૂમ પાડી અને પેલા બે દોડતા દોડતા આવ્યા. અર્જુનને જીપમાં ચડાવ્યો… જીપ ચાલતી થઇ. અર્જુને મનમાં મનમાં ગણિત માંડવાનું શરૂ કર્યું.
—–
થોડીકવારમાં જ જીગર અને જીમ્મી અનિતાના ઘર પાસે પહોંચ્યા. અનિતા બહાર જ ઊભી હતી. અનિતાએ તેને એક પડીકી આપી. જીમ્મી એ પડીકી લઇને નીકળી ગયો.
—-
રાત વીતી રહી હતી. દત્તા અર્જુનના ઘરે જ બેઠા હતા. રાજેશ્વરીબા ગભરાઇ રહ્યા હતા. પણ દત્તાએ તેમને ધરપત આપતા કહ્યું કે હવે તમે ચિંતા ન કરો. આ આખો કેસ ઈન્સ્પેકટર સાહેબને સોંપી દીધો છે.”
વાત સાંભળીને રવિના મુંઝાઇ. હવે શું થશે ? નહીંને કયાંક… અને આમ પણ, અર્જુન પ્રત્યે તેને હવે અનોખી લાગણી ઊભરાઇ રહી હતી. એનું અહીં આવવું એક હેતુપૂર્વક કાવતરૂ હતું. દગડુ, એભલ અને બોસ આણિ મંડળીએ તેને અહીં મોકલી હતી અર્જુનને ફસાવવા માટે પણ તેને પ્રથમવાર એવું લાગી રહ્યું હતું કે, પોતે જે કરી રહી છે એ સદંતર ખોટું છે. તેને થયું કે પોતે આ ભોળા લોકોની લાગણી અને પ્રેમનો લાભ લઇ રહી છે. પોતાને સગી દીકરીની જેમ રાખતા રાજેશ્વરી દેવીના પેટના જણ્યા એવા દીકરા અર્જુન માટે પોતે જ એકલી જ જવાબદાર છે.!!”
એ આંખો બંધ કરીને સામે રહેલી ભગવાનની છબીને મનોમન પ્રાર્થના કરતી રહી કે હે ભગવાન ! અર્જુનને બચાવી લેજે. જા એને કશું થઇ ગયું ને, તો હું મારી જાતને તો ઠીક પણ કયારેય તને ય પણ માફ નહી કરૂં, તને ખબર છે ભગવાન, કે હું અર્જુનને મનોમન પ્રેમ કરવા લાગી છું. એ મારો પ્યાર અખંડ રાખજે. આ બે જુવાન હૈયાંને કયારેય પણ તું ખંડિત થવા દેતો નહીં!! ’
રાતના દોઢ બે- જેવુ થયું કે દત્તા ઊભા થયા અને રાજેશ્વરીબાને હૈયાધારણ આપી પોતાના ઘર તરફ રવાના થયા. પણ સવાર સુધી જીમ્મી કયાં રાહ જુએ એમ હતો ? એનું માઇન્ડ તો ઝડપથી ચાલતું હતું. ઘરે પહોંચીને પેલી કાગળની પડીકી સાચવીને મૂકી દીધી. જીગરને એણે કહ્યું “કહે કે ન કહે, મારૂં માન કે ન માન, પણ વહેલી સવારે અર્જુનભાઇ આઝમગઢ જતા રસ્તા ઉપરથી જ મળી જશે. મારૂં મન એવું કહે છે.”
જીગર હસ્યો: “તું તો ખરેખર જાણભેદુ છે. તું જે વિચારે છે એવું જ થાય છે!” અને જીમ્મી ખરેખર એ આખી રાત સૂતો નહીં. વહેલી સવારે એ આઝમગઢ જતા રસ્તા ઉપર ગરનાળા પાસે રેકી કરી રહ્યો હતો તેના મનમાં હતું જ કે, અંધારામાં જ અર્જુનભાઇને એ જ જીપ છોડવા આવશે જે જીપમાં રાત્રે લઇ ગયા છે.
પાંચ, પંદર, વીસ, પચ્ચીસ, ત્રીસ અને પીસ્તાલીશ મિનિટે એક જીપ આવતી દેખાઇ, જીમ્મી એલર્ટ થઇ ગયો એ ઝાડવા પાછળ સંતાઇ ગયો કે જીપ સડસડાટ કરતી ત્યાંથી નીકળી અને સીધી રેલ્વે ટ્રેક નીચેના ગરનાળામાં ઉતરી ગઇ. જીમ્મી વાજાવાજ ભાગ્યો. પણ બુલેટ માંડ ચાલુ થઇ. એ મારતી બુલેટે ત્યાં પહોંચ્યો તો, બે જણાં આંખે પાટા બાંધીને જીપમાંથી અર્જુનને ઉતારી, હડસેલો મારીને જીપમાં બેસી ગયા અને જીપ ભગાવી મૂકી. અર્જુન અડવડિયું ખાઇ ગયો. તેના હથ બંધાયેલા હતા. જીમ્મીને થયું કે શું કરવુ ? એણે એક જ સેકન્ડમાં નિર્ણય લઇ લીધો એણે બુલેટ જીપ પાછળ ભગાવી પણ ડ્રાઈવરને ખબર પડી ગઇ કે બુલેટ તેનો પીછો કરી રહી છે. પાછળ માર પછાડ આવતા બુલેટને ઓવરટેઇક કરવા દઇને જીમ્મીને પાછળથી એટલો ટલ્લો માર્યો કે જીમ્મી ઉછળીને રોડની સાઇડમાં ફેંકાઇ ગયો અને જીપ ઘડીકની વારમાં અંધારામાં ઓગળી ગઇ. એ તો સારૂં હતું કે નીચે પથ્થર નહોતા એટલે તરત જ બેઠો થઇ ગયો. એક તથ્ય એણે પકડી પાડયુ તેના મનમાં ચમકારો થયો “અરે આ ડ્રાઈવરને તો પેલી લેબોરેટરીમાં જાયો હતો એ માણસ હતો…! એણે ઇન્સ્પેકટરને ફોન જાડયો. વહેલી સવારે કોનો ફોન ? ઇન્સ્પેકટરે ફોન ઉઠાવ્યો તો જીમ્મીએ બાતમી આપી કે એક જીપ અર્જુનભાઇને ગરનાળા પાસે ફેંકી ગઇ છે !! આઠ વાગ્યે અર્જુનને લઇને દત્તા, જીમ્મી અને ઇન્સ્પે. અજય તેના ઘરે મુકવા આવ્યા ત્યારે રાજેશ્વરીબા તેને ભેટીને નાના બાળકની જેમ પોક મૂકીને રડી પડયા. (ક્રમશઃ)