ગુજરાતમાં બે વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. કડી અને વિસાવદરમાં આ પેટા ચૂંટણી યોજાશે જેનો કાર્યક્રમ કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કરી દીધો છે. બંને સીટો પર ૧૯ જૂને મતદાન થશે અને ૨૩ જૂને મત ગણતરી હાથ ધરાશે. આ વચ્ચે વિસાવદર પેટા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી.
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે પસંદગી હાથ ધરવા ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આજે જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. પેટાચૂંટણી માટે દાવેદારોને સાંભળવા માટે મોહન કુંડારીયા, અમીબેન પારેખ અને ગૌતમ ગેડીયા હાજર રહ્યા હતા.
વિસાવદર પેટા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા દરમિયાન પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી અને હર્ષબ રિબડીયાએ પોતાની દાવેદારી નોંધાવી હતી. આ સિવાય ઘનશ્યામ સાવલિયા, વીરેન્દ્ર સાવલિયા, રામભાઈ સોજીત્રા અને રમણીક દુધાત્રા એમ છ લોકોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. નોંધનીય છે કે વિસાવદરમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જાવા મળશે.
ભાજપની સેન્સ પ્રક્રિયા અંગે વાત કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહન કુંડારીયાએ જણાવ્યુ કે તમામ દાવેદારોને અહીં સાંભળવામાં આવશે. ત્યારબાદ લિસ્ટ તૈયાર કરી પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડમાં મોકલવામાં આવશે. પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા ઉમેદવાર અંગે જાહેરાત કરાશે. તો ભુપત ભાયાણી અને હર્ષબ રિબડીયાએ જણાવ્યું કે ભાજપ તરફથી ગમે તે ઉમેદવારને ટિકિટ આપવામાં આવે, પરંતુ અમારો પ્રયાસ પાર્ટી આ સીટ જીતે તે માટે રહેશે.