વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે અમરેલી ખાતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના રાજકમલ ચોકથી કોલેજ સર્કલ સુધી રેલી યોજાઇ હતી. સાયકલ રેલીના કાર્યક્રમમાં ઉપસ્થિત આરોગ્ય મંત્રી નીમિષાબેન સુથારે ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાની પ્રતિમાને માલ્યાર્પણ કરી બાદમાં શહીદ સ્મારક અમર જવાન જ્યોતિએ પુષ્પાર્પણ કર્યું હતું. તેમણે અમર શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ તકે નેહરૂ યુવા કેન્દ્ર અમરેલીના ફિલ્ડ ઓફિસર જલ્પાબેન કણબી દ્વારા મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાયકલ રેલીને આરોગ્ય મંત્રી નીમિષાબેન સુથારના હસ્તે લીલીઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં મંત્રીએ પોતે આ રેલીમાં સાયકલિંગ કરી યુવાઓને ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું. કાર્યક્રમનું સંચાલન પ્રા. જે.એમ. તળાવિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે ભાવેશભાઇ સોઢા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.