વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ નિમિત્તે, અમરેલી જિલ્લામાં તા. ૨૨ મે થી તા. ૫ જૂન, ૨૦૨૫ સુધી “Ending Plastic Pollution Globally” થીમ હેઠળ વ્યાપક લોકજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સામાજિક વનીકરણ વિભાગ, અમરેલીના પ્રયાસોથી ગ્રામ્ય વિસ્તારોમાં પ્લાસ્ટિક વેસ્ટ એકઠો કરવાનું અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. બાબરા સામાજિક વનીકરણ રેન્જ દ્વારા સાવરકુંડલાના ફૂલવાડી હનુમાનજી મંદિર પરિસરમાં ‘પ્લાસ્ટિક ફ્રી કેમ્પસ ડ્રાઇવ’ અંતર્ગત પ્લાસ્ટિક કચરો એકત્ર કરીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા સામાજિક વનીકરણ રેન્જના વનવિભાગના કર્મયોગીઓ દ્વારા પણ પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન દ્વારા સ્વચ્છતા, પાણી બચાવવા અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી પર્યાવરણની જાળવણી કરવા અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.