મોટા સિટીમાં તલકચંદ નામે વાણિયો, પત્ની ગોદાવરી અને બે બાળકો આમ ચારનું કુટુંબ. પોતાની મોટા શહેરમાં કરિયાણાની નાની હાટડીએ એકલો સવારથી સાંજ સુધી વેપાર કરતો. બે અઢી હજારનો વકરો આવે. પોતે ભણ્યો- ગણ્યો, વેપારની સૂઝવાળો ખરો. થોડી મુડીમાં દુકાન ચલાવતાં ઘરનું ગુજરાન માંડ ચાલે. પત્નીનું જીવન આધ્યાત્મિક, ભજનમંડળમાં હરિ-કીર્તન, ધૂન-ભજનમાં મશગૂલ. પ્રભુ ભક્તિમાં માનસ ઘણું.
ભગવાનને કરવું છે તે કર્મ આડેથી પાદડું ખસી ગયું અને મજૂર લોકોની ઘરાકી ઉત્તરોત્તર વધવા લાગી. તલકચંદ આમ નીતિ પ્રમાણિકતાથી વેપાર ધંધો કરે, કોઇને હલકો કે ઓછો માલ આપે નહીં, વાજબી ભાવે થોડો નફો બ્હોળો વેપાર વધવા લાગ્યો. દુકાને સતત બેસવાનું ફળ તલકચંદને ફળ્યું. તેના વિશ્વાસે ચીજ-વસ્તુ ખરીદનારાઓનો ધસારો વધવા લાગ્યો. હોલસેલની મોટી પેઢીમાંથી વેપારજાગ રોકડેથી માલ લઇ આવે. અઠવાડિયે વેચાતો માલ ચાર-પાંચ દિવસમાં જ વેચાવા લાગ્યો. વેપાર વધતા આવક વધી. આ તેમની પ્રમાણિકતા બતાવે છે.
તેમના જ જ્ઞાતિભાઇએ મોટી દુકાન ખરીદવા સૂચન કર્યુ. સિટીના મધ્યભાગમાં એક ૨૦’ટ૧૫’ ની દુકાનના માલિકને મુંબઇ જવાનું થયું અને તેણે તે દુકાન વેચવાનું બહાર પાડયું. માત્ર રૂ.૧૦ લાખની કિંમતે વેચવાનો આગ્રહ રાખ્યો. તલકચંદને તે દુકાન ખરીદવાની ઈચ્છા થઈ. તલકચંદે તે દુકાન ખરીદવા દરખાસ્ત મૂકી. પોતાની જ જ્ઞાતિના તલકચંદ હોવાના નાતે રૂ.૯ લાખ નક્કી કર્યા. હવે તલકચંદ પાસે પ લાખ હતાં અને ૪ લાખની બેંકમાંથી લોન લઇ દુકાન રોકડેથી ખરીદી લીધી.
પોતાના જ્ઞાતિ બંધુઓએ અન્ય પેઢીમાંથી જથ્થાબંધ માલ ઉધાર લાવી આપી તલકચંદને પ્રોત્સાહિત કર્યો. દુકાનમાં માલનો સ્ટોક ભરી દીધો. ‘સહકાર મોલ’ ના નામે દુકાનમાં વેપાર શરૂ કર્યો. ‘વિના સહકાર નહિ ઉધ્ધાર’ મોકળે મને વેપારમાં સાહસ કર્યુ. હવે મોટા વ્યવહાર માટે વહીવટદારની જરૂર પડી. દુકાનમાં ચાર વાણોતર રાખ્યા, પોતે દુકાને બેસે અને ચોખ્ખો હિસાબ રાખતા નાગર જ્ઞાતિનાં શાંતિલાલને મુનીમજી રાખ્યા. વાણિયા અને નાગરજ્ઞાતિમાં નીતિ પ્રમાણિકતા વારસાગત હોય છે. માટે વિશ્વાસુ શાંતિલાલને રાખ્યા. તેણે દુકાન તથા ઘરનો વહીવટ સંભાળ્યો.(ક્રમશઃ)