ભાગ – ૨
વહી ગયેલી વાત….
(શીલા ઓફિસથી આવતી હોય છે ત્યારે સોસાયટીનો મિતેશ એને રોકે છે અને એને પ્રેમ કરતો હોવાનો એકરાર કરે છે. શીલા એને ના પાડે છે. શીલા એક વિધવા સ્ત્રી છે. એના બે બાળકો, સાસુ સસરા અને દિયર વિજય સાથે રહે છે. એના દીકરાને વાલ્વની બિમારી હોય છે અને એના ઓપરેશન માટે એણે પૈસા ભેગા કરવાના હોય છે. એ દિવસ શીલા ઘરમાંથી તમામ ઘરેણા અને રોકડ લઈને ગાયબ થઈ જાય છે. ઘરવાળા પોલીસ કેસ કરે છે. પોલીસ તપાસમાં બધા એમ જ કહે છે કે શીલા ખુબ જ સીધી મહિલા હતી. પોલીસ અવઢવમાં પડે છે. હવે આગળ….)
***
શીલા એટલે સતિ સાવિત્રીનો બીજા અવતાર એવા અભિપ્રાયો પર ઈન્સપેક્ટર ઝાલાને તો વિશ્વાસ આવી ગયો હતો પણ કો. રાઠોડનો અભિપ્રાય કંઈક જુદો હતો. એનું કહેવું હતું કે, ‘સાહેબ, ઘણીવાર વ્યક્તિ બહારથી જેવી દેખાતી હોય એવી હોતી નથી. મન પલટાઈ ગયુ હોય અને દુઃખોથી છુટકારો મેળવવા માટે કોઈક મુરઘો શોધી લીધો હોય એવું પણ બને.’
વાત ચાલતી હતી ત્યાં એક લબરમૂંછીયો છોકરો પોલીસ સ્ટેશનમાં પ્રવેશ્યો, ‘સાહેબ, મારે શીલા વિશે એક ઈન્ફરમેશન આપવી છે.’
ઈ. ઝાલાએ એને બેસાડ્યો, ‘બોલ?’
‘સાહેબ, મારુ નામ અજય છે. હું મલ્હાર સોસાયટીમાં ભાડે રહું છું. મારી સાથે એક મિતેશ નામનો છોકરો પણ હતો. અમે બંને અન્જિનિયરિંગ કરીએ છીએ. સાહેબ, મિતેશ શીલાને ખુબ પ્રેમ કરતો હતો. થોડા દિવસો પહેલા મિતેશ મારો રૂમ છોડીને ક્યાંક ચાલ્યો ગયો છે. શીલાભાભી ગાયબ થયા એના એકાદ મહિના પહેલાથી એ દેખાતો નથી. કોલેજમાં પણ નથી આવતો. શીલાભાભી ગાયબ થયા એ જાણ્યુ ત્યારથી મને શક હતો. પણ ડર લાગતો કે કોઈ વિધવા વિશે આવી વાત..’ એ અટકી ગયો..
ઈ. ઝાલા ખુશ થઈ ગયા, ‘થેંક યુ બેટા ! હવે તારી પાસે મિતેશનો મોબાઈલ નંબર હોય તો મને આપ.’
‘છે સર, પણ થોડા દિવસથી એનો મોબાઈલ પણ સ્વીચ ઓફ છે. એ ગયો પછી ત્રણેક વખત વાત થઈ હતી. પણ શીલાભાભી ગાયબ થયા એ પછી મેં ટ્રાય કરી તો સ્વીચ ઓફ બતાવે છે.’
‘સ્વીચ ઓફની ચિંતા ના કર. તું નંબર આપ અને ક્યારેય પણ ફોન આવે તો તરત અમને જાણ કરજે.’
અજયે મિતેશનો મોબાઈલ નંબર આપ્યો અને વિદાય થયો.
***
મિતેશની કોલેજમાંથી એનું એડ્રેસ મળી ગયુ. એ મહેસાણાના એક ગામનો વતની હતો. એના ગામમાં છૂપી રીતે તપાસ કરવામાં આવી. મિતેશ ત્યાં નહોતો અને એના મમ્મી પપ્પાને એના ગાયબ થવા વિશે જરા પણ જાણ નહોતી. એ પછી એના મોબાઈલ ટાવરનું લોકેશન મેળવવામાં આવ્યુ. ફોન સ્વીચ ઓફ હતો પણ લોકશન મેચ થઈ ગયુ. અત્યારે એ મોબાઈલ ચાંગોદરથી ત્રણેક કિલોમીટર દૂરનું લોકેશન બતાવતું હતું. ઈ. ઝાલા અને એમની ટુકડી તપાસમાં લાગી ગઈ અને આખરે એમણે મિતેશને પકડી પાડ્યો. સાથે શીલા પણ હતી.
એક ઉજ્જડ પડેલા ખેતરમાં, એક વડના ઝાડની નીચે એક જુની-પુરાણી હનુમાન દાદાની દેરી પાસે બંને મોજુદ હતા. ઈ. ઝાલા ત્યાં પહોંચ્યા છતાં પણ એ એમના એમજ પડ્યા રહ્યાં. નિર્જીવ અને નિશ્ચેષ્ઠ,
દેરીની પાસે શીલાની લાશ પડી હતી અને એનાથી પાંચેક ફુટ દૂર મિતેશની. બંનેના પેટને કોઈ ધારદાર હથિયારથી ચારણી કરી દેવાયા હતા. ક્યારેય પાણી પણ માંડ નસીબ થતું હતું એવી ધરતી ઢગલાબંધ ધગધગતું લોહી પીને ચતિપાટ પડી હતી. કેસ એક અજીબો ગરીબ કરવટ લઈને ઉભો હતો. અનેક પ્રશ્નોના વંટોળમાં અટવાયેલા ઈ. ઝાલા આશ્ચર્યચકિત થઈને ઉભા હતા. આસપાસનું બધું ચક્કર ચક્કર ફરી રહ્યુ હતું.
શીલા અને મિતેશનું કતલ બહું જ વિકૃત રીતે થયું હતું. ઈન્સપેક્ટર ઘેલાણી જેવા બાહોશ માણસને પણ આંખે અંધારા આવતા હોય એમ એમણે બે ઘડી આંખો મીંચી દીધી હતી. પણ એ જ આંખો મીંચી રાખે તો ગુનેગાર ગુમ થઈ જાય. લાગણી, દયા અને માયા બધું જ પાંપણના એક જ ઝબકારે ખંખેરી દઈને એ કામે લાગી ગયા.
કંટ્રોલરૂમને જાણ થઈ ગઈ હતી. થોડી જ વારમાં લાશને લઈ જવા માટે એમ્બ્યુલેન્સ પણ આવી ગઈ અને ફોરેન્સીક લેબની ટીમ પણ આવી ગઈ. ટીમ એમના સાધનો વડે છાનબીન કરી રહી હતી અને ઈ. ઝાલા એમની તર્કશÂક્ત વડે. ફોરેન્સીક લેબની ટીમે અભિપ્રાય આપ્યો કે અહીં ત્રણ ચાર બાઈક ચોકક્સ આવ્યા છે. તપાસમાં ઘરેણા કે રોકડ કશું જ ના મળ્યુ. મિતેશના ખિસ્સામાંથી એનો મોબાઈલ મળ્યો. જે બેટરી લો થઈ જવાને કારણે બંદ થઈ ગયો હતો. ઈ. ઝાલાએ નજરના રોલરને દૂર સુધી ફેરવ્યુ. ખેતરો ઉજ્જડ હતા. ઘણા સમયથી કંઈ પાક લેવાયો હોય એવું લાગતું નહોતું. બંનેના પરિવારને જાણ કરી દેવામાં આવી. મિતેશના પરિવારમાં તો એના મોતના સમાચાર જાણી ભૂકંપ મચી ગયો. પણ શીલાના પરિવારમાં કોઈને ઝાઝો ફર્ક નહોતો પડ્યો. સમાચાર સાંભળતા જ એના સસરાએ પ્રતિભાવ આપ્યો કે, ‘છીનાળને એના પાપની સજા મળી. મુઈ મરી ગઈ તો……’
ઈ. ઝાલાને આ ગમ્યુ નહોતું પણ એ ચૂપ હતા. તેમને યાદ હતું કે શીલા એના છોકરાના ઓપરેશન માટે મહેનત કરી રહી હતી. હવે એ ન રહી, ઓપરેશન થશે નહીં અને છોકરો પણ મરી જશે. એમણે મનોમન ગાંઠ વાળી કે ગમે તેમ કરીને ગુનેગારને પકડી પાડવો અને ઓપરેશનના બધા જ પૈસા એની પાસેથી વસુલ કરવા.
***
બીજા દિવસે સવારે ઈ.ઝાલા અને કો. રાઠોડ છાનબીન માટે નીકળી પડ્યા હતા. કો. રાઠોડનો તર્ક હતો કે શીલા મિતેશ સાથે ભાગી ગઈ હશે રસ્તામાં લુંટારુઓએ એમને લૂંટી લીધા હશે. ઈ. ઝાલા એ તર્ક માનવા તૈયાર નહોતા. તેમણે કહ્યુ ‘મારુ એ જ કહેવું છે. શીલા અને મિતેશ જા ભાગી ગયા હોય તો આવી અવાવરૂ જગ્યાએ અને એ પણ અમદાવાદથી આટલે બધે નજીક તો ના જ આવે. વાત કંઈક બીજી જ બની છે….’
ગાડી હાઈવે પર આવીને ઉભી રહી. જે જગ્યાએ હત્યા થઈ હતી એ જગ્યા અહીંથી ત્રણ કિલોમીટર અંદર હતી. બહાર હાઈવે ટચ એક હોટેલ હતી, એક પંચરની દુકાન હતી અને એક ગલ્લો હતો. ઈ. ઝાલાએ હોટેલવાળાની પૂછપરછ કરી. તેણે કહ્યુ, ‘ચાર લોકોને અંદર જતા જાયા હતા. એક બાઈક પર એક સ્ત્રી અને પુરુષ હતા અને બીજી બાઈક પર બે પુરુષો. અંદર કોઈની અવર જવર નથી એ જાણતો હતો એટલે મેં એમને બુમ મારીને ઉભા રાખ્યા અને પુછ્યુ કે, અંદર શું કામ જાઓ છો? પુરુષે કહ્યુ કે, આ ખેતરો એના બાપ – દાદાના વખતના છે. અંદર એક હનુમાન દાદાની દેરી છે ત્યાં બાધા કરવાની છે. જમીન વેચાઈ ગઈ છે પણ બાધા કરવી જરૂરી છે. ભગવાનનું કામ હોય અને આપણે રોકીએ તો પાપ લાગે. એટલે મેં એમને જવા દીધા. એ બધા અંદર વળ્યા પછી તરત જ એક બીજા પુરુષ પણ આવ્યો અને એમની પાછળ પાછળ અંદર ગયો.’
ઈ. ઝાલા અંચંબામાં હતા, એમણે પૂછ્યુ, ‘તમે એ બધાને ઓળખી શકો ખરા?’
‘પહેલા જે ચાર લોકો આવ્યા હતા એ બધાએ મોંએ રૂમાલ બાંધેલા હતા એટલે ના ઓળખી શકું. પણ પાછળથી જે પુરુષ ગયો એ ખુલ્લા મોએ હતો. એને જરૂર ઓળખી શકું.’ આટલી વાત તો ઈ. ઝાલા માટે પુરતી હતી. હવે બસ એમના હાથ હતા અને ગુનેગારનું ગળું. ક્રમશઃ