વિશ્વામિત્રી નદી વધુ એક વખત જીવલેણ બની છે. જેમાં મગરે એક અજાણી મહિલાનો શિકાર કરતા ચકચાર મચી છે. આ બનાવને પગલે લોકોમાં ફફડાટ ફેલાયો છે. જેમાં કાલાઘોડા વિશ્વામિત્રી બ્રિજ પાસે મહિલાને મગર મોંમાં ખેંચીને લઇ જતાં સ્થાનિક લોકો જાઈ જતા ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાંની સાથે જ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પાણીમાં રહેલા મહિલાના મૃતદેહને બહાર કાઢવામાં ફાયરની રેસ્ક્યૂ ટીમને પણ પરસેવો વળી ગયો હતો. કારણ કે, મહિલાના મૃતદેહની આસપાસ ચારથી પાંચ મગરો આટા મારી રહ્યા હતા.ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આ બનાવ અંગે ૧૪ ઓક્ટોબરની સવારે ૮ઃ૦૦ વાગ્યે કંટ્રોલ એન્ડ કમાન ખાતે કોલ મળ્યો હતો.
શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજ ખાતે એક મહિલાને મગર ખેંચીને લઈ જતો હોવાની વાત કરતા જ દાંડિયા બજાર ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કાલાઘોડા બ્રિજથી ૧૦૦ મીટર દૂર ઘટના બની હતી. ફાયર વિભાગે અડધો કલાકની ભારે જહેમત બાદ મગરના મોમાંથી મહિલાને છોડાવી હતી અને પોલીસને જાણ કરી હતી. બાદમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.રેસ્ક્યૂની કામગીરી કરવા ગયેલા ફાયરમેન મનોજ સીતાપરાએ જણાવ્યું હતું કે, ફાયર વિભાગને કોલ મળતા તાત્કાલિક અમે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
ઘટનાસ્થળે લોકો એકઠા થયા હોવાથી મગર મહિલાની બોડીને લઈને અંદર જતો રહ્યો હતો. આસપાસ બીજા પણ મગર હતા. અડધો કલાકની ભારે જહેમત બાદ મગર પાસેથી મહિલાને છોડાવી હતી અને મૃતદેને બહાર કાઢ્યો હતો. મહિલાની આશરે ઉંમર ૪૫થી ૫૦ વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે અમે પોલીસને જાણ કરી હતી. મગર શેડયૂલ-૧નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે, ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી ૬૦થી ૭૦ ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતાં તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયાં કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજાગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી ચાર લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે.