(૧) પાડોશી અને પા ડોશીમાં શું તફાવત ?
ડાહ્યાભાઈ આદ્ગોજા (લીલિયા મોટા)
ડોસીમા અને ડા. સીમા જેટલો.
(૨) હાસ્ય ક્ષેત્રે દવે અટકધારીઓનો ઈજારો શા માટે પ્રવર્તે છે?
યોગેશભાઈ આર જોશી હાલોલઃજિ.પંચમહાલ)
બીજું કોઈ દવે પણ લખે છે?!
(૩) “હિરો ઘોઘે જઈ આવ્યો અને ડેલે હાથ દઈ આવ્યો”આ ડેલો હતો કોનો?
હરિભાઈ ધોરાજિયા (લીલીયા મોટા)
બધા વાતો કરે છે કે ડેલો માવજીઆતાનો હતો. માવજીઆતા એમ પૂછે છે કે હીરો કોણ હતો?
(૪) વેકેશનમાં શું ન કરવું?
નીરવ ડણાંક (અમરેલી)
ચિંતા.
(૫) પાપનો ઘડો મોભારે જ કેમ ફૂટે? બીજે ક્યાંય કેમ નહીં?
મહેન્દ્ર મકવાણા (કરજણ)
પાપ કર્યા હોય એને ખબર!
(૬) સલાહ દેવાય કે લેવાય ?
હાફીઝ રિયાઝ સેલોત (રાજુલા)
આ બાબતમાં હું તમને કોઈ સલાહ દેવા માગતો નથી.
(૭) કાળા રંગનો બલ્બ કેમ નથી મળતો ?
જીગર આહીર (દાત્રાણા- પાટણ)
દરેક બલ્બ બે રંગના જ હોય છે. ચાલુ કરો એટલે સફેદ રંગ બતાવે અને બંધ કરો એટલે કાળો રંગ બતાવે. પણ દિવસે અજવાળાને લીધે અને રાતે અંધારાને લીધે કાળો રંગ દેખાય નહી.
(૮) મારે આધારકાર્ડ અપડેટ કરાવવાનો બિઝનેસ કરવો છે તો શું કરવું?
પહેલા તમારું પોતાનું આધારકાર્ડ અપડેટ કરાવો.
(૯) લગ્નમાં ફુલેકું કેમ કાઢવામાં આવે છે?
નિધિ પાંડોર (બાયડ)
પગ મોકળા કરવા.
(૧૦) વિશ્વશાંતિ ક્યારે આવશે ?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
શાંતિ પંદરેક દિવસ પછી આવવાની છે એવો એનો મેસેજ હતો. વિશ્વ આ વખતે નથી આવવાનો.
(૧૧) ભારતમાંથી સિંધુ નદીનું પાણી પાકિસ્તાનમાં જવા માટે કેમ બંધ કરાયું?
કટારિયા અમિત હિંમતભાઈ (કીડી)
પાકિસ્તાનનું પાણી ઉતારવા.
(૧૨) સાહેબ..! જમ્મુ અને કાશ્મીર હુમલાની તપાસ તમને સોપાય તો તમે શું કરશો..?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
તમે ગભરાતા નહી, હું તમારું નામ નહી આપું.
(૧૩) આપને સૌથી વધુ શાનો સંગ્રહ કરવો ગમે?
કનુભાઈ લિંબાસિયા ‘કનવર’ (ચિત્તલ)
યાદોનો.
(૧૪) મારો એક મિત્ર ઉનાળામાં બેકરીની નોકરી છોડીને બરફની ફેક્ટરીમાં કામ શોધે છે ! ક્યાંય જગ્યા હોય તો કહેજો.
કનુભાઈ પરમાર (દામનગર)
એ મિત્ર શિયાળામાં પાછા બેકરી ભેગા થઈ જાય. લગ્ને લગ્ને કુંવારા લાલનો ભરોસો કેમ કરવો?!
(૧૫) હજી તમે ગરિયો જાળીથી રમો છો ?
રાજુ એન. જોષી ધરાઈ(બાલમુકુંદ)
ના, મોટા થયા પછી આપણે પોતે જ ઘૂમડીએ ચડી જઈએ છીએ.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..