દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે ૨૦૨૬થી ઓપ્ટિમસ હ્યુમનોઈડ રોબોટ્સનું ઉત્પાદન શરૂ કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો એ સાથે જ આ મુદ્દો ફરી ચર્ચામાં છે. મસ્કે એલાન કર્યું છે કે, તેનું ટાર્ગેટ વાર્ષિક ૧૦ લાખ હ્યુમનોઈડ રોબોટ્સનું ઉત્પાદન કરવાનું છે. મસ્કે પોતાના હ્યુમનોઈટ રોબોટનું નામ ‘ઓપ્ટિમસ’ રાખ્યું છે. મસ્કની કંપની ટેસ્લા અત્યારે અમેરિકામાં ઈલેક્ટ્રિકલ કારના ઉત્પાદનમાં નંબર વન છે પણ મસ્ક હવે હ્યુમનોઈડ રોબોટ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. મસ્કનો દાવો છે કે, રોબોટ્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દુનિયાનું ભવિષ્ય છે તેમાં કોઈ શંકા નથી તેથી ટેસ્લાનું વિઝન સ્વચ્છ ઊર્જા અને સેલ્ફ-ડ્રાઈવિંગ કારથી આગળ વધીને હ્યુમનોઈડ રોબોટ બનાવવાનું છે.
મસ્કે ઓપ્ટિમસ નામ જાપાની કંપનીએ સર્જેલા ટ્રાન્સફોર્મર્સ સીરિઝ પરથી લીધું છે. ૧૯૮૪માં સૌથી પહેલાં ટ્રાન્સફોર્મર્સ રમકડાં બજારમાં મૂકાયેલાં. તેને જબરદસ્ત સફળતા મળતાં તેના પરથી કાર્ટૂન સીરિઝ બની, એનિમેટેડ ફિલ્મો બની ને મૂવી પણ બની. કોમિક પુસ્તકો, વીડિયો ગેમ્સ પણ બની છે.
જાપાની-અમેરિકન મીડિયા ફ્રેન્ચાઇઝ ટ્રાન્સફોર્મર્સની માલિકી અમેરિકન ટોય કંપની હાસ્બ્રો અને જાપાની ટોય કંપની ટાકારા ટોમીની છે. આ સીરિઝમાં હીરો ઓટોબોટ્સ છે અને ખલનાયક ડિસેપ્ટિકોન્સ છે, બંને વચ્ચેના યુદ્ધમાં બંનેના સૈનિકો વાહનો અને પ્રાણીઓમાં ફેરવાય છે. આ સીરિઝમાં ઓપ્ટિમસ પ્રાઈમ નામે પાત્ર છે ને મસ્કે તેના પરથી ઓપ્ટિમસ રોબોટ બનાવી દીધો છે.
/////////////////
ઓપ્ટિમસ શું છે ?
ઓપ્ટિમસ એક પ્રકારના રોબોટ છે કે જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (છૈં)થી ચાલે છે. મસ્ક ઓપ્ટિમસ કેવી રીતે કામ કરશે અને કેવા હશે એ વિશે સમયાંતરે વિગતો બહાર પાડ્યા કરે છે. મસ્કે પોતે કહ્યું છે કે, ઓપ્ટિમસ રોબોટ્સ માણસની જેમ દેખાય એવા બનાવાય છે અને માણસની જેમ ચાલવા અને વિચારવા ડિઝાઈન કરાયા છે. તેમની બોડીમાં એઆઈ વિઝન સિસ્ટમ અને ન્યુરલ નેટવર્ક્સ લાગેલા હશે તેથી માણસો જેવી મુવમેન્ટ કરી શકશે અને માણસો જેવા નિર્ણયો લેવા સક્ષમ હશે.
મસ્કના દાવા પ્રમાણે, ઓપ્ટિમસ અત્યાર સુધી બનેલા રોબોટ્સમાં મોટી અને સફળ પ્રોડક્ટ હશે. આ રોબોટ્સ માનવી કરતા પાંચ ગણી વધુ ક્ષમતાથી કામ કરશે. ટેસ્લાના ઓપ્ટિમસ રોબોટ્સ દેખાવમાં અને કામ કરવામાં લગભગ માણસ જેવા જ હશે અને એ વારંવાર કરવા પડે અથવા માણસ માટે શારીરિક રીતે પડકારરૂપ હોય તેવા કામ કરી શકશે. રોબોટ્સ ઉત્પાદન અને લોજિસ્ટિક્સથી લઇને હેલ્થકેર અને ઘરેલુ કામમાં મદદ પણ કરશે. આ રોબોટ્સના લીધે એક એવી દુનિયા સર્જાશે જેમાં ગરીબી નહિ હોય અને દરેક વ્યક્તિ શ્રેષ્ઠ તબીબી સારવાર મેળવી શકશે.
આ રોબોટ્સ અસાધારણ સર્જન પણ કરી શકશે. આ રોબોટ્સ ડાક્ટરની જેમ સર્જરી કરવા સક્ષમ હશે. આ રોબોટ્સને શરૂઆતમાં ટેસ્લાની ફેક્ટરીઓમાં કામે લગાવાશે અને સંતોષકારક પરફોર્મન્સ લાગે તો બજારમાં તેને લોન્ચ પણ કરાશે. મસ્કનું માનવું છે કે, ઓપ્ટિમસ બજારમાં ધૂમ મચાવી દેશે.
/////////////////
‘ઓપ્ટિમસ’નો ઈતિહાસ શું છે?
ટેસ્લા બોટ તરીકે પણ ઓળખાતા ‘ઓપ્ટિમસ’નો વિચાર મસ્કના મગજમાં બહુ પહેલાં આવી ગયેલો. મસ્કની કંપની ટેસ્લા ઇન્કોર્પોરેશન દ્વારા સામાન્ય કામો માટે વિકસાવાયેલા રોબોટિક હ્યુમનોઇડની જાહેરાત ૧૯ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ કંપનીના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ડે પ્રોગ્રામમાં કરવામાં આવી હતી. ટેસ્લાના સીઇઓ એલોન મસ્કે ૨૦૨૨માં કહેલું કે, પોતે માને છે કે ‘ઓપ્ટિમસ’ ભવિષ્યમાં ટેસ્લાના વાહનોના બિઝનેસને આંબી જશે અને કોઈએ કલ્પના ના કરી હોય એવો જબરદસ્ત બિઝનેસ બનવાની ક્ષમતા ધરાવે છે. ટેસ્લા ગીગા ટેક્સાસ પ્લાન્ટમાં ૭ એપ્રિલ, ૨૦૨૨ના રોજ સાયબર રોડીયો ઇવેન્ટ યોજાઈ હતી. એ વખતે ૨૦૨૨માં તેનો પ્રોટોટાઇપ એટલે કે પહેલો નમૂનો આખી દુનિયાને બતાવવામાં આવ્યો હતો. એ વખતે મસ્કે કહ્યું કે તેમને આશા છે કે ૨૦૨૩ સુધીમાં રોબોટ ઉત્પાદન શરૂ થઈ જશે અને માણસોને જે કામ કરવાં નથી ગમતાં એ બધાં કામ ઓપ્ટિમસ કરી શકશે. મસ્કે જૂન ૨૦૨૨માં કહેલું કે, ઓપ્ટિમસ સાયબર રોડીયો ઈવેન્ટ દરમિયાન બતાવાયેલા પ્રોટોટાઈપ જેવો બિલકુલ નહીં હોય પણ તેનાથી એકદમ અલગ હશે. સપ્ટેમ્બર ૨૦૨૨ માં, ટેસ્લાના બીજા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દિવસે ઓપ્ટિમસના સેમી-ફંક્શનલ પ્રોટોટાઇપ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ પૈકી એક રોબોટ સ્ટેજ પર ચાલવા સક્ષમ હતો. બીજો રોબોટ તેના હાથને હલાવી શકતો હતો. સપ્ટેમ્બર ૨૦૨૩માં, ટેસ્લાએ ઓપ્ટિમસનો નવો વીડિયો રજૂ કર્યો તેમાં રોબોટને અલગ અલગ કામો કરતા બતાવાયા હતા. એ પછી ટેસ્લાએ જનરેશન ૨ અને જનરેશન ૩ રોબોટના વીડિયો બહાર પાડ્યા છે કે જેમાં રોબોટ માણસો કરી શકે એવા તમામ કામો કરી શકે છે.
હવે મસ્કે ૨૦૨૬ સુધીમાં ઉત્પાદન શરૂ
આભાર – નિહારીકા રવિયા કરવાની જાહેરાત કરી નાખી છે.
/////////////////
ઓપ્ટિમસ ગરીબી ઘટાડશે ? મસ્કનો દાવો છે કે, માણસ જેવા જ ઓપ્ટિમસ હ્યુમનોઈડ રોબોટ દુનિયાનું ભવિષ્ય છે અને આ ઓપ્ટિમસ હ્યુમનોઈડ રોબોટ માણસ પરથી કામનો બોજ જ નહીં ઘટાડે પણ દુનિયામાંથી ગરીબી નાબૂદ કરવામાં પણ મદદ કરશે. ઓપ્ટિમસ હ્યુમનોઈડ રોબોટ કઈ રીતે ગરીબી દૂર કરશે એ વિશે મસ્કે કોઈ સ્પષ્ટતા કરી નથી. વારંવાર સવાલ પૂછાવા છતાં હ્યુમનોઈડ રોબોટ્સથી ગરીબી કેવી રીતે નાબૂદ થશે તે સમજાવવામાં મસ્ક નિષ્ફળ ગયા તેના કારણે અત્યારે તો એવો ભય વ્યક્ત કરાઈ રહ્યો છે કે, ઓપ્ટિમસ રોજગારી છિનવી લેશે અને લોકોને વધારે ગરીબ બનાવશે. લોકો પાસે કરવાતાં કામ રોબોટ પાસે કરાવાશે તેથી લોકોને રોજગારી મળતી બંધ થઈ જશે એવો ભય રોબોટ આવ્યા ત્યારથી સેવાય છે પણ આ ભય સાચો પડ્યો નથી કેમ કે રોબોટ વ્યાપક બન્યા નથી. જાપાન કે જર્મની જેવા ઉદ્યોગપ્રધાન દેશોમાં ફેક્ટરીઓમાં રોબોટ કામ કરે છે પણ એ સિવાય દુનિયામાં બીજે ક્યાંય રોબોટ્સનો એવો પ્રભાવ નથી પણ ઓપ્ટિમસને કારણે એ પ્રભાવ ઉભો થઈ શકે છે કેમ કે ઓપ્ટિમસ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ને આધારે કામ કરે છે. ઓપ્ટિમસ રોજગારીને ખાઈ જવા સક્ષમ રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નું મિશ્રણ છે તેથી ખતરનાક સાબિત થઈ શકે છે. એઆઈ એવો રાક્ષસ છે કે જેને ભવિષ્યમાં નાથવો મુશ્કેલ થઈ જવાનો છે. એઆઈ અત્યારે પ્રારંભિક તબક્કામાં છે પણ ભવિષ્યમાં ઘણી નોકરીઓ ખાઈ જશે અને ઘણાં કામો કરવા માટે માણસોની જરૂર જ નહીં પડે. ઓપ્ટિમસ તો એઆઈનું ભેજું ધરાવતો રોબોટ છે તેથી મજૂરોની જરૂર પણ ના રહે એવી સ્થિતી પેદા કરી શકે.
/////////////////
ભવિષ્યમાં રોબોટિક સૈનિકો પણ આવી શકે છે.
દુનિયાના વિકસિત દેશો એઆઈને ઓપન પ્લેટફોર્મ બનાવી દેવાની તરફેણ કરે છે. તેના કારણે કોઈ પણ દેશની સીક્યુરિટી પર ખતરો ઉભો થવા સહિતની સમસ્યાઓ ઉભી થાય. એઆઈનો અત્યારે ઉપયોગ નાનાં નાનાં કામો કરવા થાય છે પણ ભવિષ્યમાં જાસૂસી, હેકિંગ વગેરે માટે પણ થઈ શકે. ચીન, અમેરિકા સહિતના દુનિયાના મોટા દેશો દુનિયાની દરેક ટેકનોલોજીનો ઉપયોગ પોતાનો સ્વાર્થ સાધવા માટે અને દુનિયા પર પોતાનું વર્ચસ્વ જમાવવા માટે કરે છે એ કોઈનાથી છૂપું નથી. અત્યારે પણ અમેરિકા, ચીન, રશિયા સહિતના દેશો દ્વારા હેકિંગની પ્રવૃત્તિ મોટાપાયે ચાલે જ છે. બીજા દેશોની સિસ્ટમમાં ઘૂસીને દેશના તંત્રને ઠપ્પ કરી દેવાના કે રહસ્યો ચોરી લેવાના ઉધામા થાય જ છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ની એન્ટ્રીથી એ કામ સરળ બનશે. કોઈ પણ દેશનો સંવેદનશીલ ડેટા ચોરી લઈને તેનો ઉપયોગ વિનાશક અને વિધ્વંશક પ્રવૃત્તિઓ માટે કરી જ શકાય એ એ જોતાં તેને રોકવા માટે શું કરવું તેની ચિંતા કરવી જરૂરી છે. આતંકવાદીઓ કે દુશ્મન દેશો એઆઈનો ઉપયોગ કરીને કોઈ દેશની સુરક્ષાને નુકસાન કરી શકે છે. મસ્ક વેપારી માણસ છે તેથી નફો મળતો હોય તો ભવિષ્યમાં ઓપ્ટિમસ સોલ્જર પણ બનાવવા માડે અને એ ખતરનાક સાબિત થાય.










































