વિશ્વમાં કોરોના વાયરસનાં ઓમિક્રોન વેરિઅન્ટનો ખતરો સતત વધી રહ્યો છે. દરમિયાન, વિશ્વમાં કોરોના વાયરસનાં કેસ વધીને ૨૬.૯ કરોડ થઈ ગયા છે. વળી, મહામારીની પકડમાં ૫૨.૯ લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે ૮.૩૭ અબજથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ દ્વારા જોહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હાલમાં કોરોનાનાં વૈશ્વિકક કેસ ૨૬૯,૧૧૦,૧૮૫ પર પહોંચી ગયા છે. વળી, મૃત્યુઆંક વધીને ૫,૨૯૪,૯૩૩ થઈ ગયો છે અને રસીકરણની સંખ્યા ૮,૩૭૨,૬૬૪,૮૮૧ થઈ ગઈ છે. વિશ્વમાં સૌથી વધુ કેસ અને મૃત્યુ સાથે યુએસ સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭,૯૯૨ નવા કેસ નોંધાયા છે અને ૯,૨૬૫ લોકો આ મહામારીમાંથી સાજો થયા છે. આ સાથે, દેશમાં સક્રિય કેસ હવે કુલ કેસનાં ૧% કરતા ઓછા છે, જે હાલમાં ૦.૨૭% છે અને માર્ચ ૨૦૨૦ પછીનાં સૌથી ઓછા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૯૩ લોકોનાં મોત સાથે દેશમાં આ મહામારીનાં કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૪,૭૫,૧૨૮ થઈ ગઈ છે. મંત્રાલયે તેના દૈનિક અપડેટમાં જણાવ્યું હતું કે, ભારતનો સક્રિય કેસલોડ હાલમાં ૯૩,૨૭૭ છે, જે ૫૫૯ દિવસમાં સૌથી ઓછો છે. છેલ્લા ૨૪ કલાકમાં, ૯,૨૬૫ દર્દીઓ સંક્રમણમાંથી ઠીક થયા છે, જેનાથી કુલ ઠીક થયેલા દર્દીઓની સંખ્યા ૩,૪૧,૧૪,૩૩૧ થઈ ગઈ છે. દૈનિક પોઝિટિવિટી રેટ પણ ઘટીને ૦.૬૪% પર આવી ગયો છે, જે છેલ્લા ૬૮ દિવસથી ૨% કરતા ઓછો છે.દેશમાં શુક્રવારે ૮,૫૦૩ નવા કેસ નોંધાયા હતા, જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા કેસ તેના કરતા સહેજ ઓછા છે. એક દિવસ પહેલા, નવા સંક્રમિતોની સંખ્યા ૯,૪૧૯ હતી. દરમિયાન, ભારતનું રસીકરણ કવરેજ લગભગ ૧૩૨ કરોડ
સુધી પહોંચી ગયું છે.