કોરોના મહામારી હજુ પણ સમગ્ર વિશ્વમાં પોતાનો કહેર વરસાવી રહી છે. જો તમે વિચારી રહ્યા છો કે આ મહામારી આપણા જીવનથી દૂર થઇ ગઇ છે તો તમે ખોટુ વિચારી રહ્યા છો. ચીનનાં વુહાન શહેરમાંથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલી આ મહામારીએ એકવાર ફરી ચીનને મુસિબતમાં નાખવાનું કામ કર્યુ છે.
આપને જણાવી દઇએ કે, કોરોનાનાં વધતા જતા કેસો વચ્ચે ચીની અધિકારીઓએ કહ્યું છે કે તેઓ કોવિડ ઝીરો અભિગમ પર કામ કરી રહ્યા છે અને તેને નિયંત્રિત કરવા માટે શક્ય તેટલું બધું કરી રહ્યા છે. રાજધાની બેઇજિંગની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં ૯ નવા કેસ સામે આવ્યા છે. હાલમાં, બેઇજિંગમાં કોવિડનાં ૩૮ સક્રિય કેસ છે. આપને જણાવી દઈએ કે, ફેબ્રુઆરી ૨૦૨૧ પછી બેઇજિંગમાં કોવિડનાં સૌથી વધુ કેસ નોંધાયા છે. તાજેતરમાં, એક શિક્ષક ચેપગ્રસ્ત મળી આવ્યા પછી, સરકારી અધિકારીઓએ બન્ને શાળાનાં તમામ બાળકોને ક્વોરેન્ટિન કર્યા હતા. ૧૬ વધુ શાળાઓ બંધ કરવામાં આવી હતી કારણ કે તે શાળાઓનો સ્ટાફ રસીકરણ સ્થળ પર હાજર હતો. ચોંગકિંગ નગરપાલિકાએ મોટા પાયે કોવિડનું પરીક્ષણ શરૂ કર્યું છે. ચાંગઝોઉ શહેરમાં શાળાઓ આગામી ૩૦ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. આ બધાની વચ્ચે ચીનનાં વાણિજ્ય મંત્રાલયે નાગરિકોને ઇમરજન્સીની સ્થિતિમાં આવશ્યક ચીજવસ્તુઓનો સ્ટોક રાખવા જણાવ્યું છે. વહીવટીતંત્રએ લોકોને પ્રકોપ માટે તૈયાર રહેવા અને શિયાળા માટે સ્ટોક રાખવા જણાવ્યું છે કારણ કે જો પરિસ્થિતિ વધુ વણસે તો લોકડાઉન લાદવામાં આવી શકે છે. ચીનનાં રાજ્ય મીડિયા સાથે વાત કરતા, ચીનનાં ટોચનાં આરોગ્ય નિષ્ણાત ઝોંગ નાનશાને કહ્યું છે કે તેમને ખાતરી છે કે દેશમાં એક મહિનાની અંદર રોગચાળો ફાટી શકે છે.
જણાવી દઇએ કે, બ્રિટન, રશિયા, ચીન અને સિંગાપોર જેવા દેશોમાં કેસ ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતે હવેથી સાવધાન થવાની જરૂર છે. કારણ કે, કોરોના વાયરસની પેટર્ન સમજવી જરૂરી છે. એપ્રિલથી જૂન સુધીનો સમય ભારત માટે વધુ જોખમી છે. વર્ષ ૨૦૨૦ હોય કે વર્ષ ૨૦૨૧, આ મહિનામાં જ કોરોનાએ ભારતમાં હાહાકાર મચાવ્યો હતો. વળી, નવેમ્બરથી ફેબ્રુઆરી મહિનામાં, બ્રિટન, રશિયા, ઇટાલી, સિંગાપોર અને ચીન જેવા દેશોમાં કોરોનાનું પ્રભુત્વ છે. તેથી જ સંભાળ રાખવી વધુ મહત્વપૂર્ણ છે.