શાસનના પ્રકારોમાં લોકશાહીને શ્રેષ્ઠ કહી છે. લોકશાહીમાં સત્તાનું ગઠન નીચેથી ઉપર થાય છે. ત્યારબાદ સત્તા ઉપરથી નીચે ઉતરી આવે છે. અદનો આદમી સત્તા ઘડતરમાં ભાગીદાર છે. દરેકને પોતાના મતનો અધિકાર છે તેવી જ રીતે મતાંતર પણ રાખવાનો અધિકાર છે. દરેકને પોતાની સરકાર હોવાનો ભ્રમ પાળવાની અને વિરોધીની સરકાર હોવાનો બળાપો કાઢવાની છૂટ છે. પ્રજાની માન્યતા અને મતાંતરો નુક્કડના બાંકડેથી, પાર્ટી ઓફિસના દરવાજેથી શરુ થાય છે અને ધારાગૃહો સુધી પડઘાતા રહે છે. પ્રજાના પ્રશ્નોને ઉપાડવાની વિપક્ષની જવાબદારી અને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની સત્તાધારીની જવાબદારી વચ્ચે લોકશાહી મુલ્યો ઝુલતા રહે છે. વિરોધીએ ઉઠાવેલો પ્રશ્ન આંદોલન અને સત્તાએ ઉઠાવેલ કદમ યોજના કહેવાય છે. યોજના અને પ્રશ્ન વચ્ચેનો તાત્વિક ભેદ અમલીકરણનો છે.
વિરોધ શું હોય છે ? વિરોધ કરવાની તરેહ શું હોય છે ? સત્તા સામેના વિરોધનો એક આખો નવતર ઈતિહાસ અને વારસો ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપણને મળ્યો છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગાંધીજી અંગ્રેજ શાસન સામે અઘોષિત વિરોધ પક્ષના નેતા હતા. ૩૬ કરોડ જનતાના ભાગ્યવિધાતા હતા. પ્રજાપ્રશ્નને વાચા આપવાનો એમનો ધર્મ હતો. ૧૯૩૦નો મીઠાનો કર નજીવો હતો, પણ ગાંધીજીએ એ કર ને સત્તા સામેના સિમ્બોલિક ઓપોઝ તરીકે ઉપાડીને સરકારને ખળભળાવી મૂકી. ૧૯૩૦ની ૧૨મી માર્ચે સવારે ૬ઃ૨૦ કલાકે આશ્રમમાંથી કસ્તુરબાએ પહેરાવેલી સુતરની આંટી, કુમકુમ તિલક અને હાથમાં લાકડી લઈને બહાર પગ મુકતા એ ડોસલાએ હુંકાર ભર્યો…. “મારો જન્મ બ્રિટીશ સામ્રાજ્યનો નાશ કરવા માટે જ થયો છે, હું કાગડા-કૂતરાને મોતે મરીશ, રખડી-રઝળીને મરીશ, પણ સ્વરાજ્ય લીધા વીના આ આશ્રમમાં પગ મૂકવાનો નથી.” ૪૦૦ કિલોમીટરની એ યાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્‌યો. એ ૨૬ દિવસ આખો દેશ ગાંધીજીના દાંડી ભણીના મક્કમ પગલાઓમાં આવનારી આઝાદીનો પગરવ સાંભળી રહ્યો. ૬ અપ્રિલે સવારે સમુદ્ર સ્નાન કરીને ૬ઃ૩૦ વાગ્યે દરિયા કિનારે ખાડામાં રાખેલ ચપટી નમક ઉપાડીને બાપુએ એ ચપટી વાળો હાથ ઉંચો કર્યો.. દરિયાકિનારે ઉભેલી હજારોની મેદની આકાશ ચીરી નાખે એવા અવાજે પોકારી ઉઠી.. “નમક કા કાનૂન તોડ દીયા.” ભરેલ મીઠાની ચપટી સાથે એ મહામાનવે અગમવાણી ઉચ્ચારી “બ્રિટીશ સામ્રાજ્યની ઈમારતના પાયામાં આથી હું લુણો લગાડું છું.” બ્રિટીશ કાનૂનની અવજ્ઞા કરીને એને નામ આપ્યું.. “સવિનય કાનૂનભંગ”. ખરેખર લુણો લાગ્યો અને બ્રિટીશ સામ્રાજ્યની એ ઈમારત બરાબર સતર વર્ષ પછી પડી. આવડા મોટા સામ્રાજ્યને મીઠાની ચપટી ભરીને ખતમ કરવાની દૂરંદેશી એ વૃદ્ધ મોઢ વણિક પાસે હતી. વિરોધની એ તરેહ કેટલી અસરકારક હતી એ પારખવામાં અંગ્રેજો ગોથું ખાઈ ગયા હતા.
હાલમાં વિપક્ષ વડાપ્રધાન પરના આક્ષેપોને લઈને વિરોધમાં ઉતર્યા છે. એમનું કહેવું છે કે એક વડાપ્રધાન ઉદ્યોગગૃહના ખાસ છે અને એમને લાભ કરાવવા સતત મથતા રહે છે. છેલ્લા થોડા સમયમાં હિન્દુસ્તાનમાં વિરોધની પેટર્ન બદલાયેલી જોવા મળે છે. એની સામે સરકારનો અભિગમ પણ બદલાયેલો જોવા મળી રહ્યો છે. સરકાર કરી રહી છે એ બધું ખોટું છે એવો વિરોધ અને વિરોધ કરી રહ્યો છે એ દરેક પ્રતિપક્ષ ખોટો હોવાનો બંને પક્ષોનો અભિગમ વર્તાઈ રહ્યો છે. અંતિમ ચરમની કક્ષાનો વિરોધ અને વિરોધનો પ્રત્યુતર મુદ્દાને બંને છેડેથી તપાસવાની વાતનો છેદ ઉડાડી દે છે. પરિણામ સંસદનું
ગૃહ બંધ થઇ જાય છે અને લાખો કરોડો રૂપિયા જેની પાછળ ખર્ચાય છે એ મીકેનીઝમ જ ઠપ્પ રહે છે. વિરોધ અને સત્તા ફંફોસવા માટે થતો વિરોધ અને સાચા પ્રજાપ્રશ્ને થતા વિરોધમા ઘોડા ગધેડાનો ફરક છે. જેનસ નામના રોમન દેવતાને બે મોઢા હતા. જેના પરથી જાન્યુઆરી મહિનો આવ્યો. જાન્યુઆરી બે વર્ષને જોઈ શકે છે. આવી રીતે એક જ વાતમાં બે વાત કહેવાની એટલે કે બ્લેક એન્ડ વ્હાઈટ બંને બતાવવાની, જેથી કરીને સમય આવ્યે ગમે તે બાજુ ઢળી શકાય એવી કુત્સિત માનસિકતા હાલ રાજકારણમાં પ્રચલિત છે. વિરોધમાં ઉતરેલા અને આવા ગણતરી પૂર્વકના વિરોધના વિધાનો કરતા નેતાની પાછળ ચાલવામાં રોકડું જોખમ છે. જે વિરોધને જનસમર્થન નથી એ વિરોધનું લાંબાગાળે કોઈ વજૂદ બચતું નથી. દરેક સિઝનમાં પ્રગટ થતા કિસાન આંદોલનો, ચૂંટણી વખતે ઉભા થતા જ્ઞાતિ આંદોલનો અને અસ્તિત્વ ટકાવવા વિપક્ષો દ્વારા કરવામાં આવતા રાજકીય આંદોલનો સમય જતા વજૂદ ગુમાવી દે છે. તથ્ય વિનાના આક્ષેપ અને વાજબીપણા વિનાની માંગની એક જ ગતિ હોય છે.
પ્રવૃત્તિની સ્વતંત્રતા માગીને પરિણામોનું દાયિત્વ ન સ્વીકારતો વિરોધ કચડી નાખવો રાજ્યનો આપદ ધર્મ બની રહે છે. એ વિપક્ષ હોય કે પ્રજા. એ જવાબદારી સ્વીકારો જે તમારા વિરોધને લઈને સર્જવા પામી છે. નહીતર એ પરિસ્થિતિ સ્વીકારો જે રાજ્યે તમારા માટે નિર્માણ કરેલી છે. તટસ્થતા નિર્માલ્ય ખ્યાલ છે. લોકતંત્રમાં વ્યકિત એકલી સ્વાતંત્ર નથી રહી શકતી, એણે સ્વતંત્રતા ભોગવવા માટે સમૂહમાં રહેવું પડે છે. અને સમૂહ શબ્દ સ્વયં સ્વતંત્રતાનો નિષેધ છે. બદનસીબે આપણે ટોળાને સમૂહમાં ખપાવી દીધું છે. સમૂહનો વિરોધ અને ટોળાના વિરોધમાં તાત્વિક તફાવત છે. આજના આંદોલનો ટોળાનો વિરોધ છે.
“રાજ્ય પ્રજા માટે છે, પ્રજા રાજ્ય માટે નથી. દરેક નાગરિક પાસે રાજ્યની એક અપેક્ષા હોય છે કે એનું સ્વાતંત્ર્ય સર્જનાત્મક ધ્યેય માટે વપરાશે, વ્યકિત અને સમાજના ઉત્કર્ષ માટે. સ્વતંત્રતાનું એક અવશ્યંભાવી સત્ય એ છે કે વ્યક્તિગત સ્વાતંત્ર્ય નામની કોઈ વસ્તુ નથી. આપણે બધા સાથે જ સ્વતંત્ર રહી શકીશું. જયારે વ્યક્તિઓ માત્ર પોતાના અધિકારો જ માગતી રહેશે અને જવાબદારીઓ બીજા પર ઢોળી નાખતી રહેશે ત્યારે સ્વાત્રંત્ર્ય ટકી નહિ શકે…… ” — રોમન હરઝોગ — ભૂતપૂર્વ જર્મન રાષ્ટ્રપતિ.