ભારતીય કેપ્ટન કેપ્ટન વિરાટ કોહલીએ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીના તે દાવાને નકારી દીધો છે જેમાં તેમણે કહ્યુ હતુ કે રોહિત શર્માને વનડે કેપ્ટન બનાવતા પહેલા વિરાટ સાથે વાત કરવામાં આવી હતી. વિરાટે આજે પત્રકાર પરિષદમાં કહ્યુ કે, તેની સાથે કોઈ વાત થઈ નથી અને મીટિંગમાં જણાવવામાં આવ્યું કે હું વનડે કેપ્ટન નથી. ઉલ્લેખનીય છે કે ગાંગુલીએ અખબારી યાદીમાં કહ્યું હતું કે વનડે કેપ્ટનશિપને લઈને વિરાટ સાથે તેની અને ચીફ સિલેક્ટરની વાત થઈ હતી.
કોહલીએ કહ્યુ કે, મારી બીસીસીઆઈ સાથે આરામ કરવાને લઈને કોઈ વાત થઈ નથી. મારો મીટિંગના દોઢ કલાક પહેલા સંપર્ક કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કોઈ સંપર્ક થયો નહોતો. ચીફ સિલેક્ટરે મને ટેસ્ટ ટીમની પસંદગીને લઈને વાત કરી હતી. પાંચેય પસંદગીકારોએ મને જણાવ્યું કે હું હવે વનડે કેપ્ટન નથી. આ બરોબર હતું.
ઉલ્લેખનીય છે કે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ થોડા દિવસ પહેલા એક વ્યક્તવ્ય જાહેર કરીને કહ્યુ હતુ કે વનડે કેપ્ટનશિપને લઈને વાતચીત કરવામાં આવી હતી અને ચીફ સિલેક્ટરે પણ આ મામલા પર તેમની સાથે વાત કરી હતી. પરંતુ કોહલીએ આજે આ તમામ વાતો નકારી દીધી છે. તેવામાં ગાંગુલીના દાવા પર સવાલ ઉઠવા લાગ્યા છે.
કોહલીના આ નિવેદને ટીમ ઈન્ડિયાને હચમચાવી દીધી છે. પ્રથમવાર કેપ્ટન વિરુદ્ધ ગાંગુલીનો મામલો થતો જાવા મળી રહ્યો છે. કોહલીએ વનડે કેપ્ટન પદેથી હટાવવા પર નારાજગી વ્યક્ત કરી છે. જ્યારે બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યુ હતુ કે સફેદ બોલમાં બે કેપ્ટન ન હોઈ શકે તેથી રોહિત શર્માને ટી૨૦ની સાથે-સાથે વનડેનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.