ધારી તાલુકાના વિરપુર ગામે પાણી મુદ્દે બઘડાટી બોલી હતી. જેમાં ગાળો બોલવાની ના પાડવા મુદ્દે બે પક્ષોમાં બબાલ થઈ હતી. જેમાં વચ્ચે પડેલી બહેનને પણ મુંઢ માર મારવામાં આવ્યો હતો. આ બનાવ અંગે વિજયભાઈ ગોવિંદભાઈ રાઠોડ (ઉ.વ.૨૫)એ તેમના જ ગામના પંકજભાઈ નાનજીભાઈ મકવાણા, ઘનશ્યામભાઈ નાનજીભાઈ મકવાણા તથા મુકેશભાઈ બાબુભાઈ મકવાણા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ બે દિવસ પહેલા સવારે ૧૧ વાગ્યા આસપાસ તેમના પિતાને ઘર પાસે પાણી બાબતે ગામમાં રહેતા પંકજભાઈ મકવાણા સાથે બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ સાંજે સાત વાગ્યા આસપાસ ત્રણેય આરોપીઓએ તેમના ઘર પાસે આવીને ગાળો બોલી તેમના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી તેમણે ગાળો બોલવાની ના પાડતાં લોખંડનો પાઈપ મોઢાના ભાગે માર્યો હતો. આ સમયે તેમને છોડાવવા તેની પિતરાઈ બહેન વચ્ચે પડતાં તેને પણ લોખંડનો પાઈપ માથાના ભાગે મારી ઇજા કરી હતી.