ફક્ત ૧૮ દિવસના ગાળામાં બે નાની દીકરીઓએ તેમના માતા-પિતા ગુમાવ્યા છે. લંડનમાં વસતા ભારતીબેન પટોળિયાને કેન્સરની બીમારી લાગુ પડી હતી. લાંબી લડાઈ બાદ તેઓ થોડા દિવસ પહેલા જ મૃત્યુ પામ્યા હતા. તેમની અંતિમ વિધિ માટે તેમના પતિ અર્જુનભાઈ પટોળિયા ભારત આવ્યા હતા અને અંતિમ વિધિ કર્યા બાદ અમદાવાદમાં ક્રેશ થયેલ પ્લેનમાં જ લંડન પરત જઈ રહ્યા હતા. વિધિની કરુણતા એ છે કે આ દુર્ઘટનામાં અર્જુનભાઈએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. આઠ વર્ષની દીકરી જીયા અને ચાર વર્ષની દીકરી રીયાએ ટૂંકા ગાળામાં જ મા બાપની છત્રછાયા ગુમાવી દીધી હતી. આવા સમયે લંડન સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પરિવાર અને તેમના નજીકના પરિવારજનો, મિત્ર મંડળ દ્વારા આ નિરાધાર દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એક ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જેના માધ્યમથી આ બંને દીકરીઓના ભવિષ્ય માટે લગભગ સાડા પાંચ લાખ પાઉન્ડ જેવું દાન મળ્યું હતું. આ એકત્રિત કરેલા ભંડોળના ઉપયોગ કાનૂની ટ્રસ્ટ અથવા સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા પ્રતિનિધિ દ્વારા આયોજનબદ્ધ રીતે સ્વ. ભારતીબેન અને અર્જુનભાઈ પટોળિયાની દીકરીઓના ભવિષ્ય માટે ઉપયોગમાં લેવામાં આવશે. સંત, સુરા અને દાનવીરની આ ધરતીની મહેકને વિદેશમાં રહેતા ભારતીયોએ પણ પ્રસરાવી અને દેશવાસીઓનું માથું ઊંચું કરી દીધું છે. https://gofund.me/ffc17989 આ લિંક પર ઓનલાઈન દાન આપી શકાશે.