જનસંઘ સમયથી ભાજપ સાથે જોડાયેલો દુધાત પરિવાર સંપૂર્ણ બે દાગ છે, તેની સામે પોલીસે કરેલા આક્ષેપ ખોટા છે આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરીશ: સંઘાણી
સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ નહીં થાય તો આગામી દિવસોમાં અમરેલી ખાતે કાર્યકર્તાઓનું વિશાળ સંમેલન બોલાવવામાં આવશે: દિલીપ સંઘાણી
બે દિવસ પહેલા લીલીયામાં જાહેરમાં દારૂ વેચાતો હોવાનો વીડિયો વાયરલ કરનાર વિપુલભાઈ દુધાત સામે અમરેલી પોલીસે ગંભીર આરોપ લગાવ્યા હતા અને વિપુલભાઈ દુધાત આવી
પ્રવૃત્તિઓમાં પોલીસમાં ભલામણો કરતા હોવાનો ખુલાસો કર્યો હતો. ત્યારબાદ સમગ્ર પ્રકરણમાં વળાંક આવતા ભાજપના દિગ્ગજ આગેવાન દિલીપભાઈ સંઘાણીએ અમરેલીના એસપી સંજય ખરાત સામે ગંભીર આરોપ લગાવ્યા છે. જેમાં તેમણે જણાવ્યું છે કે અમરેલી જિલ્લામાં દારૂ, રેતીખનન અને તમામ પ્રકારની અસામાન્ય
પ્રવૃત્તિઓ એસપી સંજય ખરાતના આશીર્વાદથી ચાલી રહી છે. આ અંગે એસપી અમરેલીને તેમણે ફોન પર કઈ કઈ જગ્યા ઉપર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે તેની માહિતી પણ આપી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વિપુલ દુધાતને દબાવવાના પ્રયત્ન કોઈપણ પ્રકારે સાંખી લેવામાં આવશે નહીં. દુધાત પરિવાર વર્ષોથી જનસંઘ સમયથી ભાજપ સાથે સંકળાયેલો છે અને સંપૂર્ણપણે બે દાગ છે. પોલીસે ગુંડાગીરી કરી વિપુલ દુધાતને દબાવવાના પ્રયાસ કર્યો છે તેની રજૂઆત હું મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કરીશ. હાલમાં ક્રાંકચ ગામના સરપંચ કંચનબેન દુધાત વિપુલભાઈના માતૃશ્રી છે અને ગામમાં વિકાસના કાર્યો ચાલી રહ્યા હોય ત્યારે તેમને દબાવવાના પ્રયાસના ભાગરૂપે પોલીસના ધાડે-ધાડા ગામમાં ઉતારી ગલીઓમાં ફરી અને વિકાસના કાર્યોમાં જે કાંઈ રેતી અને મટીરીયલ પડ્યું હોય તેનો સર્વે કરી અને વિપુલ દુધાતને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આની સંપૂર્ણ તપાસ થાય અને એસપી આવી પ્રવૃત્તિને છાવરે છે તેની સામે પગલા લેવાય તેવી રજૂઆત જ્યાં જરૂર પડે ત્યાં હું કરીશ. ભાજપના શાસનમાં ભાજપનું કાર્યાલય કેવી રીતે ચલાવે છે તે એસપી પૂછતા હોય તો એસપી કેવી રીતે અને ક્યાં ક્યાં પોલીસ તંત્ર ચલાવે છે તેની પણ ઇન્કવાયરી થાય તેવી રજૂઆત પણ સરકારમાં કરીશ. અને જો યોગ્ય પગલા નહી લેવાય તો અમરેલી ખાતે જુના જનસંઘથી લઈને હાલના ભાજપના નવા કાર્યકર્તાઓનું સંમેલન મારા
નેતૃત્વમાં બોલાવીશ. આમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ આમંત્રણ આપવામાં આવશે તેમાં જોડાવું કે ન જોડાવું તે તેમનો નિર્ણય હશે. પરંતુ કામગીરી નહીં કરવામાં આવે તો આ સંમેલન ચોક્કસ થશે જ. આ અંગે તેમણે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ જાણ કરી છે. આમ સમગ્ર પ્રકરણમાં ભાજપના દિગ્ગજ આગેવાન મેદાને આવતા આગામી થોડા દિવસોમાં નવાજૂનીના એંધાણો વર્તાઈ રહ્યા છે.