કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલા તેમને વડાપ્રધાન પદની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેમણે આ ઓફર ફગાવી દીધી હતી. ગડકરીએ કહ્યું કે આ આૅફર વિપક્ષના એક મોટા નેતાએ કરી હતી પરંતુ મેં એ કહીને ના પાડી દીધી કે મને આ પદની કોઈ ઈચ્છા નથી.
નાગપુરમાં પત્રકારત્વ પુરસ્કાર દરમિયાન તે ઘટનાનો ઉલ્લેખ કરતા ગડકરીએ કહ્યું કે હું કોઈનું નામ નહીં લઉં પરંતુ જે નેતાએ મને આ ઓફર કરી હતી તેણે કહ્યું હતું કે જા તમે વડાપ્રધાન બનો તો અમે તમને સમર્થન આપીશું. મેં તેને પૂછ્યું કે તમે મને કેમ ટેકો આપવા માંગો છો અને હું શા માટે તમારો ટેકો લઉં? મેં તેમને કહ્યું કે પીએમ બનવું મારા જીવનનું લક્ષ્ય નથી.
મેં તેમને કહ્યું કે હું મારી વિચારધારા અને સંગઠનને વફાદાર છું. હું એ પાર્ટીમાં છું જેણે મને તે બધું આપ્યું છે જેનું મેં ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું. કોઈ ઓફર મને લલચાવી શકતી નથી. હું કોઈ પણ હોદ્દા માટે બાંધછોડ કરીશ નહીં કારણ કે હું મજબૂત વિશ્વાસ ધરાવતો વ્યકતી છું. આ દરમિયાન ગડકરીએ પત્રકારત્વ અને રાજકારણ બંનેમાં નૈતિકતાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
પોતાના ભાષણમાં ગડકરીએ એમ પણ કહ્યું કે જે વ્યકતી ઈમાનદારીથી વિરોધ કરે છે તેનું સન્માન કરવું જાઈએ. ન્યાયતંત્ર, કારોબારી, ધારાસભા અને મીડિયા જેવા ચારેય સ્તંભો નૈતિકતાને અનુસરે ત્યારે જ લોકશાહી સફળ થઈ શકે. ગડકરીએ સમારોહમાં ચાર વરિષ્ઠ પત્રકારોને ૨૦૨૩-૨૪ માટે પત્રકારત્વમાં શ્રેષ્ઠતા માટે અનિલકુમાર એવોર્ડથી સન્માનિત કર્યા.
૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પણ તેમનું નામ વડાપ્રધાન પદ માટે રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ કેન્દ્રીય મંત્રીએ તેને ફગાવી દીધું હતું. ત્યારે તેમણે કહ્યું હતું કે દેશની કમાન નરેન્દ્ર મોદીના હાથમાં છે. અમે બધા તેની પાછળ છીએ. મારા પીએમ બનવાનો સવાલ જ નથી. ગડકરી નાગપુર લોકસભા સીટથી ત્રણ વખત સાંસદ છે. પાર્ટી અને સંઘમાં તેમની એક અલગ ઓળખ છે.