પ્રકરણ – 5
રસોડામાં ચા ઉકળી રહી હતી. શાંતિલાલનાં મગજમાં વાત કહેવાની ઉતાવળ ઉકળી રહી હતી. અને મોતીભાઈ કોની વાત હશે..? એના ઉચાટમાં શ્ચાસ ઉપર નીચે થઈ રહ્યો હતો.
“શાંતિલાલ..!, કોની વાત છે..? અને શું વાત છે..? ઈ ‘જલદી બોલને..!”
“તમારી ઊતાવળ હું સમજી શકું એટલો ઉંમર લાયક છું. પણ..,
વાત જ્યાંરે.. પઘડે’ ઘાં’ કરવાની હોય ને તો..
સમજી વિચારીને વાત કહેવાય.”
શાંતિલાલે વાતમાં મોણ નાખવાની શરૂઆત કરી.
“આ આઠ દિ’ પે’ લાનોજ દાખલો જુઓને..
ઓલ્યા સવજીની સુમન. શે’ રમાં ખરીદી કરવા ગઈ ઈ’ ગઈ..! પાછીજ ના આવી.
ઈતો મારૂં નેટવર્ક જબરૂ તે ખ્યાલ આવ્યો કે.. એણે તો દુકાનદાર હારે ભાગીને લગ્ન કરી લીધા છે.
હવે હું રહ્યો પરગજુ હૈયાનો માણસ. મારાથી આ સહન ના થયું. મે જઈને સવજીને વાત કરી….
અને તમે તો સવજીને ક્યાં નથી ઓળખતાં..!
એણેતો ગામ આખું માથે લીધું. ને નિકળી પડ્યાં શે’ રમાં.
પછીની ઘટનાં તમને શું આખા ગામને ખબર છે.
ઓલ્યા છોકરાને ગોતી. એના ટાંટિયા ભાંગી, એના હાથમાં આપી દીધાં. અને સુમનને ઢસડી લાવ્યા ગામમાં.”
મોતીભાઇનો ઉચાટ વધારે ઊકળી રહ્યો હતો.
” અરે ભાઈ..! એ વાતને આ વાત સાથે શું લેવા દેવા..? તું મુદ્દાની વાત કરને..! “
” લ્યો.., ચા પાણી પી’ ને કોંટો ચડાવો.”
દીપમાલાબેન ચા આપતાં બોલ્યાં.
મોતીભાઈની બેચેની વધી રહી હતી.
” એ.. લાં શાંતિલાલ..!, હવે વાત ને વધું ખેંચવા કરતાં મોકળી મૂકી દે ને..!”
શાંતિલાલે ચાનો છેલ્લો છબડકો ભરતાં કહ્યું..
” જુઓ ભાઈ..!, મને જસ મળે કે જુતાં. પણ મારે મારી ફરજ પુરી કરવી પડે.
હાંસુ ખોટું રામ જાણે..! પણ.., મારા નેટવર્કમાં તમારાં નયનની હાલચાલ પકડાણી છે.
ઈ ‘ભણવાતો જાય છે. પણ..!, હારે.. હારે બીજું ઘણું’ ય ભણે છે.
તમે ધ્યાન રાખજો. ક્યાંક..!, હમણાંનોજ દાખલો તાજો છે.
આતો મને દેખાયું ઈ ‘તમને કીધું. બાકી.. તમે જાણો ને તમારો નયન જાણે.ભૂલચૂક માફ કરજો. અને નવી ખબર મળે તો આવી જઈશ.
લ્યો ત્યારે આવજો ભાઈ.. રામ.. રામ..!”
મોતીભાઈનાં મગજ પર જાણે વિજળી પડી.
પગ નીચેથી જમીન સરકવા લાગી. આંખે અંધારા આવી ગયાં.
શંકા નામનું આખેઆખું ઝૂંડ મોતીભાઈને વળગી પડયું. જાણકારોના મત મુજબ મધમાખીનાં ઝૂંડ કરતાં ‘ય આ શંકાનું ઝૂંડ વધારે ખરાબ.
મધમાખી કરડે તો દવાખાને’ ય એની સારવાર થાય. બાકી આની સારવાર કરાવવી ક્યાં..??
મોતીભાઇનાં મગજમાં આવા શંકાના ઝૂંડે પ્રવેશ કર્યો.
“નયન આવું કરવાં શે ‘રમાં જાય છે..?
બાપ દાદાની આબરૂનાં ધજાગરા કરવાં એ જાય છે..?
દાખલ કરતી વખતે સો સો ગાંઠો વાળી ‘તી કે ભણવામાં ધ્યાન રાખજે. પૈસાવાળાના પનારે પડતો નહીં. વ્યસનના રવાડે ચડતો નહીં. અને.. છોકરીઓની વાતમાં તો આવતોજ નહીં.
ઈ બધું અમે જોઈ લેશું. તું માત્ર ભણવામાં ધ્યાન દેજે.
પળોજણનાં પોટલાં અમે ઉપાડીએ.
પેટે પાંટા અમે બાંધીએ. ટક બપોર અમે ભૂખ્યા રહીએ. અને
નયનને શિખામણનું શિરામણ કરાવીએ.
તોય.. તોય.. નયને આવું કર્યું..?
આજ ઘેર આવવાં દે એને..!”
મોતીભાઈનો મગજ આજે સાતમાં આસમાને ચડી ગયો હતો.
દીપમાલાબેન ને અમંગળના એંધાણ વર્તાઈ રહ્યા હતા. આજે નક્કી કાંઈ થઈ ને જ રહેશે. નયનને કોઈ દિ ઊંચા સાદે ‘ય બોલાવ્યો નથી. અને આજે..?
કહું તો કોને કહું..? અને આવી વાત કરી કરીને કરવી કોને..? આ નભાયો શાંતિલાલ આવી ને આગ સળગાવી ગયો. અને આ એમનાં પપ્પા એટલાં ભોળા કે એની વાતમાં આવી ગયાં.
દીપમાલાબેનની આંખોય ગંગા જમનાં વહાવવા લાગી.
“હું શું કહું છું તમને..!? કે.., શાંતિલાલ ઉપર ગાંડો ભરોસો ના કરવો. અને.. નયન હારે શાંતિથી વાત કરજો. જુવાન દીકરો છે.
લોહી ગરમ હોય. અને કાંઇ કરી બેસે તો..!?”
” અરે.. ગાંડી..!, મે મારાં દીકરાને દીકરા કરતાં ‘ય દોસ્ત વધારે માન્યો છે. એણે જ્યાં જ્યાં ડગલાં મૂક્યાં છે ને.., ત્યાં ત્યાં મે હથેળી મૂકી છે. નયન મારો ભરોસો તોડેજ નહીં..!
પણ..! આ શાંતિલાલે જ્યારથી સરનામાં વગરનો સાપ વહેતો મૂક્યો છે ને. ત્યાંરથી જીવને અશાંતિ થઈ ગઈ છે.
એમણે એવી કોઈ વાત હોય ને તો મને પે’ ‘લાં કહેવું જોઈએ. આમ ગામ આખાંને ખબર પડે. અને મારા ઘરની વાત મને ગામમાંથી ખબર પડે..? આનાથી મોટી શરમની વાત કઈ હોય..? “
” તમે જરા ધિરજ રાખો. નયનને આવી જવા દો. બધું ધીના ઠામમાં ઘી પડી રેહે. તમે આમ ઊતાવળા ના થાવ. “
ડેલી ખખડવાનાં અવાજે બન્ને સાવધ થઈ ગયાં.
” મ.. મ્મી…!, આજે કકડીને ભૂખ લાગી છે. મારી માંએ મારી માટે શું બનાવ્યું છે..?”
નયને ડેલીમાં પગ મૂકતાં જ કહ્યું.
સામે કોઈ જાતનો પ્રત્યુત્તર ના મળ્યો.
નયનને નવાઈ લાગી.
આવતાં વેંત માંથે હાથ ફેરવનાર માં આજે ચૂપ કેમ છે..!?
એમણેં વધું નજીક આવી કહ્યું..
“મમ્મી મને બહું ભૂખ લાગી છે. શું બનાવ્યું છે..?”
છતાંય કોઈ પ્રત્યુત્તર ન મળ્યો.
નયનને વધારે અચરજ થયું. એ વધારે ગંભીર થયો.
“શું વાત છે.. મમ્મી…!? તમે બન્ને આમ..!?
કંઈ બન્યું છે..? શું વાત છે..??”
મોતીભાઈથી હવે ના રહેવાયું..
“બેટા..!”
“બોલોને પપ્પા..! શું વાત છે..?”
” બેટા..! તું શે ‘રમાં જઈને કંઈ ખોટું તો નથી કરી રહયો ને..? અમારૂં નામ આપણાં કુટુંબનું નામ ખરાબ થાય એવું તો નથી કરી રહયો ને..?? “
“ના પપ્પા..! કેમ આવું પૂછો છો..?”
“બેટા..! જેટલાં મોઢા એટલીં વાતું. પણ.. તું અમારું નામ ખરાબ થાય. એવું કાંઈ કરતો તો નથીને..? તને કોઈની સાથે…”
નયન વચ્ચેજ બોલ્યો..
” મમ્મી.., પપ્પા..! હું તમને વાત કરવાનો જ હતો. કે.., એક રોશની નામની છોકરી સાથે મારે મિત્રતા છે. આનાથી વધું કશું જ નથી.”
પણ.. બેટા..! એ કોણ છે..? ક્યાંની છે..?
એના મમ્મી પપ્પા કોણ છે..?”
“બસ.. બસ.. બસ..!! પપ્પા. એ બધું જ હું તમને કહીશ.
અને તમે નક્કી કરેલાં સો ગરણાંથી તમે ગાળી લેજો. અને તમારી બધીજ પંગથમાં બેસે એમ હોય. તો ને તોજ તમે હા પાડજો.”
હવે દીપમાલાબેન દીવો બની ગયાં.
આંસુનાં બાંધેલા તોરણ ખરી પડ્યાં
હોઠપર ધાણીફૂટ હાસ્ય રમવાં લાગ્યું.
મોતીભાઈનાં જીવમાં જીવ આવ્યો.
હૈયામાં હામ ભરાઈ..
પંડયમાં પ્રકાશ પથરાયો..
મનમાં મોરલાએ બેઠક કરી.
બે હોઠ વચ્ચે સંતાયેલા દાંત હવે ખડખડાટ હસવાં અધીરા બના રહ્યા હતા.
” પણ.. બેટા..!, તું કહે છે. ઈ સાચું હોય. તો આ તારા બાપનું પણ.. તને વચન છે કે..
મેં દોરેલાં બધાંજ બારણાં માંથી એ પસાર થાય તો. તમારાં બેની વચ્ચે અમે નહીં આવીએ.
પણ.. કહે તો ખરો કે.. એ કોની દીકરી છે..!? એનાં માં બાપ કોણ છે..?”
“બધીજ ખબર પડી જશે પપ્પા.
સમય આવ્યે.. ચાંદો સૂરજ બનીને ઊગશે. અને સૂરજ ઊગશે તો બધે જ રોશની.. રોશની.. થઈ જશે. સમય આવ્યે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.
નયને મક્કમતાથી જવાબ આપ્યો…
***
લંકેશને રેખાએ કહેલી વાત” બાયલા બાયલા “ઝંપવા દેતી નહોંતી.
રેખાની બોલતી બંધ કરવી હોય તો મારે રોશનીને મારી કરવી પડે. કાં ધાક જમાવવા મારવાનો ડોળ કરવો પડે. પણ.. કેમ..? કેવી રીતે..? શું કરૂં કે રોશની ને મારી તરફ આવવું જ પડે. શું કરૂં..? શું કરૂં…!?
કિડનેપીંગ..!? ના.. ના..! એનાથી તો એ મારી સામે થઈ જશે.
***
સવારનો સૂરજ અનંત આશાઓના અંબાર લઈને ઉગમણી કોર ઊગ્યો.
પંખીડાઓ પોત- પોતાનાં માળા. ભગવાન ભરોસે છોડી. પોતાનું પેટ ભરવાં ગગન વિહારે નીકળી પડ્યાં..
ગામડાનાં ગોંદરેથી ગૌધન ગૌચર તરફ પગરણ કરી રહયું હતું.
ગાયનાં ગળામાં બાંધેલી ઘૂઘરમાળનો અવાજ, ઘોડિયામાં સૂતેલાં બાળકનાં હોઠપર હાસ્ય લાવી રહયું હતું.
આનાથી રૂડો બીજો કયો સમય હોય..!?
છતાંય નજર નજરમાં ફેર હોય..!
સૌ સૌને મત મતાંતર હોય..!!
લંકેશ અને એની ટીમે આજે નક્કી કરી લીધું હતું કે.. કોઈ પણ ભોગે. આજે કોલેજમાં ધાક જમાવવાં ડંડાવાળી કરવી છે. અને એની તૈયારીમાં એ લાગી ગયાં હતાં.
કોલેજનાં ગ્રાઉન્ડમાં ધીમી ધીમી ચહલપહલ શરૂ થઈ ગઈ હતી.
કેટલાંક છોકરા છોકરીઓ જમણી તરફનાં બગીચામાં આંટાફેરા મારી રહ્યા હતા.
કેટલાંક ગ્રૂપ બનાવી ઠઠ્ઠા મશ્કરી કરી રહ્યા હતાં.