ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એક સંવેદનશીલ કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠામાં રહેતા એક માતાએ પોતાની માનસિક અસ્થિર અને બોલી ન શકતી સગીર દીકરીનો ગર્ભપાત કરવા માટે હાઇકોર્ટની પરવાનગી માંગી છે. જે મામલે કોર્ટે પ્રાથમિક સુનાવણી બાદ પીડિતાની તબીબી તપાસ કરવા માટે નિર્દેશ આપ્યા છે.
અરજદાર અને પીડિત સગીરાના માતા મૂળ રાજસ્થાનના રહેવાસી છે. તેઓ પાછલા કેટલાક વર્ષથી બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં છૂટક મજૂરી કરી જીવન નિર્વાહ ચલાવી રહ્યા હતા. આ દરમિયાન તેઓ બન્ને જિલ્લાના અલગ-અલગ શહેરમાં કામ માટે જતા રહેતા. આ દરમિયાન પીડિત સગીરા બે વાર ગુમ થઈ હતી, તેમજ થોડાં દિવસ બાદ પરત પણ આવી ગઈ હતી. જાકે પોતે કંઈ બોલી ન શકવાથી ક્યાં ગઈ હતી તે અંગેની જાણ કરી શકતી નહોતી. થોડા દિવસ બાદ તેના શરીરમાં ફેરફાર જણાતા તેની માતાએ સરકારી હોસ્પિટલમાં તપાસ કરાવી, જ્યાં તેને સાત મહિના એટલે કે ૩૦ સપ્તાહનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું.
જેને પગલે ૩ મે ૨૦૨૨ના રોજ બનાસકાંઠાના ડીસામાં પોક્સો હેઠળ પોલીસ ફરિયાદ નોંધવામાં હતી. આ પોલીસ ફરિયાદમાં અજાણ્યા શખ્સ સામે પીડિતાની માતાએ તેની દીકરી માનસિક અસ્થિર હોવા ઉપરાંત બોલી ન શકતી હોવાથી નરાધમે તેની આ સ્થિતિનો ગેરલાભ લઇને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જેને કારણે તે ગર્ભવતી બની હતી. આ ઘટના બાદ દીકરીને સખી વન સ્ટોપ સેન્ટરમાં રાખવામાં હતી, જ્યાં બનાસકાંઠાના અગ્રણી વકીલ મનોજ ઉપાધ્યાયનો સંપર્ક કરવામાં આવ્યો અને હાઇકોર્ટમાં ગર્ભપાત માટે અરજી દાખલ કરવામાં આવી છે.
હાઇકોર્ટ સમક્ષ અરજદારના વકીલ સુધાંશું ઝા દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, પીડિતા સગીર છે અને માત્ર ૧૫ વર્ષની ઉંમર ધરાવે છે, જેની સાથે અનેકવાર બળાત્કાર થયો છે અને ગર્ભ ધારણ કર્યો હોવાથી તેના ટર્મિનેશન માટે યોગ્ય નિર્દેશ આપવામાં આવે.
અરજદારના વકીલ સુધાંશુ ઝાએ કોર્ટ સમક્ષ એ પણ રજૂઆત કરી છે કે અરજદાર મહિલા વિધવા છે અને તે એકમાત્ર પરિવારમાં કામ કરી રોજીરોટી કમાય છે. પીડિત સગીરા પણ માનસિક રીતે અસ્થિર છે અને બોલી શકતી નથી. આ સ્થિતિમાં તે પોતાની જ સંભાળ રાખવા માટે સક્ષમ નથી તો બાળકની સાર સંભાળ રાખવી તેના માટે ખૂબ જ કઠિન બનશે. એક તરફ જ્યાં પીડિત સગીરા માનસિક રીતે અસ્થિરતા સામનો કરી રહ્યો છે તો બીજી તરફ સગીર અવસ્થામાં બાળકનો જન્મ થવાથી સામાજિક સમસ્યા પણ ઉભી થશે. તેમજ પીડીત સગીરા પણ ગર્ભનો નિકાલ કરાવવા માટે તૈયાર છે.