પટણા પોલીસે બુધવારે બીપીએસસી પ્રશ્નપત્ર લીક મુદ્દે વિરોધ કરી રહેલા ઉમેદવારો પર લાઠીચાર્જ કર્યો હતો. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ મામલે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે આ અત્યંત શરમજનક અને નિંદનીય છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમતને સાંખી લેવામાં આવશે નહીં. અમે તેમની સાથે છીએ અને તેમને ન્યાય અપાવવા માટે લડત આપીશું.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કહ્યું તેનું તાજેતરનું ઉદાહરણ બિહાર છે. બીપીએસસી ઉમેદવારો પેપર લીક સામે અવાજ ઉઠાવી રહ્યા છે અને પરીક્ષા રદ કરવાની માંગ કરી રહ્યા છે. પરંતુ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે એનડીએ સરકાર વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરી રહી છે.
રાહુલની સાથે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ પણ આ મામલે સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, આ રીતે હાથ જાડી રહેલા યુવાનો પર લાકડીઓનો ઉપયોગ કરવો એ ક્રૂરતાની ચરમસીમા છે. ભાજપના શાસનમાં રોજગાર માંગતા યુવાનોને લાકડીઓ વડે મારવામાં આવે છે. ઉત્તર પ્રદેશ હોય, બિહાર હોય કે મધ્યપ્રદેશ, જા યુવાનો અવાજ ઉઠાવે છે તો તેમને બેરહેમીથી મારવામાં આવે છે. વિશ્વના સૌથી યુવા દેશના યુવાનોનું ભવિષ્ય શું હશે તે વિચારવાનું અને તેમના માટે નીતિઓ બનાવવાનું કામ સરકારોનું છે. ભાજપ પાસે માત્ર ખુરશી બચાવવાનું વિઝન છે. જે કોઈ રોજગાર માંગશે તેને ત્રાસ આપવામાં આવશે.
આપને જણાવી દઈએ કે, બુધવારે પટનામાં પરીક્ષાર્થીઓએ પ્રશ્નપત્ર લીક થવાનો દાવો કરીને પરીક્ષા રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસે તેના પર લાઠીચાર્જ કર્યો હતો. આ અંગે પટનાના એસએસપી રાજીવ મિશ્રાએ કહ્યું હતું કે જ્યારે કેટલાક લોકો બેરિકેડ તોડીને બીપીએસસી ઓફિસ પહોંચ્યા અને ટ્રાફિકને ખોરવ્યો ત્યારે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો.