હિન્દુસ્તાન માટે ખાલીસ્તાન ચળવળ એક આતંકવાદી ચળવળ છે. દેશના એક હિસ્સાને દેશથી કાપીને અલગ કરવાની વાત છે. દેશના સાર્વભૌમ અને અખંડીતતા સામે ખતરો છે. દેશે આ ચળવળના ભોગે ઘણી ખુવારી વેઠી છે. ભારતના બે પ્રદેશમાં આવી ચળવળનો ખતરો હતો અને છે, કાશ્મીર અને પંજાબ. કાશ્મીરનો પ્રશ્ન આઝાદી વખતે દેશના સર્વોચ્ચ નેતૃત્વ દ્વારા થયેલી ભૂલોને લઈને પેદા થયેલો છે. એ પ્રદેશની સીમા દુર્ગમ અને પાકિસ્તાન જેવા આતંકવાદીઓના સ્વર્ગ ગણાતા મુલ્કને સ્પર્શે છે. હિન્દુસ્તાન આઝાદી બાદના આઠ દાયકાથી આ સરહદેથી પ્રવેશીને દેશની જમીન લાલ કરી જતા આતંકવાદનો ભોગ બની રહ્યું છે. સરહદ પાર કતાર દર કતાર નેતાઓ આવતા રહ્યા જે ખૈબરઘાટથી હિન્દુસ્તાનની ધરતી પીંખવા આવેલા આક્રાન્તાઓની યાદ અપાવતા રહ્યા. આ પાર કરોડરજ્જુ વિનાના, તુચ્છ રાજનીતિનું ધાવણ ધાવીને ઉછરેલા નેતાઓની હારમાળા આવતી રહી જેણે દેશ પહેલા પક્ષ અને પક્ષ પહેલા પરિવારને પ્રાધાન્ય આપ્યું. પરિણામ એ આવ્યું કે આ તરફથી જે જવાબ અપાતો એ સ્ત્રૈણ અવાજમાં અપાતો રહ્યો. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચો પર જૂઠ પર જૂઠ ફેલાવીને હિન્દુસ્તાનનું ચીરહરણ કરતુ રહ્યું. ભારતના પોણીયા પ્રતિનિધિઓ દરબારના ત્રીજી હરોળમાં બાઅદબ ઉભેલા દરબારીની જેમ શીશ ઝુકાવીને કુરનીશ બજાવતા રહ્યા અને દેશને શરમિંદા કરતા રહ્યા. એક વખત એવો આવ્યો કે દેશ કાશ્મીર મુદ્દે એકલો પડી ગયો. દેશે એક દશકાથી ખડક જેવા અવાજે જવાબ આપવાનું ચાલુ કર્યું, પથ્થર સામે પથ્થર ફેંકવાનું શરુ કર્યું, આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનના કપડા ફાડવાનું શરુ કર્યું, આજે પાકિસ્તાન વિશ્વ સમક્ષ આતંકવાદીઓના પનાહ્‌ગીર તરીકે નાગું થઇ ચુક્યું છે. આજે ફરી આવો જ પ્રશ્ન અને બખેડો કેનેડા તરફથી શરુ કારવામાં આવ્યો છે. ભારત સામે આધાર પુરાવાઓ વિનાના આક્ષેપો કેનેડાના વડાપ્રધાન દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. પોતાની લઘુમતી સરકારને બચાવવા ખાલીસ્તાન ચળવળના તરફદાર જગમીતસિંહનો ટેકો લીધેલ છે. જે લગભગ ડગમગી ગયેલો છે. પરિણામે ખાલીસ્તાનીઓને ખુશ રાખવા વડાપ્રધાન ટ્રૂડોનો આપદ ધર્મ બની જાય છે. અન્યથા, તેના દેશમાં નકલી દસ્તાવેજોના આધારે ગેરકાયદે રીતે ઘુસેલા, કેનેડાએ ખુદ નો – ફ્‌લાય લીસ્ટમાં નાખેલા એક ખાલિસ્તાની આતંકવાદીની હત્યાને લઈને ભારત જેવી ઉભરતી મહાસત્તા સામે થવાનો કોઈ તર્ક નથી બનતો. પોતે પોતાના દેશના નાગરિકોની કેટલી ચિંતા કરી રહ્યા છે, એમના માટે ક્યાં સુધી લડાઈ લડી શકે છે એ સાબિત કરવા ટ્રૂડો ભારત સામે શીંગડા ભેરવી રહ્યા છે. પોતાના દેશના નાગરિકોની સુરક્ષા અલબત મહત્વની છે, બશર્તે એ નાગરિક બીજા દેશના સાર્વભૌમ માટે ખતરો ન હોવો જોઈએ. પણ એ જાણે છે કે જો હિન્દુસ્તાનમાં ખાલીસ્તાનનું સમર્થન કરવાવાળા મીરજાફરની અનૌરસ ઔલાદ જેવા રાષ્ટ્રીય ચારિત્ર્યહીન ઠીંગણા નેતાઓ આજની તારીખે પણ પેદા થતા રહેતા હોય તો આટલા દૂરથી આક્ષેપ કરવો આસાન થઇ રહેશે. સવાલ એકલા કેનેડાનો નથી, કેનેડા અને ઇંગ્લેન્ડ જેના ૫૧મા રાજ્ય કહેવાય છે અને દુનિયાભરના પ્રશ્નોમાં જેને સળી કરવાની જનમજાત કુટેવ છે એવા ઇંગ્લેન્ડ અને અમેરિકાનો પણ છે. અમેરિકા પણ ભારત વિરોધી એક ખાલિસ્તાની આતંકવાદીને સંઘરીને બેઠું છે, જે અમેરિકામાં બેઠા ભારતને તોડવાના પ્રયાસો કરી રહ્યો છે. આવું જો અમેરિકા સાથે બને તો અમેરિકા કોઈને પૂછ્યા વિના એ દેશમાં જઈને તેને ખતમ કરે. પણ, પશ્ચિમની દરેક મુદ્દાને અલગ અલગ કાટલાથી જોખવાની દોગલી નીતિ વિશ્વ આખાએ જોઈ છે. એક દેશમાં જે પ્રવૃત્તિને તેઓ આતંકવાદ કહે છે, બીજા દેશમાં તેને અભિવ્યક્તિ સ્વાત્રંત્ર્યનું નામ આપી શકે એટલા પહોળા પનાંની હરામખોરી પશ્ચિમ પાસે ઉપલબ્ધ છે. યુક્રેન રશિયા યુધ્ધમાં ભારતે લીધેલું એમની નીતિઓથી વિપરીત અલગ અને સ્વતંત્ર સ્ટેન્ડ આ બધાને ખટકી રહ્યું છે. યેનકેન પ્રકારે ભારતને ઘેરવાના પ્રયત્નો થાય એ સ્વાભાવિક છે. જેમ સિરાજુદ્દૌલા વખતે મીરઝાફર પેદા થઇ ગયો હતો તેમ આજે આ બધી સિસ્ટમને મદદમાં ભારતીય વિપક્ષનું  સમર્થન મળી રહ્યું છે. ઘાઘરાના ઘેર જેવા મુદ્દે શેરીઓમાં ઉતરી પડતો અને શેરીના ઝગડાને યુનો સુધી તાણી જવાની માનસિકતા ધરાવતો આજનો નમાલો ભારતીય વિપક્ષ કેનેડાના આવા આક્ષેપો અંગે કશું નહિ બોલે. દેશના સાર્વભૌમ કરતા પોતાનું રાજકીય અસ્તિત્વ એમના માટે અગત્યનું છે. ભારતના દુર્ભાગ્યે મીરઝાફરો અને અમીચંદો પેઢી દર પેઢી પેદા થતા રહે છે.
ભારતે આ મુદ્દે કેનેડાને આપેલો જવાબ દરેક ભારતીયે હરખાવાની વાત છે. ભારતે કેનેડા સાથે એક ઝાટકે રાજદ્વારી સબંધો પુરા કરી દીધા છે. એ ઈતિહાસ છે કે પશ્ચિમને ક્યારેય ભારત તરફથી કોઈ લોઠકો જવાબ આપવામાં આવ્યો નથી. ભારત તરફથી આવા જવાબ અંગે પશ્ચિમ ટેવાયેલું પણ નથી. નાભિના ઊંડાણેથી પહાડી હલક સાથેનો અવાજ સામાવાળાની છાતીમાં થડકારો કરી મેલે એ સ્વાભાવિક છે. ભારતમાં વ્હોટ્‌સેપ, ફેસબુક જેવા સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ પર રેંગતી રહેતી જીવાતો કેનેડામાં રહેલા ભારતીય વિદ્યાર્થીઓનું શું થશે ? એવા કોરસ ગાવા લાગી છે. દેશના મુદ્દાઓ બાબતે બાંધછોડ અને સૂક્ષ્મ વિરોધ તેઓ આવી આડશો પકડીને કરતા હોય છે. મુદ્દાઓને ભટકાવીને ધરાર એમની વિચારધારાની દિશામાં વાળવાની એમની આ પૈદાશી મહારત છે. તેઓ નિરાકરણને તકલીફ સમજવાની પ્રચંડ બુદ્ધિ ધરાવે છે અને સતત સાબિત કરવા મિથ્યા મથતા રહે છે.
સરકારે કોઈ મુદ્દે લીધેલા અભિગમને આધારે એમનું મૂલ્યાંકન થવું જરૂરી છે. ઈતિહાસ તો કરશે જ, સાથે સાથે વર્તમાન પણ એમનું તાત્કાલિક મૂલ્ય પારખે એ જરૂરી છે. ટટ્ટાર ઉભું રહેવાથી પછીથી કમરનો દુઃખાવો નથી થતો. ક્વિક નોટ – એક કચ્છી કહેવતનો અર્થ કઈક આવો થાય છે, “ મરદના દીકરા થઈએ, નમાલાના બાપ પણ ન રહીએ.”