સાવરકુંડલાના વિજપડી ગામના માધવ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામ તથા સીમતળમાં આવતા ૬૦થી વધારે મંદિર, દેવી-દેવતાઓ તથા પીર-પીરાણાઓ તમામ સ્થળે ધજા, શ્રીફળ, અગરબતી, શ્વાનને લાડુ તેમજ જન્માષ્ટમીમાં ભગવાનના વાઘા વસ્ત્રોને પ્રસાદીનું કાર્ય પૂર્ણ કર્યુ છે. આ કાર્ય પરંપરાગત છે અને તેનાથી ગામમાં કોઈ અણબનાવ ન બને તેમજ વેપાર-રોજગાર, ખેતપેદાશ, કોમી એકતા ભાઈચારાથી સહુ રહે અને વરૂણદેવ સારા વરસાદથી લોકોની સુખાકારી વધારે તેવી પ્રાર્થના કરતા હોય છે. આ કામમાં સાથ સહકાર આપવા બદલ માધવ સેવા ટ્રસ્ટના પ્રમુખ ભાવેશભાઈ લાડુમોર, બાલાભાઈ નીંગરાણા, નથુભાઈ ઢાકેચા તથા તમામ સભ્યોએ વેપારીઓ, મિત્રો અને ખેડૂતોને આભાર માન્યો હતો.